Get The App

બજારની વાત .

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


ભારતમાં 1936માં શેવરોલે કાર રૂ.2700માં મળતી

સોશિયલ મીડિયા પર હમણાં ૧૯૩૬ની શેવરોલે કારની જાહેરખબર વાયરલ થઈ છે. આ જાહેરખબર પ્રમાણે, ફાઈવ સીટર બંધ બોડીની શેવરોલે કાર માત્ર ૩૬૭૫ રૂપિયામાં મળતી હતી જ્યારે ખુલ્લી જીપ જેવી શેવરોલે કાર માત્ર ૨૭૦૦ રૂપિયામાં મળતી હતી. અતિ ધનિકો જ કાર ખરીદી શકતા એ જમાનાની જાહેરખબરમાં 'એકદમ સસ્તા અને શ્રેષ્ઠ' ભાવે કાર મળી રહી હોવાનો દાવો કરાયો છે. લખનઉના શેવરોલે કાર ડીલરની જાહેરખબર પરથી લખનઉનો એક જમાનામાં કેવો દબદબો હશે ને ધનિકો રહેતા હશે એવું માની શકાય. ૩૬૭૫ રૂપિયાની કાર લખનઉ, સિવાય કોલકાત્તા, દિલ્હી અને દિબ્રુગઢમાં પણ મળશે એવો ઉલ્લેખ છે. 

મોટા ભાગના યુઝર્સ જાહેરખબર જોઈને કોમેન્ટ કરી રહ્યા છે કે, ૧૯૩૬ના ૩,૬૭૫ રૂપિયા અત્યારના ૩.૬૦ કરોડની બરાબર કહેવાય એ જોતાં કાર બહુ મોંઘી હતી. ઘણાંએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે, શેવરોલે કંપની એ વખતે પણ હતી ? 

બજારની વાત                          . 2 - image

ચીનમાં 1556માં એક દિવસમાં 8.30 લાખ લોકો મરી ગયેલાં

વિશ્વના ઈતિહાસમાં એક જ દિવસમાં એક જ સ્થળે સૌથી વધારે લોકો મોતને ભેટયાં હોય એવું ક્યારે બનેલું ખબર છે ? ૨૩ જાન્યુઆરી, ૧૫૫૬ના દિવસે. એ ગોઝારા દિવસે એક સાથે ૮.૩૦ લાખ લોકો ચીનના શાંક્સીમાં મોતને ભેટયાં હતાં. 

સામાન્ય રીતે યુધ્ધના કારણે લોકોનો સામૂહિક વિનાશ થાય છે એવી માન્યતા છે તેથી કોઈ યુધ્ધમાં આ બધાં મરાયાં હશે એવું લાગે પણ વાસ્તવમાં ભૂકંપના કારણે આ જાનહાનિ થઈ હતી. માત્ર થોડીક સેકંડોના ભૂકંપના કારણે ૧ લાખ લોકો તો તરત દટાઈને મરી ગયેલાં જ્યારે એ જ દિવસે આવેલા શ્રેણીબધ્ધ આફ્ટરશોકના કારણે ભેખડો ધસી પડવાની, આગ લાગવાની અને ભૂકંપના કારણે જમીનમાં પડેલી તિરાડોમાં દટાઈને બીજાં ૭.૩૦ લાખ લોકો મરી ગયેલાં. આ ભૂકંપના કારણે પછીથી સ્થળાંતર સહિતની સમસ્યાઓ સર્જાઈ તેમાં પણ હજારો લોકો મરેલાં. 

વિશ્વમાં બે વિશ્વ યુદ્ધ કે બીજાં યુધ્ધોમાં મરાયેલાં લોકોનો આંકડો બહુ મોટો છે પણ કુદરતી હોનારત આટલાં લોકોનો ભોગ લે એ ઘટના આઘાતજનક છે.  

બજારની વાત                          . 3 - image

સીરિયામાં કોફીના કપનો ભાવ 25 હજાર પાઉન્ડ

એક કોફીના કપનો ભાવ ૨૫ હજાર પાઉન્ડ હોય એવું સાંભળ્યું છે ? યુધ્ધગ્રસ્ત સીરિયામાં અત્યારે કોફીના કપના ૨૫ હજાર પાઉન્ડ છે. જો કે આ વાત સીરિયાના પાઉન્ડની છે, બ્રિટનના પાઉન્ડની નહીં. બ્રિટનના પાઉન્ડ હોય તો એક પાઉન્ડમાં તો સરસ મજાની કોફી મળી જાય પણ સીરિયામાં જીવનજરૂરીયાતની ચીજોની એ હદે અછત છે કે, મોંઘવારીએ માઝા મૂકી છે અને સીરિયન પાઉન્ડ સાવ તળિયે પહોંચી ગયો છે. 

એક જમાનામાં સીરિયાનો પાઉન્ડ ભારતીય રૂપિયા કરતાં પણ મજબૂત હતો. એક અમેરિકન ડોલરનો ભાવ ૫૦ સીરિયન પાઉન્ડની આસપાસ હતો પણ યુધ્ધના કારણે અમેરિકન ડોલરનો ભાવ ૧૫ હજાર સીરિયન પાઉન્ડ થઈ ગયો છે તેથી કોફીના કપ માટે પણ  ૨૫ હજાર પાઉન્ડ ખર્ચવા પડે છે. બીજી ચીજોના ભાવ તો કેટલા હશે તેની કલ્પના જ કરવી રહી. 

આઈવીએફ સ્પેશિયિલિસ્ટ ડો. ડેન્જરનો 16 મહિલા પર 'મેડિકલ રેપ'

કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં હમણાં આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડો. હેલ સી. ડેન્જર સામે ચાલી રહેલા 'મેડિકલ રેપ'ની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ડો. ડેન્જર સામે ૧૬ મહિલાઓ પર 'મેડિકલ રેપ'નો આરોપ છે.  અમેરિકામાં કોઈ ડોક્ટર દંપતિની મંજૂરી વિના વીર્ય (સ્પર્મ) બદલી નાંખે તો 'મેડિકલ રેપ' ગણાય છે. ડો. ડેન્જરના કેસમાં રસપ્રદ વાત એ છે કે, તેમણે આ તમામ ૧૬ મહિલાઓને એક જ પુરૂષના સ્પર્મથી ગર્ભવતી કરી હતી તેથી મહિલાઓનાં સંતાન ભાઈ-બહેન છે પણ તેમને પોતાને જ આ વાતની ખબર નહોતી. 

ડો. ડેન્જર સામે કેસ જેન અને જોન રોની દીકરીએ કર્યો છે. લગ્નનાં બહુ વરસો પછી પણ સંતાનો ના થતાં તેમણે આઈવીએફ દ્વારા માતા-પિતા બનવાનો નિર્ણય લીધો હતો અને ડો. ડેન્જર પાસે ગયેલાં. ડો. ડેન્જરની ટ્રીટમેન્ટથી જન્મેલી ટ્વિન ડોટર્સ પૈકીની એકે થોડા સમય પહેલાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો તેમાં ડો. ડેન્જરના ખેલનો ભાંડો ફૂચી ગયો. 

બજારની વાત                          . 4 - image

ઈઝરાયલના સંશોધકોએ સદીઓ જૂની પધ્ધતિથી રણમાં અનાજ ઉગાડયું

ઈઝરાયલ ચમત્કારો કરવા માટે જાણીતો દેશ છે અને હમણાં ઈઝરાયલે રણમાં અનાજ ઉગાડીને કમાલ કરી નાંખી છે.  ઈઝરાયલના રહમત ગાનની બાર-ઈલાન યુનિવર્સિટી અને જેરુસલેમની ઈઝરાયલ એન્ટિક્વિટિઝ ઓથોરિટીના સંશોધકોએ આ કમાલ કરી બતાવી છે. આ બંને સંસ્થાએ ઈઝરાયલ ઉપરાંત ઈરાન, ગાઝા, ઈજીપ્ત, અલ્જિરયા અને ઈબેરિયાના સંશોધકોને સાથે રાખીને ઈઝરાયલના ભૂમધ્ય સાગરની નજીકના રણ પ્રદેશમાં વોટર હાર્વેસ્ટિંગ પર કામ કરીને અનાજ ઉગાડવામાં સફળતા મેળવી છે. 

સંશોધકોનું કહેવું છે કે, તેમણે કોઈ કમાલ કરી નથી. વાસ્તવમાં સદીઓ પહેલાં આરબ દેશોમાં ખેડૂતો ઓછું પાણી હોવા છતાં ખેતી કરતા જ હતા. અમે એ અંગે સંશોધન કરીને કઈ રીતે ખેતી શક્ય બનતી હતી તે શોધી કાઢયું અને તેનો અમલ કરી બતાવ્યો તેથી યશ આપવો હોય તો સદીઓ પહેલાં આ ટેકનિક શોધનારા ખેડૂતોને આપજો.

પરફેક્ટ ગોળાકાર ઈંડું 21 હજાર રૂપિયામાં વેચાયું

એકદમ ગોળાકાર ઈંડું જોયું છે ? વિજ્ઞાાનીઓનું કહેવું છે કે, એક અબજ ઈંડાંમાંથી કોઈ એક ઈંડું એવું નિકળે કે જે સંપૂર્ણપણે ગોળાકાર હોય. યુકેના બર્કશાયરમાં હમણાં આવા જ ઈંડાની હરાજી થઈ ને ઈંડું ૨૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૨૧ હજાર રૂપિયામાં વેચાયું. ભારતમાં ૧૦ રૂપિયામાં ઈંડું મળે છે એ જોતાં આ ભાવ બહુ કહેવાય. 

આ ઈંડાનો માલિક એડ પોનવેલ હતો કે જેણે ૧૫૦ પાઉન્ડ એટલે કે ૧૬ હજાર રૂપિયામાં ઈડું ખરીદેલું. પોનવેલને આ ઈંડું અસામાન્ય છે એવી ખબર હોવા છતાં લુવેન્ટસ ફાઉન્ડેશનને દાનમાં આપી દીધેલું. આ સંસ્થા ઓક્સફર્ડશાયરમાં યુવાનોને માનસિક રીતે તંદુરસ્ત રાખવા લાઈફ કોચિંગ આપે છે. 

આ ઈંડું ક્યાંથી આવ્યું એ ખબર નથી પણ સ્કોટલેન્ડમાં એક મહિલાએ સ્ટોરમાંથી ખરીદેલું ને પછી જાહેર હરાજીમાં પોર્નવેલને વેચી દીધું હતું. 



Google NewsGoogle News