બજારની વાત .

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


પાડોશીના ઘરમાંથી વીજળી ચોરનારો ઝડપાયો

ભારતમાં લંગર નાંખીને થાંભલા પરથી વીજળીની ચોરી સામાન્ય વાત છે પણ કોઈ પાડોશીના ઘરમાંથી વીજળી ચોરી લે એવું ભાગ્યે જ બને. સ્કોટલેન્ડના ટેપોર્ટનાં લેસ્લી પીરી નામનો ઈલેક્ટ્રિશિયન પાડોશીના ઘરમાંથી વીજળીની ચોરી કરતો તેથી તેનું બિલ સાવ ઓછું આવતું જ્યારે પાડોશીનું બિલ ઉંચું આવતું. 

પીરીએ પાડોશીના ઘરના ઈલેક્ટ્રિક વાયર સાથે પોતાના ઘરના વાયર જોડી દીધેલા પણ ખબર ના પડે એ માટે ફોટો ફ્રેમ લગાવી દીધેલી. આ રીતે ૨૦૧૭ના જુલાઈથી ૨૦૨૦ના ઓગસ્ટ સુધી ચોરી કરી. પાડોશીએ લાઈટ બિલ ભરવા પોતાની ટીનેજર દીકરીને નોકરીએ મોકલવી પડતી. પાડોશીને બિચારાને ખબર જ નહોતી કે વાસ્તવમાં એ બે ઘરનું બિલ ભરે છે. ત્રણ વર્ષ પછી તેણે છેવટે કંપનીમાં ફરિયાદ કરી તેમાં ચેકિંગમાં પીરીનો ભાંડો ફૂટયો. કોર્ટમાં કેસ ચાલતાં કોર્ટે પીરીને પાડોશીને ૪૦૦૦ પાઉન્ડ (લગભગ રૂપિયા ૪.૩૩ લાખ) ચૂકવવા કહ્યું છે.

બજારની વાત                          . 2 - image

મીઠાઈની દુકાનમાં એક સાથે 30 કોબ્રા

બિહારના કિશનગંજમાં બાસબારી હાટમાં આવેલી એક મીઠાઈની દુકાનમાં એક સાથે ૩૦ કોબ્રા નિકળતાં આખા વિસ્તારમાં કરફ્યુ જેવો માહોલ થઈ ગયો ને કોબ્રાાને પકડવા માટે મદારી ખૂટી પડયા. દુકાનના માલિક કૈસરે સવારે દુકાનમાં સાપ જોતાં દુકાન ખોલવાનું માંડી વાળીને સૌથી પહેલાં મદારીને બોલાવેલો.

મદારી આવતાં જ તેણે દુકાન ખોલી તો સામેનું દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા. દુકાનમાં સાપોનો મેળો જામી ગયો હતો. કૈસરે તરત પોલીસને જાણ કરી. પોલીસે આવીને આખા વિસ્તારમાં લોકોને ઘરોમાં પૂર્યા ને પછી જ્યાંથી મળ્યા ત્યાંથી પકડી પકડીને મદારીઓને લાવીને સાપ પકડવાનું અભિયાન પાંચ કલાકના અંતે માંડ માંડ પાર પાડયું. 

કિશનગંજ દાજલિંગ પાસે હોવાથી ચોમાસામાં સાપ નિકળે એ સ્વાભાવિક છે પણ એક સાથે ૩૦ કોબ્રા ક્યાંથી આવી ગયા ને મીઠાઈની દુકાનમાં કેમ ઘૂસી ગયા એ મદારીઓને પણ નથી સમજાતું. 

બજારની વાત                          . 3 - image

મૂછેં હો તો રમેશચંદ કુશવાહા જૈસી.........

'શરાબી' ફિલ્મનો અમિતાભ બચ્ચનનો ડાયલોગ બહુ જાણીતો થયેલો કે, 'મૂછેં હોં તો નથ્થુલાલ જૈસી ! આગ્રાના રમેશચંદ કુશવાહાને જુએ તો નથ્થુલાલ પણ પોતાની મૂછોને ભૂલી જાય. ૮૦ વર્ષના કુશવાહા છેલ્લાં ૩૫ વર્ષથી મૂછો વધારે છે અને તેમની મૂછોની લંબાઈ અત્યારે ૩૫ ફૂટ છે. ૩૫ વર્ષ પહેલાં તેમનાં પત્નીનું નિધન થયું પછી તેની યાદમાં તેમણે મૂછો વધારવાનો નિર્ણય લીધો પછી આ નિર્ણયને વળગી રહ્યા છે. 

કુશવાહાને એક દીકરી જ છે ને તેણે ઘણી વાર પિતાને મૂછો કપાવી નાંખવા કહ્યું પણ કુશવાહા માનતા જ નથી. દીકરી અને તેનાં સંતાનો પોતે ઉંઘમાં હોય ત્યારે મૂછો કાપી નાંખશે એવા ડરના કારણે કુશવાહા ઘણાં વરસોથી તેમને મળવા પણ નથી જતા. દૂધની ડેરીમાં કામ કરીને દિવસના માત્ર ૧૦૦ રૂપિયા કમાતા કુશવાહા અડધી રકમ તો મૂછોના જતનમાં વાપરી નાંખે છે. 

બજારની વાત                          . 4 - image

પાકિસ્તાનમાં માત્ર 117 રૂપિયામાં હોટલનો રૂમ

ઈન્સ્ટાગ્રામ પર ટ્રાવેલટોમટોમ હેન્ડલ ધરાવતા નેધરલેન્ડ્સના ટોમે પાકિસ્તાનનો પોતાનો અનુભવ વર્ણવ્યો છે. ટોમનો અનુભવ સાંભળ્યા પછી પાકિસ્તાનમાં આર્થિક રીતે કેવી કંગાલિયત આવી ગઈ છે તેનો અહેસાસ થાય. ટોમ દુનિયાભરમાં ફર્યા કરે છે અને વીડિયો બનાવ્યા કરે છે. તેના ભાગરૂપે પેશાવર ગયો હતો. 

પેશાવરમાં તેને દિવસના માત્ર ૧૧૭ રૂપિયામાં હોટલનો રૂમ મળતો હતો એટલે તેણે તરત બુક કરાવી લીધો. ટોમને રૂમના નામે છેતરપિંડી થશે એવું લાગતું હતું પણ રૂમમાં ગયા પછી તેને આનંદ સાથે આંચકો લાગ્યો. રૂમમાં બે બેડ અને ટીવી હતાં. ટોમ ૨૦૧૨થી ફરે છે અને ૧૫૯ દેશોમાં જઈ ચૂક્યો છે પણ આટલો સસ્તો ને સારો રૂમ તેને ક્યાંય નહોતો મળ્યો. 

હોટલના માલિકે ટોમ પાસે રૂમ કેમ સસ્તો છે તેનું રહસ્ય પણ ખોલ્યું. માલિકના મતે, પાકિસ્તાનમાં લોકો પાસે પૈસા જ નથી કે હોટલમાં આવીને રહે એટલે હોટલ ચાલુ રાખવા સાવ ઓછા રેટ કરી નાંખ્યા છે. 

બજારની વાત                          . 5 - image

3 ફૂટના ગેબ્રિયલને મળી 7 ફૂટની હોટ પ્રેમિકા

કોઈ ૩ ફૂટના પુરૂષને ૭ ફૂટ ઉંચી એકદમ રૂપકડી યંગ ગર્લફ્રેન્ડ મળે તો તેના નસીબની સૌને ઇર્ષા આવે કે ના આવે ? ચોક્કસ આવે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા અને સોશિયલ મીડિયા પર કિંગ તરીકે જાણીતા ગેબ્રિયલ પિમેન્ટલની પ્રેમિકા મેરી ટેમારાને જોઈને સૌને અત્યારે ગેબ્રિયલની ઈર્ષા જ થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર લગભગ ૨૦ લાખ ફોલોઅર્સ ધરાવતી મેરી ગેબ્રિયલની ક્વીન બની ગઈ છે. કિંગ મારી સાથે અત્યારે ભરપૂર રોમાંસ કરી રહ્યો છે અને તેના વીડિયો ઈન્સ્ટા પર મૂકી રહ્યો છે. દરેક વીડિયોને લાખો વ્યૂ મળી રહ્યા છે. 

ઘણાં લોકો બંનેના સંબંધો વિશે શંકા પણ કરે છે. મારી અને ગેબ્રિયલ સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનું નાટક કરી રહ્યાં હોવાની કોમેન્ટ્સ પણ થઈ રહી છે પણ કિંગ તેનાથી વિચલિત થયા વિના ક્વીન મેરી સાથે મસ્તીમાં વ્યસ્ત છે. 

વિશ્વનું સૌથી સુંદર ગામ હવે દુર્ગંધનો અડ્ડો

એક સમયે યુકે જ નહીં પણ દુનિયાનું સૌથી સુંદર ગામ મનાતું બર્કિંગહામશાયરનું ચેલ્ફોંટ સેંટ જાઈલ્સ અત્યારે દુનિયાનું સૌથી દુર્ગંધ મારતું ગામ બની ગયું છે. અહીં એટલી ગંધ મારે છે કે, ગામમાં રહેતાં ૪૭૦૦ લોકો માટે રહેવું લગભગ અશક્ય બનતું જાય છે. એક સમયે આ ગામને જોવા વિદેશી પ્રવાસીઓ ઉમટતા પણ ગંધના કારણે હવે કોઈ ફરકતું પણ નથી. પહેલાં મિસબોર્ન નદીના કિનારે લોકોનો મેળો જામતો પણ અત્યારે નદી કિનારાનો રસ્તો, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, તળાવ વગેરે બધું બંધ કરી દેવું પડયું છે. તળાવમાં પહેલાં સફેદ બતક તરતાં તેના કારણે મનોરમ્ય દ્રશ્ય સર્જાતુંં પણ ગંધના કારણે બતક પણ મરી ગયાં. 

આ દુર્ગંધનું કારણ યુકેની સૌથી મોટી વેસ્ટવોટર કંપની ટેમ્સ વોટર છે. ટેમ્સ વોટરે સુએજનો કચરો મિસબોર્ન નદીમાં નાંખ્યો ને એ જ વરસે પૂર આવ્યું તેમાં કચરો કિનારે આવી ગયો ને ત્યાં જ જામી ગયો.



Google NewsGoogle News