બજારની વાત .
રતન તાતા બોલ્યા જ નહોતા એ ક્વોટ તેમના નામે ચડાવી દેવાયું
રતન તાતાના નામે એક ક્વોટ બહુ ચાલે છે. એવો દાવો કરાય છે કે, રતન તાતાએ કહેલું કે, હું યોગ્ય નિર્ણયો લેતો નથી પણ લીધેલા નિર્ણયોને યોગ્ય સાબિત કરું છું. થોડા દિવસો પહેલાં રતન તાતા ગુજરી ગયા ત્યારે લગભગ તમામ મીડિયાએ તાતાનાં યાદગાર ક્વોટમાં તેનો ઉલ્લેખ કરેલો જ.
હવે રતન તાતાનો પોતાનો વીડિયો વાયરલ થયો છે કે જેમાં તાતા પોતે કહે છે કે, પોતે કદી આવું કહ્યું જ નથી પણ ફેસબુક કે ટ્વિટરે મારા નામે ક્વોટ બનાવીને ચલાવી દીધું છે. સોશિયલ મીડિયા સામે તો કશું કરી શકાતું નથી એટલે તમારે તેને સહન કર્યા કરવું પડે છે. તેના કારણે કેટલાક લોકો તમને અહંકારી માને છે તો કેટલાક લોકો બહુ મોટી વાત કરી હોય એ રીતે વખાણે છે પણ તમે સ્પષ્ટતા પણ નથી કરી શકતા ને નકારી પણ નથી શકતા.
ચીનમાં હવે પેટ કાફેનો મૂવી ક્રેઝ, પાલતુ જાનવરોની ડીમાન્ડ
ભેજાબાજ ચીના કમાણીના એવા રસ્તા શોધી કાઢે છે કે, આપણું મગજ જ કામ ના કરે. આવો જ એક રસ્તો પેટ કાફેનો છે. પેટ કાફેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના પાલતુ જાનવરને નોકરીએ મૂકી શકે છે. બદલામાં કાફેનો માલિક જાનવરને ખાવાનું આપે છે અને મોટા ભાગના કિસ્સામાં માલિકને નાની રકમ પણ આપે છે.
પેટ કાફેમાં જઈને કોઈ પણ વ્યક્તિ બિલાડી કે કૂતરા જેવાં પ્રાણી કે પછી પોપટ સહિતનાં પક્ષીઓને રમાડવાનો શોખ પૂરો કરી શકે છે. જે લોકોને પ્રાણીઓ ગમતાં હોય પણ પોતે બિલાડી, કૂતરાં કે બીજાં પ્રાણીને પાળી ના શકતાં હોય એ લોકો પેટ કાફેમાં આવીને તેમને રમાડીને પોતાની ઈચ્છા પૂરી કરી શકે છે. ચીનમાં ઘણી રેસ્ટોરન્ટ પણ ડાઈનિંગ ફેસિલિટીની સાથે પેટ કાફે રાખે છે કે જેથી ડબલ કમાણી થાય. ગ્રાહકદીઠ ૩૦ યુઆનથી ૬૦ યુઆન એટલે કે ૩૫૦ રૂપિયાથી ૭૦૦ રૂપિયા ચાર્જ વૂસલાય છે.
અમેરિકાની કાલ્પનિક રેસ્ટોરન્ટ પર આખી દુનિયા ફિદા
અમેરિકાના ટેક્સાસમાં આવેલી ઈથોસ નામની રેસ્ટોરન્ટના સોશિયલ મીડિયા પર ફોટો જોઈને લોકો દંગ થઈ જાય છે. દુનિયામાં ક્યાંય ના મળે એવી ડિશ અને ઈન્ટીરિયર જોઈને લોકો આફરીન થઈ જાય છે. ઓસ્ટિનની ટોપ રેસ્ટોરન્ટ હોવાનો દાવો કરતી ઈથોસમાં જેફ બેઝોસ અને એલન મસ્ક જેવા દુનિયાના અબજોપતિઓ બાર ટેન્ડર તરીકે કામ કરી ચૂક્યા હોવાનો દાવો કરાય છે.
મજાની વાત એ છે કે, આ રેસ્ટોરન્ટ અસ્તિત્વ જ નથી ધરાવતી. ઈન્સ્ટાગ્રામ પર ઈથોસ રેસ્ટોરન્ટના ઈન્ટીરિયર અને ડિશના ફોટો મૂકાય છે એ બધા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવાયેલા છે. ઈથોસ દ્વારા બનાવટી શેફ અને મેનેજરો, એવોર્ડ વગેરેની એવી દુનિયા ઉભી કરાઈ છે કે લોકો તેને સાચી જ માને છે. ઈથોસ પોતે આ પ્રકારની રેસ્ટોરન્ટ અસ્તિત્વ નથી ધરાવતી એવું કહે છે છતાં ઘણાં લોકો આ વાત માનવા તૈયાર નથી.
ઈસ્લામાબાદમાં મહિલાઓ કેમ નથી દેખાતી ?
સોશિયલ મીડિયા પર પ્રિન્સસેપોલીનેસિયા તરીકે જાણીતી ટ્રાવેલ ઈન્ફ્લુઅન્સરે હમણાં પાકિસ્તાનની યાત્રાની તસવીરો મૂકી છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના એરપોર્ટ, માર્કેટ એરીયા, જાણીતાં ટુરિસ્ટ સ્થળો વગેરેના ફોટા મૂકીને સવાલ કર્યા છે કે, મારી બહેનો કેમ દેખાતી નથી ? મતલબ કે, પાકિસ્તાનમાં જાહેર સ્થળે મહિલાઓ કેમ દેખાતી જ નથી.
ઇન્ફ્લુઅન્સરે લખ્યું છે કે, ઈસ્લામાબાદમાં અમે ગમે ત્યાં જઈએ, ૫૦ પુરૂષો સામે એક મહિલા દેખાય છે. તેમણે પોતાની વાતના સમર્થનમાં કેટલાક વીડિયો પણ મૂક્યા છે કે જેમાં એકલ દોકલ મહિલાઓ જ દેખાય છે. આ રીલને ૧.૧૦ કરોડ લોકોએ જોઈ છે અને ૧.૭૩ લાખ લોકોએ લાઈક કરી છે.
આ પોસ્ટ ભારત અને પાકિસ્તાન વચ્ચે શું તફાવત છે તેનો પુરાવો છે. ભારતમાં તમામ મહિલાએ મુક્ત રીતે હરીફરી શકે છે ત્યારે પાકિસ્તાનમાં સ્થિતી સાવ ઉલટી છે.
અંજુને વધારે લાયકાતના કારણે નોકરી ના મળી
દિલ્હીમાં ગુગલમાં કામ કરતી અંજુ શર્મા નામની સોફ્ટવેર એન્જીનિયરે હમણાં એક સ્ટાર્ટ અપની જાહેરખબર જોઈને અરજી કરેલી. પોતાના ક્વોલિફિકેશનના કારણે અંજુ શર્માને પોતે પસંદ થશે એવો પાકો વિશ્વાસ હતો પણ તેના આઘાત વચ્ચે કંપનીએ તેની અરજી નકારી કાઢી.
અંજુ શર્માને વધારે આઘાત કંપનીએ જે કારણ આપ્યું તે સાંભળીને લાગી ગયો. કંપનીએ લખેલું કે, તમારી પાસે કામ માટે જરૂરી છે તેનાથી વધારે લાયકાત છે પણ સામાન્ય રીતે વધારે લાયકાતવાળા લાંબો સમય ટકતા નથી. બીજી નોકરી મળે કે તરત છોડીને જતા રહે છે તેથી તમને નોકરીએ નહીં રાખી શકાય.
ઓછી લાયકાતના કારણે નોકરી ન મળે એવું બહુ બને છે પણ વધારે લાયકાત પણ નોકરી નહીં મળવાનું કારણ બની શકે છે એવો કદાચ ભારતમાં આ પહેલો કિસ્સો હશે.
આવતા મહિને એલિયન્સના પુરાવા જાહેર થશે ?
પૃથ્વી સિવાયના બીજા ગ્રહો પર રહેનારા પરગ્રહવાસીઓ એટલે કે એલિયન્સ ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં એ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલે છે ત્યારે નાસાના ફિલ્મ નિર્માતા સાયમન હોલેન્ડે દાવો કર્યો છે કે, ટેલીસ્કોપની મદદથી બીજા ગ્રહો પર માણસો જેવા જ બુધ્ધિશાળી જીવો રહેતા હોવાના પુરાવા મળ્યા છે. આ પુરાવા નાસા દ્વારા આવતા મહિને જાહેર કરાશે તેથી લોકોને એલિયન્સની વાતો ખાલી વાર્તા જ નથી તેની ખબર પડી જશે.
હોલેન્ડ જાણીતા સાયન્ટિફિક પ્રોડયુસર છે. બીબીસી અને નાસા સહિતની ટોચની સંસ્થાઓ માટે ફિલ્મ બનાવી ચૂકેલા હોલેન્ડે દાવો કર્યો છે કે, ઓક્સફર્ડની મદદથી હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં આ પુરાવા મળ્યા છે. પૃથ્વીથી લગભગ ૪.૫ પ્રકાશ વર્ષ દૂર આવેલા પ્રોક્સિમા સેન્ટોરી નામના તારા પરથી સળંગ પાંચ કલાક ચાલેલા રેડિયો વેવ્ઝ મળ્યા છે. તેના પરથી આ ગ્રહ પર એલિયન્સ રહેતા હોવાની શક્યતા છે.