બજારની વાત .
વિજ્ઞાનીઓએ માનવજીવનની શક્યતાવાળો નવો ગ્રહ શોધ્યો
પૃથ્વી સિવાયના બીજા ગ્રહ પર માનવજીવનની શક્યતા ચકાસી રહેલા વિજ્ઞાાનીઓને બહુ મોટી સફળતા મળી છે. જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ પર દેખાયેલો ણ૨-૧૮મ નામનો આ ગ્રહ પૃથ્વીથી લગભગ ૧૨૪ પ્રકાશ વર્ષ દૂર છે. આ અંતર બહુ વધારે કહેવાય છતાં વિજ્ઞાાનીઓને તેમાં રસ છે કેમ કે ણ૨-૧૮મ હાઈસીન વર્લ્ડ એટલે કે સંપૂર્ણપણે પાણીથી ઢંકાયેલો હોવાની શક્યતા છે.
આ ગ્રહની હવામાં હાઈડ્રોજન પૂરતા પ્રમાણમાં હોવાની પણ શક્યતા છે. આ ગ્રહ પર મીથેન અને કાર્બન ડાયોક્સાઈડ હોવાના પુરાવા પહેલાં મળી ચૂક્યા છે. હવે પાણીની શક્યતાના કારણે આ ગ્રહ પર આપણે ત્યાં સમુદ્રમાં રહેતા હોય નાના નાના જીવો હોવાની શક્યતા પણ વિજ્ઞાાનીઓ વ્યક્ત કરી રહ્યા છે. પૃથ્વીથી અનેક ગણા મોટા આ ગ્રહ પર ભવિષ્યમાં માનવજીવન શક્ય હોવાનું વિજ્ઞાાનીઓ માને છે એ જોતાં બહુ જલદી બીજા ગ્રહ પર માનવજીવનની કલ્પના સાકાર થશે એવું લાગે છે.
આ મશરૂમ છે દુનિયાનો સૌથી કડવો પદાર્થ....
દુનિયામાં સૌથી કડવો પદાર્થ ક્યો ? આ સવાલનો જવાબ શોધી રહેલા સંશોધકોએ એવું મશરૂમ શોધી કાઢયું છે કે જેનાથી વધારે કડવું અત્યારે દુનિયામાં કશું નથી. જર્મનીની ટેક્નિકલ યુનિવર્સિટી ઓફ મ્યુનિકના લેબ્નિટ્સ ઈન્સ્ટિટયુટ ફોર ફૂડ સિસ્ટમ બાયોલોજીના સંશોધકોના મતે, અમારોપોસટિયા સ્પિટટિકા નામનું મશરૂમ દુનિયામાં સૌથી કડવો પદાર્થ છે.
આ સંશોધકોએ દુનિયામાં મળતા ૨૫૦૦ જેટલા કડવા પણ બિનઝેરી પદાર્થોની ચકાસણી કર્યા પછી આ તારણ કાઢયું છે. સંશોધકોના મતે, આ પૈકી ૮૦૦ પદાર્થોને જ માણસની જીભ ઓળખી શકે છે.
કારેલા કરતાં અનેક ગણું વધારે કડવું આ મશરૂમની સુગંધથી જ સામાન્ય માણસને તો ઉબકા આવવા માંડે એટલી કડવાશ આ જંગલી મશરૂમમાં છે. બિટક મશરૂમ તરીકે ઓળખાતું આ મશરૂમ ભારતમાં હિમાલયમાં મળી આવે. સૂકાઈ રહેલાં વૃક્ષ અને તેમની ડાળીઓ પર થતું આ મશરૂમ મીણ જેવું થોડુંક ચિકણું અને પીળા રંગનું હોય છે.
સરકારી પેન્શન માટે યુવતી 16 વર્ષ મૂંગી થઈ ગઈ
ભારતમાં લોકો સરકારી યોજનાઓના લાભ લેવા માટે જાત જાતનાં નાટકો કરે છે. હમણાં સ્પેનમાં એવો જ કિસ્સો બહાર આવ્યો છે કે જેમાં એક યુવતી કામ કર્યા વિના સરકાર પાસેથી પેન્શન લેવા માટે મૂંગી હોવાનું નાટક કરતી હતી. સ્પેનના એંડોલુસિયામાં સુપરમાર્કેટમાં કામ કરતી યુવતી પર એક ગ્રાહકે હુમલો કરતાં બેભાન થઈ ગઈ હતી. ભાનમાં આવી ત્યારે આઘાતના કારણે બોલી ના શકી તેથી ડોક્ટરોએ નિદાન કર્યું કે, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો શિકાર થવાથી તેનો અવાજ જતો રહ્યો છે. સરકાર તરફથી યુવતીને ડિસએબિલિટી પેન્શન મળવા માંડયું અને વર્કપ્લેસ પર હુમલો થયો હોવાથી વિમા કંપની પાસેથી પણ તગડી રકમ મળી.
યુવતી થોડા દિવસો પછી બોલવા લાગેલી પણ કામ કર્યા વિના પેન્શન મળતું હતું એટલે મૂંગી બનીને રહી ગઈ. આ રીતે ૧૬ વર્ષ કાઢી નાખ્યાં. દરમિયાનમાં કોઈએ વિમા કંપનીને યુવતીની અસલિયત વિશે ફરિયાદ કરી દેતાં કંપનીએ તેની પાછળ લેડી જાસૂસ મૂકી દીધી. લેડી જાસૂસે યુવતીનો ઓડિયો લાવીને કંપનીને આપ્યો એટલે ભાંડો ફૂટી ગયો. હવે પેન્શન તો બંધ થઈ જ ગયું છે. ઉલટાની રીકવરી નિકળી છે.
46 કિમી કાપવા 5 કલાક છતાં પ્રવાસીઓની પડાપડી
કોઈ ટ્રેન માત્ર ૪૬ કિલોમીટર કાપવા માટે ૫ કલાકનો સમય લે તો એવી ટ્રેનમાં કોઈ બેસે ખરું ? નીલગિરી માઉન્ટેન ટ્રેન આવી જ ટ્રેન છે. તમિલનાડુના મેટ્ટુપાલયમ રેલ્વે સ્ટેશનથી ઉટીના ઉદમંડલ સ્ટેશન વચ્ચે દોડતી મેટ્ટુપાલયમ ઉટી નિલગીરી પેસેન્જર ટ્રેનને ક્યારેક તો ૭ કલાક પણ થઈ જાય છે છતાં તેમાં બેસવા માટે લોકો પડાપડી કરે છે કેમ કે આ ટ્રેનમાં બેસીને કુદરતનો જે નજારો જોવા મળે છે એ બીજે ક્યાંય નથી જોવા મળતો.
કેલર, કુન્નુર, વેલિંગ્ટન, લવડેલ અને ઉટાકમુંડ એમ પાંચ સ્ટેશને ઉભી રહેતી આ ટ્રેનના રસ્તામાં નાના-મોટા ૨૫૦ જેટલા પુલ આવે છે અને ૧૬ ટનલ આવે છે. એકદમ ઠંડી હવાને માણતાં માણતાં આ સફરની મજા જ કંઈક અલગ છે તેથી ભારતની સૌથી ધીમી ટ્રેન હોવા છતાં આ ટ્રેનની સફર માણવા માટે સૌ તૈયાર હોય છે.
શ્રદ્ધા જીવલેણ બની, અંગારાની વેદીમાં પડતાં મોત
શ્રદ્ધા ક્યારેક જીવલેણ સાબિત થાય છે ને તમિલનાડુમાં કેશવન નામના ૫૬ વર્ષના શ્રદ્ધાળુના કેસમાં એવું જ થયું. રામનાથપુરમ જિલ્લામાં આવેલા કુયાવનકુડીના પ્રાચીન સુબ્બૈયા મંદિરમાં ચાલી રહેલા અગ્નિ-અનુષ્ઠાન દરમિયાન અંગારાની વેદીમાં પડતાં કેશવન ગુજરી ગયા.
સુબ્બૈયા મંદિરમાં દર વરસે થીમિધી થિરૂવિઝા નામે અગ્નિ-અનુષ્ઠાન થાય છે કે જેમાં ભાગ લેવા માટે હજારો શ્રદ્ધાળુ આવે છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે, સળગતા અંગારાથી ભરેલા ખાડા પર ઉઘાડા પગે ચાલવાથી ધાર્યું કામ પાર પડે છે. કેશવન પણ આ શ્રદ્ધા સાથે જ આવેલા. એ હાથ જોડીને પ્રાર્થના કરતાં કરતાં દોડી રહ્યા હતા ત્યારે અચાનક પડી ગયા. મોંભેર પછડાયેલા કેશવનને થોડીક સેકન્ડોમાં તો ખાડામાંથી બહાર કાઢી લેવાયેલા પણ તેમનું શરીર ખરાબ રીતે સળગી ગયેલું. કેશવનને હોસ્પિટલમાં લઈ જવાયા પણ ના બચાવી શકાયા. તમિલનાડુમાં છ મહિના પહેલાં અગ્નિ મરીયમ્મન મંદિરમાં પણ આવી જ ઘટના બની હતી.
દાદીએ સંઘરેલા ઘડાના 56 લાખ ઉપજ્યા
ગુજરાતીમાં કહેવત છે કે, સંઘર્યો સાપ પણ કામ આવે. લંડનમાં એક વૃદ્ધાએ વરસો પહેલાં સાચવી રાખેલો ઘડો લાખોમાં વેચાતાં તેમના પરિવાર માટે આ કહેવત સાવ સાચી સાબિત થઈ છે.
વૃદ્ધા પહેલાં એ પાણી પીવા સહિતનાં કામોમાં લેવાતો પણ નુકસાન થતાં તેનો ઉપયોગ બગીચામાં ફ્લાવર પોટ તરીકે કરતાં હતાં. થોડા સમય પહેલાં તેમનું નિધન થયું પછી તેમનાં પૌત્ર-પૌત્રી બધી ચીજો તપાસતાં હતાં તેમાં આ ઘડો પણ મળ્યો. તેમને આ ઘડો આર્ટ પીસ લાગતાં ચિઝવિક ઓક્શન્સનો સંપર્ક કર્યો. તેમણે ઘડો તપાસીને કહ્યું કે, આ ખરેખર આર્ટ પીસ છે અને બીજા વિશ્વયુદ્ધ વખતે ૧૯૩૯માં જર્મનીથી યુકે ભાગી આવેલા જાણીતા કલાકાર હાન્સ કોપરે આ ઘડો બનાવ્યો હતો. હમણાં તેની હરાજી થઈ તેમાં આ ઘડો ૬૬ હજાર ડોલર એટલે કે લગભગ ૫૬ લાખ રૂપિયામાં વેચાયો.