Get The App

બજારની વાત .

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


બહેરીનમાં કેરળના મનુને 70.56 કરોડની લોટરી લાગી

ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ એવું કહેવાય છે. અખાતી દેશ બહેરીનના મેડિકલ સેક્ટરમાં કામ કરતા કેરળના મનુ મોહનનના કેસમાં આ વાત સાચી પડી છે કેમ કે મનુ મોહનનને બહેરીનમાં ૭૦.૫૬ કરોડ રૂપિયાની લોટરી લાગી છે. મનુએ ૨૬ ડીસેમ્બર, ૨૦૨૪ના રોજ યુએઈની અત્યંત જાણીતી બિગ ટિકટ રેફલની બે ટિકિટ ખરીદી હતી. બે ટિકિટોની ખરીદી પર એક ટિકિટ ફ્રી હતી તેથી મનુને એક ટિકિટ ફ્રી મળી હતી. ગયા મહિને કેરળના જ અરવિંદ અપ્પુકુટ્ટમને રેફલ ડ્રોમાં ૫૯ કરોડ રૂપિયાની લોટરી લાગી હતી. 

લોટરીનો ડ્રો લાઈવ ટીવી શોમાં કઢાયો હતો. ડ્રો દરમિયાન મનુ સ્થળ પર હાજર હતો. હોસ્ટે મનુને ૩ કરોડ દિરહામનું ઈનામ લાગ્યું હોવાની જાહેરાત કરી ત્યારે મનુ આ વાત માની જ શક્યો નહોતો. મનુએ હોસ્ટને એ ખરેખર સાચું છે ને એવું ત્રણ વાર પૂછયું હતું. હોસ્ટે દરેક વાર હા જવાબ આપ્યો પછી મનુને પોતે કરોડપતિ બની ગયો હોવાની વાત પર ભરોસો બેઠો હતો.

બજારની વાત                          . 2 - image

તમિલનાડુના કલિમાયનમાં જૂતાં-ચપ્પલ પહેરવાની મનાઈ

તમિલનાડુમાં એક ગામ એવું છે કે જ્યાં લોકો ગામની અંદર જૂતાં-ચપ્પલ જ પહેરતાં નથી. મદુરાઈથી ૨૦ કિલોમીટર દૂર આવેલા કલિમાયન ગામમાં નાનાં બાળકો પણ જૂતાં-ચપ્પલ નથી પહેરતાં અને કોઈ ભૂલથી જૂતાં-ચપ્પલ પહેરીને પકડાય તો આકરો દંડ કરાય છે. કોઈએ બહારગામ જવું હોય તો ઘરેથી હાથમાં જૂતાં-ચપ્પલ લઇને નિકળે ને પછી ગામની બહાર જઈને પહેરી લે છે. ભૂલથી પાછા ફરતી વખતે જૂતાં-ચપ્પલ કાઢવાનું ભૂલી જવાય તો આકરા દંડ માટે તૈયાર રહેવું પડે છે. 

જૂતાં-ચપ્પલ નહીં પહેરવા પાછળનું કારણ અપાચ્છી દેવતા છે. કલિમાયન ગામમાં સદીઓથી અપાચ્છી દેવતાની પૂજા થાય છે અને લોકો માને છે કે, અપાચ્છી દેવતા ગામની રક્ષા કરે છે. અપાચ્છી દેવતા તરફ આદર બતાવવા પહેલાં તેમના મંદિરમાં જૂતાં-ચપ્પલ નહીં પહેરવાની પ્રથા હતી જે ધીરે ધીરે  આખા ગામમાં જૂતાં-ચપ્પલ નહીં પહેરવામાં ફેરવાઈ ગઈ.

કુવૈતમાં મળેલી કલાકૃતિ એલિયન્સ લઈને આવેલા ? 

કુવૈતમાં આર્કિયોલોજિસ્ટ્સ દ્વારા કરાયેલા ખોદકામમાં પૃથ્વી પર ક્યાંય ના મળે એવી માટીની બનેલી એક પ્રતિમા મળી છે. આ માટી બીજા ગ્રહની હોવાની શક્યતા આર્કિયોલોજિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. પૃથ્વી પર વરસો પહેલાં એલિયન્સ આવ્યા હશે અને લાંબો સમય અહીં રહ્યા હશે ત્યારે પોતાની સાથે આ કલાકૃતિ લઈ આવ્યા હશે એવી વાતો વહેતી થઈ છે. આર્કિયોલોજિસ્ટ્સના મતે આ મૂર્તિ લગભગ ૮૦૦૦ વર્ષ જૂની છે તેથી પહેલા પૃથ્વીનું બંધારણ અલગ હોય એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.

વોરસો યુનિવર્સિટીના આર્કિયોલોજિસ્ટ્સ કુવૈતના નિષ્ણાતો સાથે મળીને સુબિયા પ્રાંતમાં બહરા-૧ નામની આર્કિયોલોજિકલ સાઈટ પર ખોદકામ કરી રહ્યા હતા ત્યારે આ કલાકૃતિ મળી આવી હતી. આર્કિયોલોજિસ્ટ્સનો એક વર્ગ તેને પ્રાચીન મેસોપોટેમિયા સભ્યતાના ઉબૈદ કાળની માને છે. ઉબૈદ કાળ કાંસ્ય કાળથી પહેલાંનો સમય મનાય છે.

બજારની વાત                          . 3 - image

સ્લોવેનિયાના સોકર સ્ટારે પીઠ પર મહાકાલ ચિતરાવ્યા

ભારતમાં તો ઉજ્જૈનના મહાકાલના ભક્તોની સંખ્યા કરોડોમાં હશે પણ સ્લોવેનિયાનો ફૂટબોલ સ્ટાર લ્યુકા મેજસેન પણ મહાકાલનો એવો ભક્ત બની ગયો છે કે પોતાની આખી પીઠ પર મહાકાલનું ટેટુ બનાવી દીધું છે. મેજસેને મહામૃત્યુંજય મંત્ર પણ પીઠ પર લખાવ્યો છે. મેજસેન ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ)માં આરજી પંજાબ ફૂટબોલ ક્લબ તરફથી રમે છે. 

સ્લોવેનિયા વતી અંડર-૧૮ અને અંડર-૨૧ સ્પર્ધાઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂકેલો મેજસેન અત્યારે ૩૫ વર્ષનો છે. મેજસેનનો દાવો છે કે, શાંતારામ નોવેલ વાંચી ત્યારે તેણે પહેલી વાર ભગવાન શિવ વિશે જાણ્યું હતું. તેને મહાદેવમાં રસ પડી જતાં ભારતમાં એક મિત્રને ઘરે ગયો અને ભગવાન શિવ વિશે બીજી માહિતી મેળવીને ધ્યાન તરફ વળ્યો. મેજસેનનો દાવો છે કે, ધ્યાનના કારણે તેની એકાગ્રતા વધી છે અને ગુસ્સા પર પણ કાબૂ આવી ગયો છે તેથી હવે એ મહાકાલનો કાયમી ભક્ત બની ગયો છે.

બજારની વાત                          . 4 - image

અમેરિકાની પહેલી ઓલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ 4.70 કરોડમાં વેચાયો

અમેરિકામાં પહેલી વાર ઓલિમ્પિક ગેમ્સ ૧૯૦૪માં સેન્ટ લુઈસમાં યોજાઈ હતી. આ ઓલિમ્પિક્સમાં ૧૧૦ મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા અમેરિકાના ફ્રેડ સ્કુલેના પરિવારે ગોલ્ડ મેડલ વેચવા મૂકેલો. બોસ્ટનમાં થયેલી હરાજીમાં આ ગોલ્ડ મેડલના ૫૪૫,૩૭૧ અમેરિકન ડોલર ઉપજ્યા. ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ ૪.૭૦ કરોડ થાય. 

ઓરિજિનલ રીબન અને લેધર કેસ સાથેના આ ગોલ્ડ મેડલની ધાર્યા કરતાં બહુ વધારે કિંમત ઉપજી છે. હરાજી કરનારી કંપનીનું કહેવું છે કે, સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ઓલિમ્પિક્સમાં જીતેલા ગોલ્ડ મેડલને વેચતી નથી તેથી આ મેડલમાં લોકોને રસ પડી ગયો. આ ઓલિમ્પિક ગેમ્સમાં પહેલી વાર ગોલ્ડ મેડલ અપાયેલા અને અત્યારની જેમ સોનાનો ઢોળ ચડાવેલા ચાંદીના નહીં પણ શુદ્ધ સોનાના મેડલ અપાયા હતા. સ્કુલે પરિવારે મેડલ વેચવા માટે કોઈ કારણ આપ્યું નથી પણ આર્થિક સંકડામણ એક કારણ હોઈ શકે છે.

બજારની વાત                          . 5 - image

'બિગ બોય' કરોળિયો કરડે તો માણસ મરી જઈ શકે

ભારતમાં કરોળિયા મોટા પ્રમાણમાં જોવા મળે છે પણ મોટા ભાગના બિન-ઝેરી હોય છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં એવો કરોળિયો મળી આવે છે કે જેના ઝેરથી માણસનું મોત પણ નિપજી શકે છે. 

સંશોધકોના મતે, એકદમ કાળા રંગનો આ કરોળિયો વિશ્વમાં સૌથી જીવલેણ કરોળિયો છે. ઓસ્ટ્રેલિયામાં સામાન્ય કરોળિયા ૫ સેમીથી વધારે લાંબા નથી હોતા ત્યારે 'બિગ બોય' નિકનેમ ધરાવતો આ કરોળિયો ૯ સેમી સુધીની લંબાઈ પર પહોંચી શકે છે. 

કેન ક્રિસ્ટેન્સનને ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં સીડનીથી ૧૭૦ કિલોમીટર દૂર ન્યુકેસલમાં સૌથી પહેલાં આ કરોળિયો મળી આવેલો. તેના માનમાં આ કરોળિયાને એટ્રેક્સ ક્રિસ્ટેનસેની નામ અપાયું છે. 

વિશ્વમાં સૌથી ઝેરી કરોળિયા ઓસ્ટ્રેલિયામાં મળી આવે છે. સીડની ફનલ-વેબ્સ પ્રજાતિના કરોળિયા એકદમ ફાસ્ટ અને ઝેરી મનાય છે તેથી ઓસ્ટ્રેલિયામાં તો કરોળિયાના ઝેરની અસર ના કરે એવી રસીઓ પણ મળે છે.


Google NewsGoogle News