બજારની વાત .
મમ્મા યુગાંડાએ 15 પ્રેગનન્સીમાં 44 બાળકોને જન્મ આપ્યો
યુગાંડાની ૪૪ વર્ષની મરીયમ નાબાંતાંઝી અનોખો રેકોર્ડ ધરાવે છે. નાબાંતાંઝીએ અત્યાર સુધીમાં ૪૪ બાળકોને જન્મ આપ્યો છે પણ ૧૫ વાર જ પ્રેગનન્ટ થઈ છે. મતલબ કે, દરેક પ્રેગનન્સી વખતે સરેરાશ ૩ બાળકોને જન્મ આપ્યો છે. મમ્મા યુગાંડા તરીકે જાણીતી મરીયમનાં ૬ બાળકો ગુજરી ગયાં જ્યારે ૩૮ બાળકો હજુ જીવે છે કે જેમાં ૨૦ છોકરા અને ૧૮ છોકરીઓ છે. મરીયમ ૧૩ વર્ષની ઉંમરે પહેલી વાર મા બની હતી તેથી તેનાં સૌથી મોટાં સંતાનની ઉંમર ૩૦ વર્ષની આસપાસ છે.
મરીયમે ૫ વાર ૪-૪ બાળકોને જ્યારે ૫ વખત ૩-૩ બાળકોને જન્મ આપ્યો છે. ચાર વાર ટ્વિન્સ જન્મ્યાં અને એક વાર માત્ર એક જ બાળક જન્મ્યું હતું. મરીયમને હાઈપર ઓવ્યુલેશન નામની તકલીફ છે. મતલબ કે, તેનું અંડાશય સામાન્ય સ્ત્રીઓ કરતાં બહુ મોટું છે તેથી વધારે ઈંડાં ફલિત થાય છે.
છ મહિને કોમામાંથી ઉઠયો તો ૨૨ કરોડ બિલ...
અમેરિકાના લાસ વેગાસમાં રહેતા જોન પેનિંગટને હમણાં પોતાના જીવનની આશ્ચર્ય પમાડી દે એવી ઘટના સોશિયલ મીડિયા પર વર્ણવી છે. જોન ૨૦૧૫માં ૩૦ વર્ષની ઉંમરે કાર એક્સિડંટનો ભોગ બનેલો. જોનને મગજ પર ઈજા થઈ હોવાથી કોમામાં જતો રહેલો. છ મહિના કોમામાં રહ્યા પછી અચાનક ભાનમાં આવ્યો ત્યારે તેને કશું યાદ નહોતું. જોન પોતાને હોસ્પિટલમાં જોઈને પણ આશ્ચર્યમાં પડી ગયો.
ડોક્ટરે આવીને તેને શું બન્યું હતું એ કહ્યું ને પછી બિલ પકડાવ્યું. બિલ જોઈને જોનના હોશ ઉડી ગયા કેમ કે બિલ લગભગ ૨૬ લાખ ડોલરનું હતું. અત્યારના ડોલરના રેટ પ્રમાણે લગભગ ૨૨ કરોડ રૂપિયા થાય. બિલ જોઈને જોનને પાછા કોમામાં જતા રહેવાની ઈચ્છા થઈ આવેલી. જોન પાસે નાણાં નહોતાં પણ તેના વકીલે સોશિયલ મીડિયા દ્વારા રકમ એકઠી કરીને બિલ ચૂકવીને જોનને કાયમ માટે શાંતિ કરી આપી.
સ્વીડનની દેશ છોડનારાંને રોકડની ઓફર
દુનિયાના સૌથી સુખી દેશોમાં એક મનાતા સ્વીડને પોતાના નાગરિકોને અનોખી ઓફર આપી છે. સ્વીડનનાં ઈમિગ્રેશન મિનિસ્ટર મારિયા માલ્મર સ્ટેનગાર્ડે જાહેરાત કરી છે કે, વિદેશમાં પેદા થયેલા સ્વીડિશ નાગરિકો સ્વીડન છોડવા માગતા હોય તો સરકાર તેમને જે દેશમાં જવું હોય ત્યા જવાનું ભાડું અને બીજી રોકડ સહાય પણ આપશે.
સ્વીડનમાં શરણાર્થીઓ માટે સ્વૈચ્છિક ઈમિગ્રેશન યોજના અમલી છે. આ યોજના હેઠળ સ્વીડન છોડીને જનારા શરણાર્થીઓ અને પ્રવાસીઓને સરકાર ૧૦ હજાર સ્વિડિશ ક્રોની એટલે કે લગભગ ૮૦ હજાર રૂપિયા તથા ભાડું મળે છે. હવે સ્વીડનના નાગરિકોને પણ તેનો લાભ મળશે.
સ્વીડનમાં બહારનાં લોકોના જમાવડાથી સરકાર પરેશાન છે. આ કારણે યુરોપના બીજા દેશોની સરખામણીમાં સ્વીડનની વસતી ઝડપથી વધી છે અને છેલ્લાં ૨૦ વર્ષમાં બમણી થઈ ગઈ છે કે જેમાંથી ૨૦ લાખ તો બહારથી આવીને વસેલાં લોકો જ છે.
હૈદરાબાદમાં લોઅર કેજીની ફી ૩.૭૦ લાખ
ભારતમાં શિક્ષણ અત્યંત મોંઘુ થતું જાય છે અને મધ્યમ વર્ગને પરવડે નહીં એવું બનતું જાય છે એવી કોમેન્ટ્સ થતી રહે છે. અમદાવાદ જેવા શહેરમાં જુનિયર કેજીની ફી ઘણી સ્કૂલોમાં ૧ લાખની આસપાસ છે પણ હૈદરાબાદની ફી સાંભળશો તો હોશ જ ઉડી જશે.
મૂળ બેંગલુરૂના પણ હૈદરાબાદમાં રોકાણ કરનારા અવિરલ ભટનાગરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે કે, લોઅર કેજીની ફી હૈદરાબાદમાં ૨.૩૦ લાખ રૂપિયાથી આ વરસે વધીને ૩.૭૦ લાખ રૂપિયા થઈ ગઈ છે. મતલબ કે, મહિને ૩૦ હજાર રૂપિયા થયા. નાનાં શહેરોમાં જે રકમમાં આખો પરિવાર નભી જાય એટલી રકમ હૈદરાબાદ જેવા શહેરમાં હજુ પાપા પગલી માંડતા બાળકના શિક્ષણ પાછળ ખર્ચવી પડે છે. દેશના બીજા કોઈ શહેરમાં આટલી તોતિંગ ફી નહીં હોય એ જોતાં હૈદરાબાદને દેશનું સૌથી મોંઘું શહેર ગણવું પડે.
ફાસ્ટેગમાં નાની રકમ કાપવાનું કરોડોનું કૌભાંડ ?
પંજાબના સુંદરદીપસિંહ નામના યુવકને થયેલો અનુભવ જોતાં ફાસ્ટેગ વાપરનારાંએ સતર્ક થઈ જવાની જરૂર છે. સુંદરદીપ ૧૪ ઓગસ્ટે બપોરે પોતાના ઘરે બેઠો હતો ત્યાં તેના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ૨૨૦ રૂપિયા કપાઈ જવાનો મેસેજ આવ્યો. સુંદરદીપને આશ્ચર્ય થયું કેમ કે જે લાડોવાલ ટોલ પ્લાઝા પર રકમ કપાઈ હતી એ રસ્તે તો એ પોતે મહિનાઓથી નહોતો ગયો. સુંદરદીપે તરત કસ્ટમર કેરનો સંપર્ક કરતાં તેની ફરિયાદ નોંધવામાં આવી પણ હજુ સુધી તેનાં કપાયેલાં નાણાં પાછાં મળ્યાં નથી.
સુંદરદીપ સાથે બનેલી ઘટના મોટા કૌભાંડનો સંકેત આપનારી છે. સુંદરદીપે ફરિયાદ કરી તેથી બધાંનું ધ્યાન ખેંચાયું પણ મોટા ભાગના લોકો પચાસ-સો રૂપિયા કપાઈ જતા હશે તો ફરિયાદ પણ નહીં કરતા હોય. તેનો લાભ લઈને નાની નાની રકમ કાપીને આખા દેશમાંથી જંગી રકમ સગેવગે કરાતી હોવાની આશંકા આ ઘટનાએ ઉભી કરી છે.
ચીનમાં દીકરાનું મા-બાપ સાથે ૩૭ વર્ષે મિલન
હિંદી ફિલ્મોમાં બને એવી ઘટનામાં ચીનમાં એક દંપતિને ૩૭ વર્ષ પછી પોતાનો ખોવાયેલો દીકરો પાછો મળી આવ્યો. આ બાળક જન્મ્યું ત્યારે તેનાં મા-બાપ અત્યંત ગરીબ હતાં તેથી છોકરાની દાદીએ દીકરો જન્મ્યાના એક જ દિવસ પછી ઝાઓ નામના ધનિકને દીકરો વેચી દીધેલો.
છોકરાનાં મા-બાપને આ વાત મંજૂર નહોતી તેથી છોકરાનો બાપ લી છોકરાને પાછો લેવા ગયો પણ ત્યાં સુધીમાં ઝાઓ જતો રહેલો. એ પછી છેલ્લાં ૩૭ વર્ષથી લી અને તેની પત્ની અલગ અલગ ઠેકાણે ફરીને દીકરાને શોધતાં પણ ભાગ્ય સાથ નહોતું આપતું. ફેબ્રુઆરીમાં દંપતિનાં બ્લડ સેમ્પલ ઝાઓઝુઆંગમાં રહેતા પેંગ અટક ધરાવતા યુવક સાથે મેચ થતાં તેમણે પોલીસને સંપર્ક કર્યો. પોલીસે યુવકને બોલાવીને ડીએનએ ટેસ્ટ કરાવતાં ત્રણેયના ડીએનએ મેચ થતાં લી દંપતિ ૩૭ વર્ષ પછી દીકરીને મળી શક્યું.