બજારની વાત .
ગંદા ઘર સાફ કરીને ઓરી કરોડપતિ બની ગઈ
સોશિયલ મીડિયા પર હમણાં ઓરી કનાનેન નામની કરોડપતિ યુવતીની સ્ટોરી વાયરલ થઈ છે. મજાની વાત એ છે કે, ઓરી કોરોના પછીના સમયમાં કરોડપતિ બની છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં જ ઓરીએ ધૂમ કમાણી કરી છે અને તેનું કારણ ઓરીએ પસંદ કરેલી અનોખી કારકિર્દી છે. ફિનલેન્ડની ઓરી દુનિયામાં સૌથી ગંદામાં ગંદાં મનાતાં ઘર સાફ કરે છે. વરસોથી બંધ પડેલાં કે પછી લોકોના વપરાશને કારણે જતાં જ ઉલટી થઈ જાય એવાં ઘરોમાં બીજું કોઈ જવા તૈયાર ના થાય એ ઘર ઓરી સાફ કરી આપે છે. પહેલાં ક્લીનિંગ સુપરવાઈઝર ઓરીએ કોરોના પછી જાતે કોન્ટ્રાક્ટ લેવા માંડયાં તેમાં તેની કિસ્મત ખૂલી ગઈ.
ઓરીને આ કામમાંથી તો કમાણી થાય જ છે પણ તેનાથી વધારે કમાણી સોશિયલ મીડિયા પરથી થાય છે. ઓરીના સોશિયલ મીડિયા પર ૧ કરોડ ફોલોઅર્સ છે કે જે ઓરીના કામના વીડિયો રસપૂર્વક જુએ છે.
માણસો ખતમ થશે, ઓક્ટોપસ પૃથ્વી પર રાજ કરશે
ઓક્સફર્ડ યુનિવર્સિટીના બાયોલોજિસ્ટ અને એનિમલ સાયન્ટિસ્ટ ટિમ કોલસને રસપ્રદ આગાહી કરી છે. કોલસનના કહેવા પ્રમાણે, પ્રલય આવશે ને પૃથ્વી પર માણસો પણ નહીં રહે પછી ઓક્ટોપસનું રાજ હશે. તેનું કારણ એ કે, સમુદ્રમા રહેતા ૮ પગવાળા ઓક્ટોપસ દુનિયામાં સૌથી બુધ્ધિશાળી પ્રાણી છે. જાણીને આશ્ચર્ય થશે પણ ઓક્ટોપસમાં પરસ્પર કોમ્યુનિકેશન સ્કીલ અને બુધ્ધિમત્તા માણસો કરતાં પણ વધારે હોય છે. પ્રતિકૂળ સ્થિતિમાં ટકી જવાની તેમની ક્ષમતા પણ વધારે છે.
કોલસનના મતે યુધ્ધો અને ક્લાઈમેટ ચેન્જનાં પરિવર્તનોના કારણે પૃથ્વી પરથી મોટા ભાગની જીવસૃષ્ટિનો વિનાશ નક્કી છે પણ જે કેટલાક જીવ બચી જશે તેમાં ઓક્ટોપસ એક હશે. માણસજાત જાતે જ પોતાના પગ પર કુહાડો મારીને પૃથ્વીને ખતમ કરી નાંખે પછી ઓક્ટોપસ પોતાની તાકાત પર નવી સભ્યતાનું નિર્માણ કરશે. સમુદ્રમાં પોતાની કોલોની બનાવીને ઓક્ટોપસ દુનિયા પર રાજ કરશે.
કારને અડકવા બદલ થપ્પડ ખાનારને એસયુવીની ગિફ્ટ
કેલિફોર્નિયાના ૧૦ વર્ષના આલ્ફ્રેડો મોરાલેસ નામનો ઓટિસ્ટિક (માનસિક દિવ્યાંગ) છોકરો પોતાની મર્સીડીઝ-બેન્ઝ સેડાન કારને અડક્યો તેમાં સ્કોટ સાકાયિઆને તેને થપ્પડ મારી દીધી હતી. જુલાઈમાં બનેલી આ ઘટનાએ લોકોમાં આક્રોશ પેદા કર્યો હતો. સ્કોટને બાળક સાથે ક્રૂરતા બદલ જેલમાં ધકેલી દેવાયો હતો.
હવે ૫ મહિના પછી આલ્ફ્રેડો મોરાલેસ ફરી ચર્ચામાં છે. મોરાલેસનો પરિવાર ગરીબ છે. તેમની પાસે રહેવા માટે ઘર નથી અને જૂની ૨૦૧૦ના મોડલની ફોર્ડ કારમાં પરિવાર રહે છે. તાજેતરમાં આલ્ફ્રેડોના પિતા લોસ એન્જલસમાં કાર રીપેર કરાવવા ગયા ત્યારે આલ્ફ્રેડો પણ સાથે હતો. ફોર્ડ ડીલરશીપે આલ્ફ્રેડોને ૩૬ હજાર ડોલરની નવીનક્કોર ફોર્ડ એક્સપ્લોરર કાર આપીને ખુશ કરી દીધો. વાસ્તવમાં જુલાઈની ઘટના પછી આલ્ફ્રેડોના પરિવારને મદદ કરવા ઓનલાઈન ઝુંબેશ શરૂ થઈ હતી. તેમાં ૯૮ હજાર ડોલરથી વધારે રકમ ભેગી થઈ છે તેથી પરિવારને ઘર પણ મળી જશે.
૧૬ સાઈકી લઘુગ્રહની જમીન પણ સોનાની
સૌરમંડળમાં એક લઘુગ્રહ એવો છે કે જેની ધરતી પર સોનું જ સોનું છે. બલ્કે તેની માટી જ સોનાની બનેલી છે. સાંભળીને આશ્ચર્ય થશે પણ આ હકીકત છે. ગોલ્ડ પ્લેનેટ તરીકે ઓળખાતા ૧૬ સાઈકી નામનો આ લઘુગ્રહ વાસ્તવમાં એક ઉલ્કાપિંડ છે પણ પૃથ્વી જે રીતે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે એ રીતે સાઈકી પણ સૂર્યની પરિક્રમા કરે છે તેથી તેને ગ્રહની કેટેગરીમાં મૂકાય છે.
આ લઘુગ્રહની શોધ ૧૭ માર્ચ ૧૮૫૨ના રોજ ઈટાલીના ખગોળશાસ્ત્રી એનીબેલ ડી. ગેસ્પારિસે કરી હતી પણ એ વખતે તેની ઘરતી સોનાની બનેલી છે તેની ખબર નહોતી. હવે સંશોધન કરતાં આ ગ્રહ અતિ કિંમતી હોવાની ખબર પડી છે. મંગળ અને ગુરૂની વચ્ચે સૂર્યની પરિક્રમા કરતા આ ગ્રહ પર સોના ઉપરાંત પ્લેટિનમ સહિતની બીજી કિંમતી ધાતુ હોવાનું પણ મનાય છે.
૪ પાઉન્ડમાં ખરીદેલી આરસની મૂર્તિની કિંમત ૨૭ કરોડ
ક્યારેક સામાન્ય લાગતી ચીજ અતિ કિંમતી નિકળે એવું બને. સ્કોટલેન્ડના ઈનવર્ગોર્ડન ટાઉન કાઉન્સિલના પાર્કમાં દરવાજાને બંધ થતો રોકવા માટે ડોર સ્ટેપ તરીકે વપરાતી આરસની પ્રતિમાની કિંમત ૨૫ લાખ પાઉન્ડ એટલે કે ૨૭ કરોડ રૂપિયાથી વધારે હોવાની ખબર પડતાં કાઉન્સિલના લોકો દંગ થઈ ગયા છે. ૧૯૩૦માં એક મકાનમાંથી મળેલી આ પ્રતિમા કાઉન્લિસે માત્ર ૪ પાઉન્ડમાં ખરીદી હતી. વરસો સુધી પ્રતિમા ઓફિસમાં પડી રહેતી હતી ને પછી તેનો ઉપયોગ ડોર સ્ટેપ તરીકે કરાવા લાગ્યો.
થોડાં વરસો પહેલાં એક વિદેશી કલારસિકે સોધેબીનો સંપર્ક કરીને ફ્રાંસના શિલ્પકાર એડમ બુચાર્ડેને બનાવેલી જોન ગોર્ડનની પ્રતિમા અંગે પૂછપરછ કરી. સોધેબીએ તપાસ કરતાં આ પ્રતિમા તો ડોર સ્ટેપ તરીકે વપરાતી હોવાની ખબર પડી. સોધેબીની ખરીદવાની ઓફર કાઉન્સિલે સ્વીકારી લીધેલી પણ મૂળ માલિકે કેસ ઠોકી દેતાં મામલો લંબાઈ ગયેલો પણ હવે તેની હરાજી થવાની છે.
ઇલોન મસ્ક મંગળ પર ઈન્ટરનેટ આપશે
અમેરિકા માણસોને મંગળ ગ્રહ પર મોકલીને કોલોની બનાવવાની તૈયારીમાં લાગેલું છે ત્યારે મજાની વાત એ છે કે, મંગળ ગ્રહ પર ઈન્ટરનેટની સુવિધા પણ હશે. એલન મસ્કની સ્ટારલિંક કંપની પૃથ્વી પર માણસોને મળે છે એ જ પ્રકારની ઈન્ટરનેટ સેવા મંગળ પર આપવા તૈયાર છે. મસ્કે બહુ પહેલાં આ દરખાસ્ત મૂકેલી પણ નાસા વિચાર કરતું હતું. હવે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનતાં એલન મસ્ક તેમની સરકારમાં એફિશિયન્સી સેક્રેટરી બનવાના છે એટલે સ્ટારલિંક માટે મોસાળમાં જમણવાર ને મા પિરસે એવો ઘાટ છે.
મસ્ક મંગળ પર અપાનારી ઈન્ટરનેટ સેવાને માર્સલિંક નામ આપશે. માર્સલિંકની મદદથી મંગળ ગ્રહ પર વાતચીત કરી શકાશે અને મનોરંજન પણ મેળવી શકાશે. મસ્કની કંપનીની ઈન્ટરનેટ સેવા સેટેલાઈટથી ચાલે છે તેથી પૃથ્વી પર ઈન્ટરનેટની મદદથી કરી શકાય એ બધું મંગળ ગ્રહ પર પણ શક્ય બનશે એવું લાગે છે.