બજારની વાત .

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


૩-૩ ફૂટનાં ગેબ્રિયલ-કેટયુશિયા 'શોર્ટેસ્ટ કપલ' 

ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા દુનિયાના સૌથી 'શોર્ટ કપલ' ગેબ્રિયલ અને કેટયુશિયાનો ઈન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકાતાં જ બંને સોશિયલ મીડિયા પર છવાઈ ગયાં છે. બ્રાઝિલના ૩૧ વર્ષના ગેબ્રિયલ દા સિલ્વા બૈરોસની ઉંચાઈ ૯૦.૨૮ સેન્ટિમીટર એટલે તે લગભગ ૩ ફૂટ છે. તેની ૨૮ વર્ષીય પત્ની કેટયુશિયા લી હોશિનો તેનાથી એક સેન્ટિમીટર ઉંચી છે. કેટયુશિયાની ઉંચાઈ ૯૧.૧૩ સેમી છે. 

ગેબ્રિયલ અને કેટયુશિયા ૨૦૦૬માં ઓનલાઈન મળ્યાં કે તરત જ એકબીજાને મળવાનું નક્કી કરી નાંખેલું. રૂબરૂ મળ્યા પછી મિત્રતા થઈ ને પછી બંને એકબીજાના પ્રેમમાં પડી ગયાં. લગભગ ૧૦ વર્ષના રોમાંસ પછી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ બંનેએ લગ્ન કર્યાં હતાં. છેલ્લાં સાત વર્ષથી બંને સુખરૂપ લગ્નજીવન વિતાવે છે. બંનેને કોઈ સંતાન નથી અને સંતાન પેદા કરવાની તેમની કોઈ ઈચ્છા પણ નથી.

બજારની વાત                          . 2 - image

'વર્લ્ડસ હોટેસ્ટ સાયન્ટિસ્ટ' રોઝને વિચિત્ર રોગ

'વર્લ્ડસ હોટેસ્ટ સાયન્ટિસ્ટ' તરીકે જાણીતી રોઝી મૂરેને વિચિત્ર રોગ થયો છે. ઈકોલોજિસ્ટ મૂરેને થયેલા આ વિચિત્ર રોગમાં ખંજવાળ બંધ થતી જ નથી ને શરીર પર સતત ક્યાંક ને ક્યાંક ખંજવાળ આવ્યા જ કરે છે. ડોક્ટરોનું કહેવું છે કે, મચ્છર કરડવાથી આ રોગ થયો છે પણ આ રોગનો ઈલાજ કરી શકાય તેમ નથી. ધીરે ધીરે આપમેળે ખંજવાળ બંધ થઈ જાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

રોઝે ઈન્સ્ટા વીડિયોમાં કહ્યું છે કે, પોતે  દક્ષિણ અમેરિકા ગઈ હતી ત્યારે બહુ મચ્છર કરડયા હતા. થોડા દિવસ પછી આંખમાં અસહ્ય દુઃખાવો શરૂ થયો અને પછી એવો તાવ આવ્યો કે, પથારીમાંથી બહાર નિકળી શકાતું નહીં. એ પછી ડેંગ્યુ થઈ ગયો હતો. રોઝ અમેરિકા પાછી આવી ત્યારે શરીર પર ચકામાં પડી ગયેલાં ને ખંજવાળ શરૂ થઈ કે જે કેમે કરીને બંધ જ નથી થતી.

બજારની વાત                          . 3 - image

ફ્રાન્સ છોડીને જીને ભારત કેમ પસંદ કર્યો ?

ભારતીયોમાં ભારત છોડીને વિદેશમાં સ્થાયી થવાની હોડ જામી છે ત્યારે છેલ્લાં ૨૧ વર્ષથી ભારતને પોતાનું વતન બનાવીને રહેતા ફ્રેન્ચમેન જીન-બેપ્ટિસ્ટનો વીડિયો વાયરલ થયો છે. જીનનો દાવો છે કે, પોતે ફ્રાન્સ છોડીને ભારતમાં રહે છે કેમ કે ભારતમાં તમને કદી એકલા છો એવું લાગતું જ નથી. ભારતમાં લોકો બહુ ભલા છે, તેમનામાં પશ્ચિમનાં લોકો જેવો ઈગો નથી અને સરળતાથી મિત્રતા કેળવી લે છે. 

જીનના મતે, ફ્રાન્સ અને ભારત વચ્ચે ઘણી સામ્યતાઓ છે. બંને દેશોમાં પારિવારિક મૂલ્યોને મહત્વ અપાય છે તેથી પોતે બહુ જલદી ભારતમાં ભળી ગયો. જીન સોફ્ટવેર એન્જીનિયર છે અને ૨૦૦૩માં એક પ્રોજેક્ટ માટે ભારત આવ્યો પછી કદી પાછો ગયો જ નહીં. મુંબઈને જ તેણે પોતાનું ઘર બનાવી લીધું છે. હિંદી અને મરાઠી સહિતની ભાષાઓ પણ થોડી થોડી શીખી લીધી છે.

બજારની વાત                          . 4 - image

મિત્રનું જોઈને લોટરી લીધી ને જેકપોટ લાગ્યો

અમેરિકાના નોર્થ કેરોલિનામાં મેલવિન બ્રુક્સ નામના યુવકને તેના ફ્રેન્ડે લોટરીમાં પોતે ૧૦૦ ડોલર જીત્યો હોવાનો મેસેજ મોકલ્યો હતો. મેલવિનને લાગ્યું કે, તેણે પણ પોતાનું નસીબ અજમાવવું જોઈએ એટલે મેસેજ વાંચીને તરત જ પોતાના કઝિન સાથે બહાર નિકળ્યો અને એક ફૂડ સ્ટોર પર જઈને જેકપોટ સ્ક્રેચ ટિકિટ ખરીદી. મેલવિને ટિકિટ સ્ક્રેચ કરી તો તેમાંથી ૪ લાખ ડોલરનો જેકપોટ લાગી ગયો. ભારતીય ચલણમાં તેની કિંમત ૩ કરોડ રૂપિયાથી વધારે થાય.

મેલવિનને જે લોટરી લાગી તેની શરૂઆત એપ્રિલમાં જ થઈ હતી ને ૪ લાખનો જેકપોટ જીતનારો મેલવિન પહેલો જ વિજેતા છે. આ લોટરીમાં ૪ લાખના જેકપોટનાં કુલ ૫ ઈનામ છે તેથી બીજા ૪ લોકોને જેકપોટ લાગી શકે છે. મેલવિનને ટેક્સ કાપ્યા પછી ૨.૮૬ લાખ ડોલરની રકમનો ચેક મળ્યો છે. આ રકમમાંથી મેલવિનનાં હોમ લોન સહિતનાં બધાં દેવાં ચૂકવાઈ જશે ને દીકરીઓ તથા પત્ની માટે ઘણું બધું શોપિંગ પણ કરી શકશે.

બજારની વાત                          . 5 - image

૨૩ વર્ષની યુવતી ૮૦ વર્ષના વૃધ્ધને પરણી

પ્રેમ ઉંમર નથી જોતો એવું સાંભળીએ છીએ પણ ચીનમાં આ વાત સાચી પડી ગઈ. ચીનના એક વૃધ્ધાશ્રમમાં કામ કરતી ૨૩ વર્ષની શિયાઓફાંગને ૮૦ વર્ષના મિસ્ટર લી સાથે પ્રેમ થઈ ગયો. પરિવારને ખબર પડી તો તેમણે વિરોધ કર્યો પણ વિરોધને ઘોળીને પી જઈને શિયાઓફાંગે મિસ્ટર લી સાથે લગ્ન કરી લીધાં છે. 

શિયાઓફાંગનું કહેવું છે કે, મિસ્ટર લીની મેચ્યોરિટી, ડહાપણ અને સ્થિરતાના કારણે પોતે તેમના તરફ આકર્ષાઈ છે જ્યારે મિસ્ટર લીને શિયાઓફાંગનો દયાળુ સ્વભાવ પસંદ આવી ગયો. 

સોશિયલ મીડિયા પર લોકો શિયાઓફાંગે લી સાથે તેનાં નાણાં માટે લગ્ન કર્યાં હોવાની ટીકા પણ કરી રહ્યાં છે. લીને સરકાર તરફથી પેન્શન મળે છે તેથી શિયાઓફાંગે કામ કરવાની જરૂર નથી. પત્ની તરીકે લીના મોત પછી આ પેન્શન તેને મળ્યા કરશે તેથી શિયાઓફાંગે પોતાનું ભાવિ સુરક્ષિત કરી લીધું છે એવી કોમેન્ટ્સ થઈ રહી છે.  


Google NewsGoogle News