Get The App

બજારની વાત .

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


ભૂતને પકડવાની કારકિર્દીએ યુવતીની જીંદગી બદલી

એક દાયકાના લગ્નજીવન પછી ડિવોર્સ થાય ત્યારે મોટા ભાગની સ્ત્રીઓ ડીપ્રેશનમાં જતી રહેતી હોય છે પણ સાઉથ યોર્કશાયરની લિંજીએ ડિવોર્સનો ઉપયોગ નવી કારકીર્દિ અને ફિટનેસ માટે કર્યો. તેના કારણે દંગ થઈ ગયેલા તેના પતિએ તેને ફરી પ્રપોઝ કર્યું પણ લિંજીએ તેના બદલે યુવા પાર્ટનરને પસંદ કરી લીધો છે. 

લિંજી એક દાયકાના લગ્નજીવનમા ચાર સંતાનોની માતા બની ગયેલી ને વજન ૮૫ કિલો થઈ ગયેલું. આ કારણે જ તેના પતિએ ડિવોર્સ આપી દીધેલા. ડિવોર્સ પછી લિંજીએ પોતાની જીંદગી બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો અને ઘોસ્ટ કેચર તરીકેની કારકિર્દી શરૂ કરી. ઘોસ્ટ કેચર તરીકે બહુ ચાલવું પડતું તેના કારણે એક વરસમાં તો તેનું વજન ૪૨ કિલો થઈ ગયું. એકદમ ફિટ અને યંગ લાગતી લિંજી ટિકટોક પર વીડિયો મૂકતી તેમાં અલ્બાનિયાના યુવાનને તેનાથી પ્રેમ થઈ ગયો ને લિંજી તેની સાથે સુખે રહે છે. 

ડોરસ્ટોપ તરીકે વપરાતો પથ્થર ૮ કરોડનો નિકળ્યો

ઘણી વાર સામાન્ય લોકોને પોતાની પાસે કેટલી કિંમતી ચીજ છે તેનો અહેસાસ નથી હોતો તેથી કરોડોની વસ્તુ સાવ નકામા કામમાં વપરાતી હોય છે. રોમાનિયાના કોલતીમાં રહેતાં એક વૃધ્ધાના કેસમાં એવું જ થયું. 

આ વૃધ્ધા વરસો પહેલાં પોતાનું બારણુ ભારે પવનના કારણે બંધ ના થઈ જાય એ માટે પાસેના ઝરણાંમાંથી એક પથ્થર લઈ આવેલાં. વૃધ્ધા ૧૯૯૧માં ગુજરી ગયાં ત્યાં સુધી તેનો ઉપયોગ ડોરસ્ટોપ તરીકે જ કરતાં પણ હમણાં ખબર પડી કે, આ સાડા ત્રણ કિલો વજનના પથ્થરની કિંમત તો ૧૦ લાખ ડોલર એટલે કે લગભગ રૂપિયા ૮.૪૦ કરોડ છે. આ પથ્થર વાસ્તવમાં ૭ કરોડ વર્ષ જૂનો અંબેર એટલે કે વૃક્ષની છાલના અશ્મિ છે. વૃધ્ધા જેમને મકાન વેચીને ગયેલાં તેમને પથ્થર કિંમતી લાગતાં ક્રેકોવમાં મ્યુઝિયમ ઓફ હિસ્ટરીનો સંપર્ક કરતાં આ વાતની ખબર પડી. 

કચરામાં ફેંકેલું પેઈન્ટિંગ લાખોમાં વેચાશે

ક્યારેક કચરો પણ સોનું બની જતો હોય છે. યુકેના કેંટના ક્રેનબ્રુકમા રહેતા મૈંટ વિન્ટરના જીવનમાં એવું જ બન્યું છે. વિંટર ૧૧ વર્ષનો હતો ત્યારે પાડોશી મહિલાએ નકામા કાગળોથી ભરેલી બેગ કચરા ટોપલીમાં ફેંકવા આવેલાં. વિંટર બેગ કચરા ટોપલીમાં ફેંકવાના બદલે ઘરે લઈ ગયો તો તેમાં મોટા ભાગનાં બ્લેક એન્ડ વ્હાઈટ રદ્દી પેપર હતાં પણ નાઈટ, ડેથ એન્ડ ધ ડેવિલ ટાઈટલ સાથેનું  એક એનગ્રેવ્ડ પેઈન્ટિંગ પણ હતું.

વિન્ટરે પેઈન્ટિંગ પોતાના રૂમમાં લગાવી દીધું. હવે ૧૩ વર્ષ પછી વિંટરને ખબર પડી કે, આ પેઈન્ટિંગ તો જર્મનીના મહાન આર્ટિસ્ટ આલ્બર્ટ ડયુરરે ૧૫૧૩માં બનાવેલું ને તેની કિંમત લાખોમાં થાય છે. ૧૮ સપ્ટેમ્બરે રેર બુક્સ ઓક્શન્સ દ્વારા આ પેઈન્ટિંગની હરાજી થશે કે જેમાં ઓછામાં ઓછા ૨૦ હજાર પાઉન્ડ (લગભગ ૨૨ લાખ રૂપિયા) તો આવશે જ. 

બજારની વાત                          . 2 - image

ફિનલેન્ડ એક પણ વ્યક્તિ બેઘર ના હોય એવો પહેલો દેશ

દુનિયામાં ફિનલેન્ડ પહેલો એવો દેશ બન્યો છે કે જ્યાં કોઈ બેઘર નથી. ફિનલેન્ડની સરકારે ૨૦૦૭માં હાઉસિંગ ફસ્ટ પોલિસી જાહેર કરીને એલાન કરેલું કે, ૨૦૨૫ સુધીમાં દેશનાં તમામ લોકોને ઘર પૂરાં પાડી દેવાશે અને ફિનલેન્ડના રસ્તા પર કોઈ પણ ગરીબ વ્યક્તિ પડી હોય એવું દ્રશ્ય જોવા નહીં મળે. 

સરકારે આ સમયમર્યાદાના એક વર્ષ પહેલાં જ પોતાનું વચન પૂરું કરી દીધું છે.  ફિનલેન્ડ સરકારે આપેલા આદેશના પગલે પોલીસે રસ્તા પર કોઈ પણ વ્યક્તિ દેખાય તો તરત તેને હોસ્પિટલમાં દાખલ કરવાનું શરૂ કર્યું. આ વ્યક્તિને છ મહિનામાં ઘર બનાવી અપાતું. આ યોજનાના કારણે હવે ફિનલેન્ડમાં કોઈ બેઘર નથી.  કોઈ વ્યક્તિ ખુલ્લામાં સૂતેલી દેખાતી નથી. સરકાર ડ્રગ્સ એડિક્ટને પણ ઉઠાવીને સ્કીલ સેન્ટરમાં નાંખી દે છે અને તાલીમ આપીને કામ કરવાને લાયક બનાવે છે, ઘર આપીને રહેવાની વ્યવસ્થા કરી આપે છે. 

બજારની વાત                          . 3 - image

ફરી જીવતા થવાના આશાવાદીઓના મૃતદેહની સાચવણી

અમેરિકામાં ક્રાયોનિક્સ ઈન્સ્ટિટયુટ નામની મોર્ચરીમાં મર્યા પછી ફરી જીવતા થવાની આશા રાખતાં લોકોના મૃતદેહો સાચવવામાં આવે છે. લોકો લાખો રૂપિયા એડવાન્સમાં પેમેન્ટ કરીને પોતાના મૃતદેહને સાચવવાની વ્યવસ્થા કરીને જાય છે. હમણાં થોડા સમય પહેલાં ઈન્સ્ટિટયુટે આવા સાચવેલા મૃતદેહોનો ૨૫૦નો આંકડો પાર કર્યો. 

જાણીને આશ્ચર્ય થશે પણ મિશિગનમાં આવેલું આ ઈન્સ્ટિટયુટ છેક ૧૯૭૭થી કામ કરે છે. ૧૯૭૭માં રીયા એટિંગર નામની મહિલા દર્દીએ સૌથી પહેલું બુકિંગ કરાવ્યું હતું. ક્રાયોજેનિક્સ ઈન્સ્ટિટયુટમાં મૃતદેહને બરફમાં પેક કરીને પરફ્યુજ કરી દેવાય છે અને શરીરમાં ઉપલબ્ધ પાણી તથા લોહીને પ્રોસેસ કરીને ક્રાયો પ્રોટેક્શન મિક્સમાં ફેરવી દેવાય છે. તેના કારણે મૃતદેહને બરફમાં રાખવા છતાં લોહી અને પાણી થીજી જતાં નથી. મોર્ચરીમાં મૃતદેહોને રાખવા માટે મોટા મોટા બ્લોક્સ બનાવાયા છે. મૃતદેહને લિક્વિડ નાઈટ્રોજનમાં માઈનસ ૧૯૬ ડીગ્રી સેલ્સિયસમાં રાખવાથી જળવાય છે. 

બજારની વાત                          . 4 - image

ફેશન આઈકોન ડેવિડ બેકહામ ખેડૂત બની ગયો

એક સમયે ફેશન આઈકોન મનાતો ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમનો કેપ્ટન ડેવિડ બેકહામ લાંબા સમય સુધી ગાયબ રહ્યા પછી અચાનક નવા અવતારમાં દેખાયો છે. બેકહામ ફૂટબોલને બાજુ પર મૂકીને ખેતી કરે છે અને શહેરની ફાસ્ટ લાઈફથી દૂર ગામડામાં આરામથી રહે છે. 

ડેવિડ તો પોતે શું કરે છે એ જાહેર કરવા જ નહોતો માગતો પણ પત્ની વિક્ટોરીયાના કહેવાથી તેણે સોશિયલ મીડિયા પર ચિકન ફાર્મ અને ગાર્ડનનો વીડિયો મૂક્યો છે. ડેવિડના બદલાયેલાં રૂપરંગ જોઈને તેના ચાહકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. 

વિક્ટોરીયાએ પણ મજાક કરી કે, આ માણસ કોણ છે ? મહેરબાની કરીને મને મારો પતિ પાછો લાવી આપો. ડેવિડની પત્ની વિક્ટોરીયા ૧૯૯૦ના દાયકામાં મ્યુઝિકમાં ધૂમ મચાવનારા સ્પાઈસ ગર્લ્સ ગુ્રપનો ભાગ હતી. વિક્ટોરીયા પણ ફેશન આઈકોન તરીકે પ્રખ્યાત થઈ હતી પણ એ પણ ઘણાં વરસોથી લાઈમલાઈટથી દૂર છે.


Google NewsGoogle News