Get The App

બજારની વાત .

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


નસીબ કે કમનસીબ ? જેકપોટ લાગ્યો ને સર્જરીમાં મોત થયું

કેટલાંક લોકોના જીવનમાં એવી ઘટનાઓ બને છે કે તેના કારણે એ વ્યક્તિને નસીબદાર ગણવી કે કમનસીબ ગણવી એ જ ખબર ના પડે. બ્રાઝિલના ઓન્ટોનિયા લોપ્સ સિંક્વિરા નામના ૭૩ વર્ષના ખેડૂતના જીવનમાં એવું જ બન્યું. ખેતી અને પશુપાલન કરતા એન્ટોનિયોને ચાર સંતાનો છે તેથી હાથ હંમેશાં ભીડમાં રહેતો. નસીબ પલટવા માટે એન્ટોનિયો લોટરીની ટિકિટો ખરીદ્યા કરતા ને આ દાવ અચાનક ફળી ગયો. 

હમણાં એન્ટોનિયોને બ્રાઝિલની સૌથી મોટી લોટરી મેગા સેનામાં ૨.૬૫ કરોડ પાઉન્ડ (લગભગ ૨૯૦ કરોડ રૂપિયા)નો જેકપોટ લાગી ગયો. એન્ટોનિયોને લાંબા સમયથી દાંતની તકલીફ હતી તેથી પૈસા આવતાં જ એ સૌથી પહેલાં દાંતની સારવાર કરાવવા ગયા. ક્લિનિકમાં દાંતની સારવાર ચાલતી હતી ત્યારે જ અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવી જતાં એન્ટોનિયો ઉપર પહોંચી ગયા. પોલીસ આ કેસમાં કંઈ ગરબડ તો નથી ને તેની તપાસ કરી રહી છે. 

એન્ટોનિયોને નસીબદાર ગણશો કે કમનસીબ ? 

બજારની વાત                          . 2 - image

આધુનિક નોસ્ત્રાદામસની આગાહી, ૨૦૨૫માં મશીનોનું યુદ્ધ થશે

ઈસવી સનનું ૨૦૨૪નું વર્ષ પૂરું થવામાં છે અને ૨૦૨૫નું વર્ષ શરૂ થવા આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લિવિંગ નોસ્ત્રાદામસ કહેવાતા બ્રાઝિલના પેરાસાયકોલોજિસ્ટ એથોસ સેલોમેએ કેટલીક રસપ્રદ આગાહીઓ કરી છે. સેલોમેનીની છેલ્લાં કેટલાંક વરસોની લગભગ તમામ આગાહીઓ સાચી પડી છે. કોવિડ રોગચાળા, એલન મસ્ક ટ્વિટર ખરીદી લેશે, ક્વિન એલિઝાબેથનું મોત થશે એ સહિતની તેમની આગાહીઓ સાચી પડી છે. ૨૦૨૪માં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીમાં જીત અને ઈઝરાયલ-હમાસ યુદ્ધ સહિતની ૪ મોટી આગાહી સાચી પડી હતી.

સેલોમેએ ૨૦૨૫માં ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી કરી છે પણ આ યુદ્ધ પરંપરાગત રીતે અસ્ત્રો કે શસ્ત્રોથી નહીં લડાય. ૩૬ વર્ષના સેલોમેનું કહેવું છે કે, આ લડાઈ મશીનો અને ટેકનોલોજીની હશે. રશિયા યુક્રેન યુદ્ધમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારી રહ્યું છે એ જોતાં સેલોમેની આગાહી સાચી પડી શકે છે.

બજારની વાત                          . 3 - image

વોલ્કેનો પર બનાવેલા પિઝા ખાવા લોકોની ભીડ

ખાવાના શોખીનો અલગ પ્રકારના ખાવા માટે જીવ જોખમમાં મૂકે એવું સાંભળ્યું છે ? સેન્ટ્રલ અમેરિકામાં આવેલા ગ્વાટેમાલામાં ફૂડના રસિયા પિઝા ખાવા માટે વોલ્કેનો એટલે કે જ્વાળામુખીની વચ્ચે જાય છે. શેફ મારીયો ડેવિડ ગાર્સિયા તેમને ઓવનમાં નહીં પણ જ્વાળામુખી પર બનાવેલા પિઝા ખવડાવે છે. આ પિઝા ખાવા માટે લોકો પકાયા વોલ્કેનો પર ઉમટી રહ્યા છે. સમુદ્રની સપાટીથી ૨૫૦૦ મીટર ઉંચાઈ પર આવેલો પકાયા વોલ્કેનો ૨૦૨૧ના માર્ચમાં સક્રિય થયો પછી તરત ગાર્સિયાએ આ અનોખો વિચાર અમલમાં મૂકેલો. વોલ્કેનોની જ્વાળાઓ અને ગરમ રાખમાં મૂકીને પિઝા બનાવાય છે. આ આઈડીયા ચાલી ગયો અને હજારો પ્રવાસીઓ વોલ્કેનો પિઝા ખાવા જાય છે.

આ પિઝાનો સ્વાદ અનોખો છે પણ તેને ખાવાનું સાહસ આરોગ્ય માટે હાનિકારક છે. વોલ્કેનોમાંથી સલ્ફર ડાયોક્સાઈડ સહિતના ઝેરી ગેસ નિકળે છે કે જે તબિયત બગાડી શકે પણ ફૂડ લવર્સને તેની પરવા નથી.

મંગળ પરની નદીઓ પાણીની નહીં પણ કાર્બન ડાયોક્સાઈડની

મંગળ ગ્રહ પર માનવજીવન શક્ય છે કે નહીં તે અંગે લાંબા સમયથી સંશોધન ચાલી રહ્યું છે. અત્યાર સુધીના સંશોધનમાં મંગળ ગ્રહ પર નદીઓ, ખીણો, ઝરણાં વગેરે મોટા પ્રમાણમાં હોવાના સંકેત મળ્યા છે. મંગળની સપાટી અત્યારે અત્યંત ઠંડી છે પણ ભૂતકાળમાં ત્યાં પણ પૃથ્વીની જેમ પાણી વહેતું હશે તેથી મંગળ પર માનવજીવન શક્ય હોવાનું લાગતું હતું પણ હમણાં નાસાના વિજ્ઞાાનીઓને જે સંકેત મળ્યા તેના કારણે મંગળ પર માનવજીવન શક્ય નહીં બને એવું લાગે છે. 

વિજ્ઞાાનીઓના મતે, મંગળ પર લાગતું પાણી વાસ્તવમાં પ્રવાહી કાર્બન ડાયોક્સાઈડ હોઈ શકે છે. કાર્બન ડાયોક્સાઈડ માણસ માટે ઘાતક છે તેથી તેની સાથે રહેવું શક્ય ના બને. મંગળ ગ્રહ પર ખનિજો મોટા પ્રમાણમાં છે. કાર્બોનેશનની પ્રક્રિયાને કારણે આ ખનિજોમાંથી કાર્બન ડાયોક્સાઈડ અલગ થયો હશે ને પાણીમાં ભળી જતાં મોટા ભાગની નદીઓ પ્રવાહી કાર્બન ડાયોક્સાઈડયુક્ત થઈ ગઈ હશે એવું વિજ્ઞાાનીઓ માને છે.

બજારની વાત                          . 4 - image

રશિયાના યાકુત્સ્કમાં પાંપણો પર પણ બરફ જામી જાય છે

ગુજરાતમાં હમણાં ઠંડી શરૂ થઈ છે અને તાપમાન ૧૫ ડીગ્રીની આસપાસ થયું તેમાં તો લોકો ધ્રુજી ગયાં છે ત્યારે તાપમાન માઈનસ ૬૭ ડીગ્રી થાય તો શું હાલત થાય ? દુનિયામાં સૌથી ઠંડો વિસ્તાર મનાતા રશિયાના યાકુત્સ્ક શહેરમાં શિયાળામાં તાપમાન માઈનસ ૬૭ ડીગ્રી જ થઈ જાય છે. ચોતરફ બધું જામી જાય છે અને કોગળો કરો તો પણ બરફ નીચે પડે એવી હાલત હોય છે. બહાર નિકળો તો પાંપણો પર બરફ જામી જાય છે. શહેરમાં રહેનારાં લોકો ગેરેજમાં પોતાની કાર આખી રાત ચાલુ રાખે છે કેમ કે એન્જીન ઓફ થઈ ગયું તો પછી સીધું ઉનાળામાં જ ચાલુ થાય. એન્ટાર્કટિકામાં આવેલું રશિયાનું જ વોસ્તોક રીસર્ચ સેન્ટર વિશ્વમાં સૌથી ઠંડુ સ્થળ મનાય છે કે જ્યાં તાપમાન માઈનસ ૮૨ ડીગ્રી સુધી થઈ જાય છે. વોસ્તોકમાં લોકો રહેતાં નથી જ્યારે યાકુત્સ્ક તો સવા ત્રણ લાખની વસતી ધરાવતું શહેર છે.

અનાથાલયમાં ઉછરેલો શી ધનિક પરિવારનું સંતાન નીકળ્યો

બોલીવુડની ફિલ્મોમાં ગરીબીમાં ઉછરેલી વ્યક્તિને એક દિવસ અચાનક જ પોતે અમીર બાપની ઔલાદ છે આવી ખબર પડે એવું આપણે બહુ જોયું છે. ચીનમાં આ ફિલ્મી સ્ટોરી વાસ્તવિક જીવનમાં બની છે અને શી ક્વિંશુઆઈ નામના યુવકને ૨૬ વર્ષની ઉંમરે ખબર પડી કે, તેનાં માતા-પિતા તો અતિ ધનિક છે. શી માત્ર ત્રણ વર્ષનો હતો ત્યારે તેને ગુંડાઓએ કિડનેપ કરી લીધો હતો. પોલીસની ધોંસ વધતાં અપહરણકારો શીને અનાથાલયમાં મૂકીને ભાગી ગયા હતા. શી અનાથ બાળકોની વચ્ચે જ ઉછર્યો અને તેને પોતાનો પરિવાર હોવાની ખબર જ નહોતી. એક યુવતી સાથે પ્રેમ થતાં તેની સાથે પરણી પણ ગયો.દરમિયાનમાં તેનાં માતા-પિતા તેને શોધ્યા કરતાં હતાં. ૧ કરોડ રૂપિયાથી વધારે ખર્ચી નાંખ્યા પછી ૨૩ વર્ષે તેમને હમણાં દીકરો પાછો મળ્યો. માતા-પિતાએ શીને પોતાની બધી સંપત્તિ આપી દીધી પણ શીએ માત્ર એક ફ્લેટ લીધો છે કે જેથી પત્ની સાથે રહી શકે.



Google NewsGoogle News