બજારની વાત .
બગીચામાં ઉગેલા પમ્પકિને કરોડપતિ બનાવી દીધો
અમેરિકામાં હેલોવિન વખતે પોતાના ઘરના બગીચામાં ઉગેલાં પમ્પકિન વેચવાનું શુભ મનાય છે. નોર્થ કેરોલિનાના રોય સ્ટોરીએ આ પરંપરાનું પાલન કરીને પમ્પકિનનું વેચાણ કર્યું તેમાંથી ઉપજેલા ૧૦ ડોલરમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી. આ ટિકિટને ૧.૫૦ લાખ ડોલર એટલે કે લગભગ ૧.૨૫ કરોડ રૂપિયાનું ઈનામ લાગતાં સ્ટોરીના દિવસો ફરી ગયા છે. સ્ટોરી દર વરસે પમ્પકિન વેચતાં પણ પહેલી વાર તેને પમ્પકિનની કમાણીમાંથી લોટરીની ટિકિટ ખરીદવાનો વિચાર આવ્યો હતો. ઈનામની રકમમાંથી સ્ટોરી નવી ટ્રક ખરીદશે.
સ્ટોરીએ ક્રોસવર્ડ ભરીને મોકલેલો ને તેમાં ઈનામ લાગે એવી ટિકિટ ખરીદી હતી કેમ કે તેને ક્રોસવર્ડનો શોખ છે. ઈનામની જાહેરાત થઈ ત્યારે તપાસ્યું તેમાં પોતાની ટિકિટનો નંબર હતો પણ ચશ્માં પહેરેલાં નહીં હોવાથી સ્ટોરીને લાગેલું કે, ૧૦૦૦ ડોલરનું ઈનામ મળ્યું છે. ચશ્માં પહેરીને ફરી વાંચ્યું તો ખબર પડી કે જેકપોટ લાગી ગયો છે.
ગુરગ્રામમાં સૌથી નાનો ફ્લેટ ૭૫ કરોડનો
ગુરગ્રામમાં ડીએલએફ દ્વારા નવો પ્રોજેક્ટ મૂકાયો તેમાં સૌથી નાના ફ્લેટની કિંમત જ ૭૫ કરોડ રૂપિયા છે એ સાંભળીને ઘણાંને હાર્ટ એટેક આવી જશે. આ બિલ્ડિંગના દરેક ફ્લેટમાં પ્રાઈવેટ થીયેટર, ગેમ્સ રૂમ, આઈશ બાથ એરીયા, સ્પા અને બીજી ઘણી બધી સવલતો છે તેથી નાનામાં નાનો ફ્લેટ જ ૯૫૦૦ ચોરસ ફૂટનો છે. મતલબ કે, પ્રતિ ચોરસ ફૂટ ભાવ ૮૦ હજાર રૂપિયાની આસપાસ થયો.
સોશિયલ મીડિયા પર આ ફ્લેટના ફોટો મૂકાયા પછી લોકોએ દુનિયાના સૌથી મોંઘા શહેર લોસ એન્જલસ અને સૌથી પ્રતિષ્ઠિત મનાતા દુબઈના બુર્ઝ ખલિફામાં શું ભાવ છે તેની વિગતો મૂકી છે. આ વિગતો પ્રમાણે, લોસ એન્જલસમાં ૧ બીએચકે ફ્લેટ ૧૦ લાખ ડોલર એટલે કે ૮.૫૦ કરોડ રૂપિયાનો જ્યારે બુર્ઝ ખલિફામાં ૬ કરોડ રૂપિયાનો છે. ગુરગ્રામના ફ્લેટનો એરીયા જોતાં તેનો ભાવ પણ આ શહેરો જેટલો જ થઈ ગયો.
અમેરિકાના નેતાજીએ ઈમેજ માટે નકલી ફેમિલી બનાવી દીધું
અમેરિકાના રાજકારણી ડેરિક એન્ડર્ને ચૂંટણી જીતવા માટે પોતાનો નકલી પરિવાર ઉભો કરી દીધો તેમાં ફસાઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટીના નેતા ડેરિક વર્જિનિયાના સેવન્થ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ડેરિક પરણિત નથી તેથી તેમણે પોતે સામાન્ય લોકોની તકલીફો સમજે છે અને ફેમિલિમેન છે એવી છાપ ઉભી કરવા પોતાના મિત્રની પત્ની અને તેમની ત્રણ દીકરીઓને પોતાના પરિવાર તરીકે રજૂ કરી દીધો.
ડેરિકનો વીડિયો વાયરલ થયો પછી લોકોએ કોમેન્ટ કરવા માંડી તેમાં તેમની પોલ ખૂલી ગઈ. અમેરિકાના કાયદા પ્રમાણે, ચૂંટણીમાં લોકોને ભ્રમિત કરવા માટે જૂઠાણું ફેલાવવા બદલ સજા થાય છે. ડેરિકનો બચાવ છે કે, પોતે ભલે પરિણિત નથી પણ પોતાના મિત્રનો પરિવાર પોતાનો જ પરિવાર જેવો જ છે તેથી તેને પોતાના પરિવારને રજૂ કરીને પોતે કશું ખોટું કર્યું નથી.
કેરોલિનને કિસથી પણ જીવનો ખતરો !
અમેરિકાના બોસ્ટનમાં રહેતી કેરોલિન ક્રે ક્વિન નામની યુવતીને વિચિત્ર પ્રકારની એલર્જી છે. કેરોલિન મગફળી, ટ્રી નટ્સ, તલ, કિવિ, સરસવ, સીફૂડ વગેરેની ગંધ પણ સહન કરી શકતી નથી. આ ગંધના કારણે તેને ગૂંગળામણ થવા માંડે છે અને શ્વાસ બંધ થવા માંડે છે તેથી જીવનો ખતરો આવી જાય છે.
એલર્જીથી બચવા માટે કેરોલિન પોતે તો આ ચીજોથી દૂર રહે છે પણ પોતાના બોયફ્રેન્ડને પણ આ ચીજોથી દૂર રાખે છે. કેરોલિનની એનર્જી એટલી તીવ્ર છે કે, બોયફ્રેન્ડે આ પૈકી કોઈ ચીજ ખાધી હોય ને તેને કિસ કરે તો પણ એટેક આવી જાય છે. આ સ્થિતીથી બચવા કેરોલિને બોયફ્રેન્ડ માટે ત્રણ નિયમો બનાવ્યા છે. પહેલો નિયમ એ કે, પોતાની સાથે કિસ કે પ્રેમ કરે તેના ૨૪ કલાક પહેલાં કેરોલિનને એલર્જી છે એવું કશું ખાવું નહીં. બીજો નિયમ એ કે, કિસના ત્રણ કલાક પહેલાં કશું ખાવું નહીં ને ત્રીજો નિયમ એ કે, કિસ પહેલાં દાંત સારી રીતે સાફ કરવા પડશે.
ચીની પરંપરાએ લ્યુઓને સ્પાઈડર વુમન બનાવી
ચીનના ઝિયુન મિયાઓ પ્રાંતની ૪૩ વર્ષની લ્યુઓ ડેંગપિન નામની મહિલાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં લ્યુઓ કોઈ પણ સાધનની મદદ વિના ખુલ્લા હાથે ખડકો પર ચડી જાય છે. લગભગ ૧૦૦ મીટર ઉંચા ખડક પર હાર્નેસ કે ગ્લોવ્ઝ વિના ફટાફટ ચડી જતી લ્યુઓને સોશિયલ મીડિયા પર લોકો સ્પાઈડર વુમન ગણાવીને વખાણી રહ્યા છે.
લ્યુઓએ સ્પષ્ટતા કરી છે કે, પોતે કોઈ કમાલ નથી કરતી પણ ચીનની સદીઓ જૂની મિયાઓ પરંપરાને અનુસરી રહી છે. મિયાઓ પરંપરામાં મૃતકોને ખડકોમાં દફનાવાય છે. તેમની કબરો સુધી પહોંચવા માટે મિયાઓ સમુદાયનાં લોકો ખુલ્લા હાથે ઉપર ચડતાં તેથી આ સમુદાયનાં તમામ લોકોએ ફરજિયાત તાલીમ લેવી પડતી. ધીરે ધીરે યુવા પેઢીને આ તાલીમ લેવામાંથી રસ ઉડતો ગયો તેથી હવે બહુ ઓછાં લોકો પાસે આ ક્ષમતા છે. લ્યુઓ તો આ કૌશલ્ય ધરાવતી એક માત્ર સ્ત્રી છે.
મેથ્યુના રોગનું નિદાન થવામાં ૨૫ વર્ષ લાગી ગયાં
અમેરિકાના મેથ્યુ હોગ નામનો યુવક ઓટો બ્રુઅરી સિન્ડ્રોમનો શિકાર બનતાં દારૂ પીધા વિના પણ ૨૪ કલાક સુધી નશામાં જ રહે છે. મેથ્યુ જે રોગનો શિકાર બન્યો છે તેને ગટ ફર્મેન્ટેશન સિન્ડ્રોમ પણ કહે છે. મેથ્યુ છેલ્લાં ૨૫ વર્ષથી આ રોગનો શિકાર છે પણ કોઈ ડોક્ટર તેના રોગનું નિદાન કરી શક્યો નહોતો. છેવટે મેક્સિકોની એક હોસ્પિટલમાં તેના સાચા રોગનું નિદાન થયું તેથી મેથ્યુને પોતાને શું તકલીફ છે તેની ખબર પડી. આ નિદાન માટે પણ મેથ્યુએ ૬.૫૦ લાખ રૂપિયાના ટેસ્ટ કરાવવા પડેલા.
મેથ્યુને થયેલા રોગનો ઈલાજ શક્ય નથી પણ ડાયેટથી તેને કંટ્રોલ કરી શકાય છે તેથી મેથ્યુ અત્યારે તો ખાવા-પીવા પર નિયંત્રણ રાખીને સ્વસ્થ રહેવા પ્રયત્ન કરે છે. તેના પાચનતંત્રમાં વધારે પ્રમાણમાં ઈથેનોલ પેદા ના થઈ જાય એવો ખોરાક જ ખાય છે.