બજારની વાત .
પાકિસ્તાની માછીમારો ગોલ્ડન ફિશના કારણે માલામાલ
ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ............એવી કહેવત પાકિસ્તાનના કરાચીના માછીમાર હાજી બલોચ અને તેના સાથીઓ માટે સો ટકા સાચી સાબિત થઈ છે. ફરક એટલો છે કે, હાજીને ખુદાએ છપ્પર નહીં પણ દરિયો ફાડીને આપ્યું છે. હાજી બલોચ અને તેના સાથીઓની જાળમાં ફસાયેલી 'ગોલ્ડન ફિશ' (ડિલ)ના કારણે એ લોકો રાતોરાત કરોડપતિ બની ગયા છે. બલોચની જાળમાં ૧૫ ગોલ્ડન ફિશ ફસાઈ હતી ને હરાજી દરમિયાન દરેક માછલી ૭૦ લાખ રૂપિયામાં વેચાતાં કુલ ૧૦.૫૦ કરોડ રૂપિયા મળ્યા છે. હાજી સહિત સાત સાથીઓ વચ્ચે આ રકમ વહેંચાતાં દરેકને દોઢ-દોઢ કરોડ રૂપિયા મળશે. ગોલ્ડન ફિશ દુર્લભ છે. તેના પેટમાંથી નિકળતા પદાર્થોમાં ઔષધીય ગુણ હોય છે તેથી તેની ખૂબ માંગ છે.
અશ્લીલ સવાલનો જડબાતોડ જવાબ, ટીચર છવાઈ ગયાં
ઈન્સ્ટાગ્રામ પર રક્ષિતા સિંહ બાંગર નામની લેડી ટીચરનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. એક વિદ્યાર્થીએ રક્ષિતાને સાવ અશ્લીલ સવાલ કર્યો હતો કે, મેડમ બાળક કેવી રીતે પેદા થાય છે એ પ્રેક્ટિકલ કરીને સમજાવો.ઓનલાઈન ક્લાસ વખતે પૂછાયેલા સવાલે રક્ષિતાને પહેલાં તો મૂઝવ્યાં પણ પછી તેમણે જવાબ આપ્યો કે, બેટા આ પ્રેક્ટિકલ મમ્મી પાસે કરાવો. હું પરણી નથી તેથી મને પ્રેક્ટિકલ નોલેજની ખબર નથી. મમ્મીએ તો બાળક પેદા કરીને બતાવ્યું છે તેથી મમ્મીને પૂછજે. રક્ષિતાના આ જવાબની લોકો વાહવાહી કરી રહ્યા છે. પાંચ લાખથી વધારે લોકોએ રક્ષિતાના વીડિયોને લાઈક કર્યો છે અને છ હજારથી વધારે તો કોમેન્ટ્સ મળી છે.
ડોક્ટરોની મોટી સિધ્ધી, કોર્નિયા નહીં આખી આંખ બદલી
અમેરિકાના ન્યૂયોર્કમાં ડોક્ટરોની ટીમે ચહેરાની સર્જરી દરમિયાન વ્યક્તિની આખી આંખ બદલીને ઈતિહાસ રચી દીધો છે. અત્યાર સુધી, ડોકટરો માત્ર કોર્નિયા એટલે કે આંખનું આગળનું સ્તર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સર્જરી કરતા પણ આ સર્જરીમાં આખી આંખ જ બદલી દેવાઈ છે. લગભગ ૨૧ કલાક ચાલેલા ઓપરેશને ૧૪૦ ડોક્ટર્સની ટીમે પાર પાડયું હતું.
એરોન જેમ્સ નામના દર્દીને ૨૦૨૧માં હાઈ વોલ્ટેજ લાઈનથી કરંટ લાગતાં તેના ચહેરાની ડાબી બાજુ, નાક, મોં અને ડાબી આંખને ખરાબ અસર થઈ હતી. જેમ્સને ૭૨૦૦ વોલ્ટનો આંચકો લાગ્યો હતો તેથી ચહેરો વિકૃત થઈ ગયો હતો. ડોક્ટરોએ ચહેરાની સર્જરી કરીને તેનો અડધો ચહેરો બદલ્યો અને આ દરમિયાન ડાબી આંખ પણ બદલી હતી.
એપલના સહ-સ્થાપક વોઝનિયાકને સ્ટ્રોકનો એટેક
દુનિયાની સૌથી મોટી કંપની એપલના એક સ્થાપક સ્ટીવ જોબ્સ ગુજરી ગયા છે જ્યારે બીજા સ્થાપક સ્ટીવ વોઝનિયાકની તબિયત પણ બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. ૭૩ વર્ષના સ્ટીવ વોઝનિયાકને સ્ટ્રોક આવતાં લથડી પડયા પછી મેક્સિકો સિટીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એપલના સહ-સ્થાપક સ્ટીવ વોઝનિયાક, વર્લ્ડ બિઝનેસ ફોરમ ઇવેન્ટમાં ભાગ લેવા માટે મેક્સિકો ગયા હતા. વોઝનિયાક ભાષણ આપવાની થોડી મિનિટો પહેલાં જ લથડીને નીચે પડી જતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાકે એપ્રિલ ૧, ૧૯૭૬ના રોજ એપલની શરૂઆત કરી હતી. ઘણા માને છે કે, એપલની સફળતાનો અસલી યશ વોઝનિયાકને જાય છે પણ માર્કેટિંગના જોરે સ્ટીવ જોબ્સ છવાઈ ગયા.
અદિતી ફિલ્મોમાં ના ચાલતાં જય કોટકની પત્ની બની ગઈ
અબજોપતિ બેંકર ઉદય કોટકના પુત્ર જય કોટકે મંગળવારે ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અદિતિ આર્ય સાથે લગ્ન કર્યા. અદિતી-ઉદયનાં લગ્ન સાથે બિઝનેસમેન-એક્ટ્રેસની વધુ એક જોડી બની ગઈ છે.
અદિતી મોડલ અને એક્ટ્રેસ પણ રહી ચૂકી છે. મિસ ઈન્ડિયા બની હોવા છતાં એક્ટિંગ કે મોડેલિંગમાં તેની કારકિર્દી ધારી જામી નહોતી. ૨૦૧૬માં પુરી જગન્નાથની તેલુગુ ફિલ્મ ઈસ્મમાં હીરોઈન તરીકે કારકિર્દી શરૂ કરનારી અદિતીએ માંડ દસેક ફિલ્મો ને વેબ સીરિઝમાં કામ કર્યું છે. અદિતી છેલ્લે ૮૨માં મોહિંદર અમરનાથની પત્ની બની હતી. તેની પહેલી ફિલ્મને જોરદાર સફળતા મળી હોવા છતાં અદિતીને ધાર્યું કામ ના મળતાં તેણે સહાયક ભૂમિકાઓ પણ કરી પણ સફળતા ના મળતાં છેવટે લગ્ન કરીને ઠરીઠામ થઈ જવાનું પસંદ કરીને શાણપણ બતાવ્યું.
બેંકો, NBFCsમાં IT ગવર્નન્સ પર નવા નિર્દેશો
ભારતીય રિઝર્વ બેંકે બેંકો અને એનબીએફસી માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) ગવર્નન્સ, જોખમ, નિયંત્રણો અને ખાતરી પદ્ધતિઓ સંબંધિત નવા નિર્દેશો બહાર પાડયા છે. આઈટી ગવર્નન્સના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સંરેખણ, જોખમ વ્યવસ્થાપન, સંસાધન સંચાલન, પ્રદર્શન વ્યવસ્થાપન અને વ્યવસાય સાતત્ય/આપત્તિ પુનઃપ્રાપ્તિ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. આ નિર્દેશોને ભારતીય રિઝર્વ બેંક (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ગવર્નન્સ, રિસ્ક, કટ્રોલ્સ અને એશ્યોરન્સ પ્રેક્ટિસ) નિર્દેશો, ૨૦૨૩ કહેવામાં આવશે અને તે ૧ એપ્રિલ, ૨૦૨૪થી અમલમાં આવશે. REs (નિયમનિત સંસ્થાઓ) તેમના સમગ્ર આઈટી પર્યાવરણ (DR સાઇટ્સ સહિત) ની કાર્યકારી સ્થિતિસ્થાપકતાને સુનિશ્ચિત કરવા માટે તેમની માહિતી પ્રણાલીઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સમર્થન આપવા માટે એક મજબૂત IT સર્વિસ મેનેજમેન્ટ ફ્રેમવર્ક રચાશે. REs પાસે એક દસ્તાવેજીકૃત ડેટા સ્થળાંતર નીતિ હોવી જોઈએ જે ડેટા સ્થાનાંતરણ માટે વ્યવસ્થિત પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે, જે ડેટાની અખંડિતતા, સંપૂર્ણતા અને સુસંગતતાની ખાતરી કરે છે.