બજારની વાત .
2 અબજ ડોલરની લોટરી જીતનારનું મકાન હોલીવુડમાં રાખ
લોસ અન્જલસની ભયાનક આગે ઘણાં લોકોનાં ઘર તબાહ કરી નાખ્યાં પણ એડવિન કેસ્ટ્રો જેવું નુકસાન કોઈને નહીં થયું હોય. એડવિન ૨૦૨૩ના ફેબ્રુઆરીમાં લોટરીમાં ૨.૦૪ અબજ ડોલર (લગભગ રૂપિયા ૧૬,૬૦૦ કરોડ) જીત્યો હતો. વિશ્વના ઈતિહાસમાં એડવિન લોટરીમાંથી સૌથી મોટી રકમ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. આ રકમમાંથી ટેક્સ કપાયા પછી એડવર્ડના હાથમાં ૯૯.૯૭ કરોડ ડોલર (લગભગ રૂપિયા ૮૫૦૦ કરોડ) આવ્યા હતા.
ગયા વરસે જ એડવર્ડે હોલીવુડ હિલ્સમાં ૨.૬૦ કરોડ ડોલર (લગભગ રૂપિયા ૨૨૦ કરોડ)માં લક્ઝુરીયલ મહેલ ખરીદેલો. અત્યારે આ મહેલની કિંમત ૩.૮૦ કરોડ ડોલર (લગભગ રૂપિયા ૩૦૦ કરોડ) હતી. લોસ એન્જલસની આગમાં આ મહેલ આખો બળી જતાં એડવર્ડના ૩૦૦ કરોડ રૂપિયા રાખ થઈ ગયા છે.
જો કે એડવર્ડને બહુ અફસોસ નથી. એડવર્ડે બીજાં ઘણાં મકાનો ખરીદેલાં ને એ બધાં સલામત છે. એડવર્ડ કહે છે કે, નસીબમાં હતું એટલે લોટરી લાગી ને નસીબમાં નહોતું એટલે મકાન રાખ થઈ ગયું.
એઆઈ ગર્લફ્રેન્ડ આરીયા જોઈએ છે ? કિંમત માત્ર દોઢ કરોડ રૂપિયા
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો પ્રભાવ લોકોની જીંદગી પર કેવો પડી રહ્યો છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અમેરિકામાં જોવા મળ્યું છે. અમેરિકામાં હર નામની ટેક કંપનીએ એઆઈ ગર્લફ્રેન્ડ બનાવી છે. આરીયા નામની આ રોબોટ રીયલબોટિક્સ દ્વારા બનાવાઈ છે, લાસ વેગાસના ૨૦૨૫ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ શોમાં આરીયાને પહેલી વાર લોકો સામે મૂકાઈ અને મોટા ભાગનાં લોકો તેને છોકરી માનીને વર્તતાં હતાં.
આરીયામાં કોઈ પણ છોકરીમાં હોય એવી તમામ લાગણીઓ, હાવભાવ અને સંવેદના છે. પ્રેમિકાની જેમ આરીયા તમારી સાથે મીઠી વાતો કરી શકે છે, પ્રેમાલાપ કરી શકે છે અને તમારી લાગણીઓની કાળજી પણ લઈ શકે છે. કંપની હવે આરીયાનું મેલ વર્ઝન પણ બજારમાં મૂકવાના છે કે જે બોયફ્રેન્ડ તરીકે વર્તી શકે.
જો કે આ ગર્લફ્રેન્ડ થોડી મોંઘી છે. કંપનીએ અત્યારે તેની કિંમત ૧.૭૫ લાખ ડોલર એટલે કે લગભગ દોઢ કરોડ રૂપિયા રાખી છે. ભવિષ્યમાં આરીયા ગર્લફ્રેન્ડ સસ્તી થઈ શકે છે.
210 કરોડનું લાઈટ બિલ જોઈને લલિતાને ભર શિયાળે પરસેવો
તમારું લાઈટ બિલ ૨૧૦ કરોડ રૂપિયા આવે તો શું હાલત થાય ? તબિયત બગડી જ જાય. હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના બેહદવિન જત્તન નામના નાના ગામમાં રહેતાં લલિતા ધિમન નામનાં બિઝનેસવુમનની આવી જ હાલત થઈ ગઈ. લલિતા પોતાના દીકરા આશિષ સાથે મળીને કોન્ક્રીટ બ્રિક બનાવવાની નાની ફેક્ટરી ચલાવે છે. થોડા દિવસ પહેલાં ઈલેક્ટ્રિસિટી બોર્ડનો કર્મચારી બિલ આપવા આવ્યો ત્યારે ૨૧૦ કરોડનું બિલ જોઈને લલિતા ભર શિયાળામાં પરસેવો વળી ગયો હતો. માત્ર ૮૩૬ યુનિટ વીજળી બાળી તેમાં તો કરોડોનું બિલ કઈ રીતે આવી ગયું એ સવાલ બોર્ડના કર્મચારીને કર્યો પણ તેની પાસે કોઈ જવાબ નહોતો. લલિતાએ બોર્ડમાં અરજી કરી પછી તેનું બિલ સુધારીને ૪૦૪૭ રૂપિયા કરી અપાયું. બોર્ડના અધિકારીએ ટેકનિકલ એરર ગણાવીને માફી પણ માગી પણ સોશિયલ મીડિયા પર બિલ ફરતું થઈ જતાં લોકો મજા લઈ રહ્યાં છે.
ચીનની જેંગે દીકરીને સ્કૂલે મોકવા કુરીયર કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો
મોટા ભાગનાં માતા-પિતા બાળકોને સ્કૂલની બસમાં કે વાનમાં મોકલતાં હોય છે. ઘણાં માતા-પિતા સુરક્ષાનાં કારણોસર બાળકોને પોતે જ સ્કૂલે મૂકવા જાય છે પણ ચીનના ગુઆંગ્શી પ્રાંતની જેંગ નામની યુવતીએ અપનાવેલો રસ્તો સાંભળીને દંગ થઈ જશો. જેંગે કુરીયર મોકલતી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી દીધો છે. કંપનીનો ડીલીવરી રાઈડર રોજ સવારે આવીને જેંગની દીકરીને લઈ જાય છે અને સ્કૂલમાં તેના ક્લાસમાં ટીચરને સોંપીને પછી નિકળે છે. સ્કૂલ છૂટે ત્યારે પણ ડીલિવરી રાઈડર છોકરીને ટીચર પાસેથી જ લે છે અને ઘરે મૂકી જાય છે.
જેંગનું કહેવું છે કે, વાન કે બસમાં વધારે બાળકો હોય છે તેથી ઘણી વાર બધાનું ધ્યાન રખાતું નથી ને દુર્ઘટનાઓ બને છે. કંપનીએ પોતાને સૌથી ભરોસાપાત્ર ડીલીવરી રાઈડર આપ્યો છે તેથી પોતે નચિંત છે. કામ પરથી મોડી રાત્રે આવીને થાકી જવાય છે તેથી કડકતી ઠંડીમાં બહાર નિકળવાની કડાકૂટ પણ કરવી નથી પડતી.
કોરીયામાં કીમ-ઉન-જોગના ફોટાને નુકસાન થાય તો ફાંસી
ઉત્તર કોરીયામાં સરમુખત્યાર કીમ ઉન-જોંગના આતંકની વાતો આપણે સતત સાંભળીએ જ છીએ. કોરીયામાં કીમને તુક્કો સૂઝે એ કાયદો છે ને તેનો એક કિસ્સો ઉત્તર કોરીયાથી ભાગીને આવેલી એક યુવતીએ સંભળાવ્યો છે. અમેરિકાના જાણીતા પોડકાસ્ટર જો રોગન સાથેના પોડકાસ્ટમાં યુવતી કહે છે કે, ઉત્તર કોરીયામાં દરેક ઘરમાં કીમ ઉન-જોંગનો ફોટો લગાવવો ફરજિયાત છે.
આ ફોટોને કોઈ નુકસાન ના થવું જોઈએ કે દાગ સુદ્ધાં ના પડવો જોઈએ. ઘરમાં આગ લાગે તો પણ બધું પડતું મૂકીને પહેલાં કીમનો ફોટો બચાવવો પડે. અધિકારીઓ દર અઠવાડિયે આવીને દરેક ઘરમાં કીમનો ફોટો સારી રીતે સચવાયેલો છે તેની ચકાસણી કરી જાય છે. ઘણી વાર તો અધિકારીઓ અડધી રાતે ફોટા પર ધૂળ તો નથી લાગીને એ તપાસવા ઘરમાં ઘૂસી જાય છે. ફોટો ચકાસવાના બહાને એ લોકો બહેન-દીકરીઓ સાથે શું શું કરે છે તેની વાતો સાંભળો તો આઘાત લાગી જાય. કોઈ વ્યક્તિના ઘરમાં કીમના ફોટોને નુકસાન થાય તો ફાંસીની સજા થાય કે પછી ત્રણ પેઢી સુધી જેલમાં રહેવું પડે.
રીયલ લાઈફનો વિકી ડોનર 100મા સંતાનનો પિતા બનશે
વિકી ડોનર ફિલ્મનો હીરો પોતાના વીર્યનું દાન કરીને નિઃસંતાન દંપતિઓને મદદ કરે છે. કેલિફોર્નિયાનો કાયલી ગોર્ડી રીયલ લાઈફનો વિકી ડોનર છે પણ ફિલ્મી વિકી ડોનર અને અસલી વિકી ડોનરમાં ફરક એ છે કે, કાયલી ગોર્ડી પૈસાના બદલામાં આ કામ નથી કરતો પણ દંપતીએઓને મદદ કરવા માટે વીર્યદાન કરે છે. વિકી 'બી પ્રેગનન્ટ નાઉ' વેબસાઈટ ચલાવે છે અને તેના પર જેની પણ વિનંતી આવે તેમને પોતાનું સ્પર્મ મોકલી આપે છે. કાયલી હમણાં ચર્ચામાં છે કેમ કે બહુ જલદી વિકી ૧૦૦મા સંતાનનો પિતા બનવાનો છે. ૩૨ વર્ષના વિકીના સ્પર્મ એટલે કે વીર્યદાનથી અત્યાર સુધીમાં ૮૭ બાળકો પેદા થયાં છે. હાલમાં સ્વીડન, નોર્વે, યુકે અને સ્કોટલેન્ડમાં ૧૪ મહિલાઓ પ્રેગનન્ટ છે તેથી ૨૦૨૫ના જાન્યુઆરીમાં કાયલી સંતાનોની સદી પૂરી કરશે. કાયલી કેલિફોર્નિયામાં રહે છે પણ તેના સંતાનો દુનિયાના અલગ અલગ દેશોમાં રહે છે.