બજારની વાત .

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


યુરોપમાં પેવમેન્ટ ખોદી નાંખવાની ડીપેવિંગ ઝુંબેશ

યુરોપના દેશોમાં હમણાં ડીપેવિંગ નામની ઝુંબેશ શરૂ થઈ છે કે જેમાં લોકો પોતે જ રસ્તાની બાજુમાં લગાવેલા પેવમેન્ટને દૂર કરી દે છે. કોન્ક્રીટ કે આસ્ફાલ્ટનું લેયર દૂર કરીને જમીનને ખુલ્લી કરવાની અને પછી ત્યાં માટી, ઘાસ કે છોડ લગાવવાની ઝુંબેશ ફ્રાન્સ, બેલ્જિયમ, સ્વિત્ઝરલેન્ડ, યુકે સહિતના દેશોમાં જોરદાર ચાલી છે. પેવમેન્ટના કારણે વરસાદ પડે ત્યારે પાણીને જમીનમાં ઉતરવાની જગા જ નથી મળતી અને ગરમી પણ વધારે થાય છે તેથી લોકો આ રસ્તો અપનાવી રહ્યા છે. 

વિકસિત દેશોમાં પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ વધી રહી છે તેનું આ પરિણામ છે.ડીપેવિંગ ઝુંબેશ છેક ૨૦૦૮માં શરૂ થયેલી પણ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિકરાળ નહોતી લાગતી. હવે ગ્લોબલ વોર્મિંગના કારણે પડી રહેલી તકલીફોના કારણે જમીનને બંધ કરી દેવાનાં પરિણામ દેખાઈ રહ્યાં છે તેથી લોકો ડીપેવિંગ તરફ વળ્યા છે.

બજારની વાત                          . 2 - image

બાસેલ જાઓ તો એક મિનિટમાં ત્રણ દેશોની ટ્રીપ 

સ્વિત્ઝરલેન્ડના બાસેલ શહેરમાં જનારાને બાય વન ગેટ ટુનો લાભ મળે છે. મતલબ કે, સિંગ ટ્રીપમાં ત્રણ દેશની ટ્રીપ થઈ જાય છે. સ્વિત્ઝરલેન્ડ, ફ્રાન્સ અને જર્મની બોર્ડર પર આવેલું બાસેલ દુનિયાનું એવું અનોખું શહેર છે કે જે ત્રણ દેશોના ત્રિભેટે છે તેથી માત્ર એક મિનિટમાં તો તમે ત્રણ દેશમાં પગ મૂકી શકો છો. 

બાસેલ શહેર ભૌગોલિક રીતે સ્વિત્ઝરલેન્ડમાં છે પણ તેનાં પરાં (સબર્બ) ફ્રાન્સ અને જર્મની સુધી વિસ્તર્યાં છે તેથી બાસેલમાં રહેનારા મોટા ભાગનાં લોકો રોજ જ ત્રણ દેશોની ટ્રીપ કરે છે. દુનિયામાં બીજું કોઈ આવું અનોખું સ્થળ નથી તેથી જવાય તો એક વાર બાસેલ જવું જોઈએ પણ બાસેલ બહુ મોંઘું છે એ ધ્યાનમાં રાખીને ટ્રીપ પ્લાન કરવી. સ્વિટ્ઝર્લેન્ડની સાંસ્કૃતિક રાજધાની મનાતા બાસેલમાં ઘણાં જાણીતાં સંગ્રહાલયો છે. પોણા બે લાખની વસતી ધરાવતું બાસેલ રાઈન નદીના કિનારે વસેલું છે.

બજારની વાત                          . 3 - image

ચાઈનીઝ બોસની અંધશ્રધ્ધા, ડોગ સાઈન હોય તો નોકરી નહીં

આપણે ભારતમાં લોકો અંધશ્રધ્ધામાં બહુ માને છે એવું માનીએ છીએ પણ કાગડા બધે કાળા છે. ચીનમાં ભારત કરતાં પણ વધારે અંધશ્રધ્ધા છે અને તેનો નમૂનો હમણાં ક્લાર્કની ભરતીમાં જોવા મળ્યો. ચીનના ગુઆનડોંગ પ્રાંતમાં સેનક્સિંગ ટ્રાન્સપોર્ટેશન નામની કંપનીએ ૩૫ હજાર રૂપિયાની આસપાસના પગારવાળી નોકરીની  જાહેરખબરમાં ડોગ (શ્વાન)ના વરસમાં જન્મેલાં લોકોને અરજી નહીં કરવા કહેવાયું છે. 

ચીનના જ્યોતિષશાસ્ત્રમાં અલગ અલગ પ્રાણીઓ સાથે સંકળાયેલાં વરસો પ્રમાણે ભવિષ્ય ગણાય છે. ડ્રેગનથી માંડીને ડોગ સુધીની પ્રાણીઓ આધારિત આ રાશિઓ પૈકી કેટલીક રાશિઓને એકબીજા સાથે ફાવે જ નહીં એવી માન્યતા છે. તેમાં એક માન્યતા એવી છે કે, ડ્રેગનના વર્ષમાં જન્મેલી વ્યક્તિ ડોગના વરસમાં જન્મેલી વ્યક્તિ સાથ કામ કરે તો નુકસાન જ થાય. સેનક્સિંગ ટ્રાન્સપોર્ટેશનના માલિક ડ્રેગનના વરસમાં જન્મેલા છે તેથી તેમને પોતાને નુકસાન કરે એવા લોકો કર્મચારી તરીકે પણ નથી જોઈતા.

બજારની વાત                          . 4 - image

મર્સીડીઝ-બેન્ઝ નામ કેવી રીતે પડયું ?

મર્સીડીઝ-બેન્ઝ નામ બધાંએ સાંભળ્યું હશે. લક્ઝુરીયસ કાર બ્રાન્ડ તરીકે મર્સીડીઝ-બેન્ઝનું નામ બધાંને ખબર છે પણ આ નામ કઈ રીતે પડયું તેની બહુ લોકોને ખબર નથી. હમણાં મર્સીડીઝ-બેન્ઝના સીઈઓ સ્ટેન ઓલા કાલ્લેનીયસની અમેરિકન બિઝનેસમેન ડેવિડ રૂબેનસ્ટેઈન સાથેની ક્લીપ વાયરલ થઈ છે કે જેમાં મર્સીડીઝ-બેન્ઝ નામ કઈ રીતે પડયું તેની વાત કરી છે. 

સ્ટેનના કહેવા પ્રમાણે, કંપનીની સ્થાપના ૧૮૮૬માં ગોટ્ટલિયે ડેમલરે કરી ત્યારે કંપનીનું નામ ડેમલર રખાયેલું. ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિએ એમિલ જેલિનેકે ડેમલર અને મેબેકને રેસિંગ કાર બનાવવાનું કામ સોંપેલું. પાવરફુલ એન્જીન સાથેની કાર બનાવાઈ. આ કાર રેસમાં જીતી તેથી તેનો વટ પડી ગયો એટલે ડેમલરે આમ કારની કોપી કરવાની મંજૂરી માગી.  જેલિનિકે નામ પોતાની દીકરી મર્સીડીઝ પરથી રાખવાની શરત મૂકી. આ રીતે ડેમલરે કંપનીનું નામ જ મર્સીડીઝ કરી નાંખ્યું.

બજારની વાત                          . 5 - image

હાડપિંજરોની ઉપર બેસીને જમાડતી રેસ્ટોરન્ટ

તમારે હાડપિંજરોની ઉપર બેસીને જમવાનું આવે તો જમી શકાય ખરું ? રોમમાં આવેલી મેકડોનાલ્ડ્સની રેસ્ટોરન્ટ દુનિયાની એક માત્ર એવી રેસ્ટોરન્ટ છે કે જે હાડપિંજરોથી પથરાયેલા રસ્તા પર બનેલી છે. આ રસ્તાની ઉપર સ્ટ્રક્ટર બનાવીને કાચ લગાવાયા છે કે જેથી તમે કાચ પરથી પસાર થાઓ કે જમવા માટે બેસો ત્યારે પણ નીચે પથરાયેલાં હાડપિંજર અને મડદાં દેખાતાં હોય છે.  

આ રેસ્ટોરન્ટને હમણાં દુનિયાની સૌથી ડરામણી રેસ્ટોરન્ટ જાહેર કરવામાં આવી છે. લોકો તેના વિશે સાંભળીને ત્યાં બર્ગર ખાવા માટે દોડયા આવે છે પણ રેસ્ટોરન્ટમાં બેસતા જ તેમની હવા નિકળી જાય છે. નીચે દેખાઈ રહેલાં હાડપિંજરોને જોઈને ખાવાનું ગળે ઉતરતું જ નથી. 

આ હાડપિંજરથી બનેલો રસ્તો બે હજાર વર્ષ જૂનો હોવાનું મનાય છે. ૧૯૯૦ના દાયકામાં ખોદકામ દરમિયાન આ સાઈટ મળી પછી કામ અધૂરું છોડીને તેને આ રીતે જ રાખવામાં આવ્યો છે.

બજારની વાત                          . 6 - image

ચીનમાં વાતો કરીને સૂવાડતા સ્લીપમેકર્સની ડીમાન્ડ

ચીના નાણાં કમાવવા જાત જાતના રસ્તા શોધી કાઢે છે ને તેમાં એક નવો રસ્તો સ્લીપમેકર્સનો છે. આ સ્લીપમેકર્સ જેમને ઉંઘ ના આવતી હોય એવાં લોકો સાથે માનસિક રીતે રાહત મળે એવી વાતો કરીને ઉંઘાડવાનું કામ કરે છે. સામાન્ય રીતે એક કલાકની વાતચીત પછી સ્લીપમેકર્સ કોઈ પણ વ્યક્તિને સૂવાડી દેતા હોય છે અને તેના માટે ૨૫૦ યુઆન એટલે કે લગભગ ૩૦૦૦ રૂપિયા ચાર્જ કરે છે. આ રકમ બહુ મોટી છે છતાં સ્લીપમેકર્સની ડીમાન્ડ એટલી બધી છે કે, મોટા ભાગનાં સ્લીપમેકર્સે દિવસના ૧૨ કલાક કામ કરવું પડે છે. ઘણા ધનિકો તો કાયમ માટે સ્લીપમેકર્સ રાખે છે. પાર્ટીમાં જવાનાં શોખીન કપલ્સ પણ સંતાનોને સૂવાડવા માટે સ્લીપમેકર્સને ભાડે રાખે છે તેથી આ ધંધો પૂરબહારમાં ચાલી રહ્યો છે.


Google NewsGoogle News