Get The App

બજારની વાત .

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


ગુડગાંવ કરતાં ન્યુ યોર્કમાં પ્રોપર્ટીના ભાવ ઓછા !

ભારતમાં રીયલ એસ્ટેટના ભાવોને 'સ્કેમ' ગણાવતી એક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. આ પોસ્ટમાં ભારતના ગુડગાંવ અને અમેરિકાના ન્યુ યોર્કમાં એપાર્ટમેન્ટના વેચાણની ભાવ સાથેની જાહેરખબર મૂકીને રીયલ એસ્ટેટના ભાવોની સરખામણી કરાઈ છે. 

આ પોસ્ટ પ્રમાણે, તમારી પાસે ૩૦ લાખ ડોલર એટલે કે લગભગ ૨૫ કરોડ રૂપિયા હોય તો તમે ગુડગાંવની પ્રતિષ્ઠિત રેસિડેન્શિયલ સોસાયટીમાં ૪ બીએચકે કે ૫ બીએચકે એપાર્ટમેન્ટ ખરીદી શકો જ્યારે ન્યુ યોર્કમાં સૌથી મોંઘા વિસ્તારમાં ૬ રૂમનું પેન્ટહાઉસ ખરીદી શકો કે જ્યાંથી તમને આખું ન્યુ યોર્ક દેખાય. 

આ વિગતો મૂક્યા પછી સવાલ કરાય છે કે, તમે ક્યું એપાર્ટમેન્ટ ખરીદવાનું પસંદ કરો ? 

ભારતમાં શહેરોમાં પ્રોપર્ટીના ભાવો બેફામ છે તેમાં શંકા નથી. આ કારણે મોટા ભાગનાં લોકો ભારતમાં રીયલ એસ્ટેટના નામે સ્કેમ ચાલે છે એ વાત સાથે સહમત છે. 

બજારની વાત                          . 2 - image

હોસ્પિટલમાં છોકરીઓ બદલાઈ ગઈ ને.............

બોલીવુડની ફિલ્મોમાં બને એવી ઘટનામાં વિયેતનામમાં હોસ્પિટલમાં બદલાયેલી છોકરીઓ ૨૦ વર્ષ પછી મૂળ માતા-પિતાને મળી શકી છે. આ કિસ્સામાં લાન નામની છોકરી કિશોરાવસ્થામાં પ્રવેશી ત્યારે અત્યંત રૂપાળી દેખાવા લાગતાં તેના પિતાને શંકા જાગતાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો પણ લાન સાથે તેના ડીએનએ મેચ ના થતાં પત્ની હોંગે પોતાની સાથે બેવફાઈ કરી હોવાનું લાગવા માંડયું. તેના કારણે ઝગડો થતાં હોંગ દીકરી સાથે પતિને છોડીને જતી રહી. આ ગમ ભૂલાવવા લાનના પિતા દારૂના રવાડે ચડી જતાં આખો પરિવાર બરબાદ થઈ ગયો. 

દરમિયાનમાં લાનની સ્કૂલની પાર્ટીમાં એક સ્ત્રી બિલકુલ લાન જેવી દેખાતી હતી. હોંગે તેનો સંપર્ક કરતાં ખબર પડી કે તેની દીકરીની બર્થ ડે અને લાનની બર્થ ડે એક જ છે. બંને એક જ હોસ્પિટલમાં જન્મ્યાં હતાં. હોંગે આપવિતી જણાવતાં સ્ત્રી ડીએનએ ટેસ્ટ માટે તૈયાર થઈ તેમાં ખબર પડી કે, હોંગની અસલી દીકરી તો લાન નહીં પણ બીજી છોકરી છે.

બજારની વાત                          . 3 - image

જાપાની યુવકે વોકલેઈડ સાથે લગ્નનાં છ વર્ષ પૂરાં કર્યાં

જાપાનમાં છોકરીઓની અછતના કારણે યુવકો એકલતા દૂર કરવા જાત જાતના રસ્તા અજમાવે છે. આવો જ રસ્તો અજમાવીને અકિહિતો કોન્ડો નામના ૩૫ વર્ષના યુવકે ૨૦૧૮માં હાત્સુને મિકુ નામની કાલ્પનિક વોકલેઈડ સાથે લગ્ન કરેલાં. હમણાં કોન્ડોએ પોતાનાં લગ્નનાં છ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી કરી ત્યારે અપરણિત યુવકોને સલાહ આપી છે કે, છોકરીઓની રાહ જોવામાં સમય ના બગાડતા. વોકલેઈડ એક સોફ્ટવેર છે કે જેના પર કાલ્પનિક પાત્રો મીઠા અવાજમાં પ્રેમની વાતો કરે છે. 

કોન્ડો સ્કૂલમાં ભણતો હતો ત્યારે પહેલી વાર પ્રેમમાં પડેલો પણ છોકરીએ તેની પ્રપોઝલ નકારી કાઢી હતી. કોન્ડોએ કુલ ૭ છોકરીઓને પ્રપોઝ કરેલું પણ કોઈ તેની પ્રેમિકા બનવા તૈયાર નહોતી. તેના કારણે કોન્ડો માનસિક હતાશાનો શિકાર પણ બની ગયેલો. ૨૦૦૭માં મિકુ કેરેક્ટર લોંચ કરાયું ત્યારે કોન્ડોને તેનો અવાજ ગમી ગયેલો એટલે દસ વરસ પછી તેણે તેની સાથે જ લગ્ન કરી લીધાં.

બજારની વાત                          . 4 - image

પાળેલી બકરીએ ૧૧ વર્ષની છોકરીને લખપતિ બનાવી દીધી

અમેરિકાના કેલિફોર્નિયામાં ૧૧ વર્ષની છોકરીએ પાળેલી બકરી સીડરને સત્તાવાળા લઈ ગયેલા અને પરિવારની નામરજી છતાં કતલખાનામાં મોકલીને તેને પતાવી દીધી હતી. છોકરીના પરિવારે શાસ્તા કાઉન્ટીના શેરીફ સામે કેસ ઠોકી દેતાં કોર્ટે શેરીફની ઓફિસને છોકરીને ૩ લાખ ડોલર (લગભગ અઢી કરોડ રૂપિયા) આપવા આદેશ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, શેરીફની ઓફિસે બકરી માત્ર ૯૦૨ ડોલરમાં વેચી હતી. 

શેરીફની ઓફિસે પોતે કશું ખોટું કર્યું નથી એવો દાવો કરીને કેસમાં ભારે રોડાં નાખ્યાં હતાં પણ છોકરીની મા જેસિકા લોંગ અને તેમની વકીલ વાનેસા શકીબે મચક ન આપી. બે વર્ષ સુધી તેમણે લડત ચલાવતાં છેવટે કોર્ટ બહાર સમાધાન કરવું પડયું. આ સમાધાનની શરતો પ્રમાણે, શેરીફની ઓફિસ છોકરીના ખાતામાં અત્યારે ૩ લાખ ડોલર જમા કરાવશે. છોકરી પુખ્ત વયની થાય એટલે તેને વ્યાજ સાથે રકમ મળી જશે. 

અમેરિકામાં એક યુવતીએ પોતાના ફિયાન્સે સાથેની સગાઈ એ કારણસર તોડી નાંખી કે, તેના ફિયાન્સેએ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન નહોતું કર્યું. 

ઉત્તરાખંડનાં ૩ ગામમાં ઓનલાઈન શોપિંગ શક્ય નથી

ઉત્તર પ્રદેશમાંથી અલગ રાજ્ય ઉત્તરાખંડ તો બનાવી દેવાયું પણ ૨૪ વર્ષ પછી પણ ઉત્તરાખંડના હરિદ્વારનાં ત્રણ ગામોના પિન કોડ ના બદલાતાં લોકો પરેશાન છે. લાલઢાંગ, ગેંડીખાતા અને મીઠીબેરી ઉત્તરાખંડની રચના પહેલાં ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં હતાં. વિભાજન પછી આ ગામો ઉત્તરાખંડમાં ગયાં પણ તેમના પિન કોડ બિજનૌર પોસ્ટ ઓફિસના જ રહ્યા. તેના કારણે ૨૪ વર્ષ પછી પણ ગામનાં લોકોને સમયસર ટપાલ નથી મળતી ને ઓનલાઈન શોપિંગ તો કરી જ શકાતું નથી. 

ટપાલ બિજનૌર જિલ્લાના નજીબીબાદ થઈને આવે છે તેથી મોડી મળે છે ને કોઈ મહત્વનો કાગળ પોસ્ટમાં અટવાય તો બિજનૌરના આંટાફેરા કરવા પડે છે. પોસ્ટ ઓફિસના સ્ટાફે પણ ટપાલ લેવા બિજનૌર જવું પડે છે. ગ્રામવાસીઓએ વારંવાર રજૂઆતો કરી અને નેતાઓએ વચનો આપ્યાં હોવા છતાં આ સમસ્યાનો કોઈ અંત જ નથી આવતો.

ટોપની મોડલ બધું છોડીને જંગલમાં રહેવા જતી રહી

એક જમાનામાં અમેરિકામાં જાણીતી મોડલ રહી ચૂકેલી લૌરા લા રૂ હમણાં ચર્ચામાં છે. ૧૬ વર્ષની ઉંમરે સ્કૂલ છોડીને ગ્લેમરની દુનિયામાં આવેલી લૌરાને નાની ઉંમરે જ જબરદસ્ત સફળતા મળી ગઈ હતી. હોલીવુડના સુપરસ્ટાર લિયોનાર્ડો દ કેપ્રિયોની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી લૌરા દસેક વર્ષની કારકિર્દી પછી ગ્લેમર વર્લ્ડથી કંટાળી એટલે સાન્ટો પાઉલોમાં પોતાની માતાના ફાર્મમાં રહેવા જતી રહેલી. એ દરમિયાન ફાર્મમાં કામ કરનારા યુવક સાથે તેને પ્રેમ થઈ ગયો. બંને સાથે ફરવા માંડયાં ને બહુ જલસા કર્યા. 

આ સંબંધના કારણે લૌરા પ્રેગનન્ટ થઈ ગઈ એટલે તેને લાગ્યું કે, પોતાના સંતાનને આવી રખડપટ્ટીની જીંદગી નહીં આપી શકાય તેથી લૌરાએ ફાર્મની પાસે એક જૂની સ્કૂલ બસમાં પોતાનું ઘર વસાવ્યું. લૌરા અત્યારે દીકરી સાથે આ જ ઘરમાં રહે છે, ખેતરોમાં ફરે છે ને કુદરતની મજા માણે છે. ૩૨ વર્ષની લૌરાને મોડેલિંગમાં પાછા ફરવાની બહુ ઓફરો આવે છે પણ લૌરાને ગ્લેમરમાં રસ જ નથી.


Google NewsGoogle News