બજારની વાત .

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


ચીને નકલી ધોધ બતાવી સૌને ઉલ્લુ બનાવ્યા

ચીનનો યુન્તાઈ ધોધ દુનિયાભરના ટુરિસ્ટને આકર્ષે છે. ઉંચેથી પડતા પાણીનો ધોધ જોઈને લોકો દંગ થઈ જાય છે પણ હમણાં ફરતા થયેલા વીડિયોએ આ ધોધ કુદરતી હોવા વિશે શંકા પેદા કરી દીધી છે. વીડિયોમાં બતાવાયું છે કે, ધોધનું પાણી વાસ્તવમાં તો પાઈપ દ્વારા આવે છે. વીડિયોમાં ધોધમાં છેક ઉપર મોટી પાઈપ હોવાનું બતાવાયું છે. પાઈપ એ રીતે ગોઠવી દેવાઈ છે કે, ધોધના પાણીમાં દેખાય જ નહીં. 

આ વીડિયો વાયરલ થયા પછી અધિકારીઓએ કબૂલ્યું કે, ઉનાળામાં ધોધમાં પાણી ઓછું થઈ જાય ત્યારે પાઈપ દ્વારા પાણી આપીને ધોધને જીવંત રખાય છે. તેમનો દાવો છે કે, બે મહિના જેટલો સમય જ એવું કરવું પડે છે. બાકી તો ધોધમાં કુદરતી રીતે જ પાણી પડે જ છે. 

જો કે લોકો આ વાત સ્વીકારવા તૈયાર નથી. તેમના મતે, ચીનમાં બધું નકલી હોય છે પણ ધોધ પણ નકલી છે એ વાત જ આઘાતજનક છે. 

બજારની વાત                          . 2 - image

કેટીએ પતિના મોત પાછળ પાર્ટી રાખી !

સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે પરિવાર શોક મનાવે છે પણ કેટી યંગે પોતાના પતિના મૃત્યુ પછી જબરદસ્ત જલસો રાખીને ઉજવણી કરી. કેટીનો પતિ બ્રેન્ડન મોજીલો માણસ હતો પણ માત્ર ૩૯ વર્ષની ઉંમરે જ ગુજરી ગયો. બ્રેન્ડનને સ્ટ્રોક આવ્યો હતો અને તેના કારણે તેની તબિયત લથડી પછી એ સાજો જ ના થયો. 

બ્રેન્ડનના મોતના કારણે તેમનાં સંતાનો. મિત્રો અને પરિવારજનો પણ આઘાતમાં હતાં. કેટીએ સંતાનોને આઘાતમાંથી બહાર કાઢવા માટે મ્યુઝિક અને ફૂડ સાથેની પાર્ટી આપીને ફ્યુનરલને ‘FUN'eralમાં ફેરવી નાંખ્યું. 

બ્રેન્ડન સંગીતકાર હતો અને રોજ સાંજે મિત્રોને બોલાવીને મ્યુઝિક સંભળાવીને પાર્ટી કરતો. બ્રેન્ડનને લોકો તેનો મોત પછી પણ એક જિંદાદિલ અને મોજીલા માણસ તરીકે યાદ રાખે એ માટે કેટીએ બ્રેન્ડનની દફનવિધી પછી એ જ સ્ટાઈલમાં પાર્ટી કરીને બ્રેન્ડનને શ્રધ્ધાંજલિ આપી.

બજારની વાત                          . 3 - image

અમેરિકાનો હેનરી ૧૩૦૦ વાર જેલમાં ગયેલો

કોઈ માણસ કેટલી વાર જેલમાં જઈ શકે ? અમેરિકાના કેન્ટુકીના લેજિંગ્ટનનો હેનરી અર્લ ૧૩૦૦ કરતાં વધારે વાર જેલમાં ગયો હતો અને જીંદગીના ૬૦૦૦ દિવસ જેલમાં ગાળ્યા હતા. હમણાં ૭૪ વર્ષના હેનરીનું નિધન થયું ત્યારે એક પોલીસે આપેલી માહિતીના કારણે લોકોને હેનરીની અનોખી 'સિધ્ધી' વિશે ખબર પડી. 

આટલી બધી વાર જેલમાં ગયો હોવાથી હેનરી ખતરનાક ગુનેગાર હશે એવું લાગે પણ વાસ્તવમાં હેનરી મોટા ભાગે શરાબના નશામાં જાહેરમાં તોફાન કરવાના અપરાધમાં જેલમાં ગયેલો. દારૂ પીધા પછી હેનરીને ભાન રહેતું નહીં તેમાં રાડો કરીને અંદર થઈ જતો. 

હેનરી ૧૭ વર્ષનો હતો ત્યારે દત્તક લેનારી માતાનું મોત થતાં પહેલી વાર દારૂ પીને ધમાલ કરી હતી. છેલ્લે હેનરીને ૨૦૧૭માં દારૂ પીને ધમાલ કરવા બદલ જેલમાં ધકેલાયો પછી ખરાબ તબિયતના કારણે હેલ્થ સેન્ટરમાં મોકલી દેવાયેલો અને ત્યાં જ એ ગુજરી ગયો. 

બજારની વાત                          . 4 - image

ધોની વેશ બદલીને પાકિસ્તાન-અમેરિકા મેચ જોવા ગયેલો ?

મહેન્દ્રસિંહ ધોની વેશ બદલીને અમેરિકા વિરૂધ્ધ પાકિસ્તાનની આઈસીસી ટી ૨૦ વર્લ્ડકપની મેચ જોવા ગયેલો ? પાકિસ્તાનના એક ક્રિકેટ ફેને સ્ટેડિયમમાં આરબો જેવાં કપડાં પહેરીને બેઠેલી વ્યક્તિ ધોની હોવાનો દાવો કર્યો છે. સફેદ દાઢી સાથેની આ વ્યક્તિનો ચહેરો અદ્દલ ધોનીને મળતો આવે છે તેથી ધોની મેચમાં હાજર હતો એવું સૌએ માની જ લીધેલું પણ પછી ખબર પડી કે, ધોની તો મેચના દિવસે અમેરિકામાં હતો જ નહીં. 

ધોનીએ પોતાની પત્ની સાક્ષી અને દીકરી ઝીવા સાથે ઈટાલીમાં વેકેશન માણી રહ્યો હોવાની તસવીરો મૂકી છે. ધોની અને સાક્ષી ઈટાલીને પલેર્મોની ગલીઓમાં ફરી રહ્યાં હોય એવી તસવીરો સોશિયલ મીડિયામાં મૂકાઈ હોવાની ખબર પડયા પછી ફેક્ટ ચેક કરાયું. તેમાં ખબર પડી કે, ધોની મેચમાં હાજર હતો એ તસવીર એડિટ કરાયેલી છે. કોઈ આરબ પર ધોનીનો ફેસ ચિપકાવી દેવાયો છે.

બજારની વાત                          . 5 - image

કેનેડાની મહિલા બિન પિયે હી નશાની વિચિત્ર બિમારી

કેનેડાના ટોરંટો રહેતી ૫૦ વર્ષની મહિલાને ચક્કર આવતા અને ક્યારેક ક્યારેક બોલતાં બોલતાં જીભ લથડી જતી હતી. મહિલા ડોક્ટર પાસે ગઈ તો ડોક્ટરે ટેસ્ટ કરાવીને નિદાન કર્યું કે, કોઈ તકલીફ નથી અને વધારે દારૂ પીવાથી આવું થાય છે. તેમના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હતું.  આ વાત સાંભળીને મહિલા ચોંકી ગઈ કેમ કે તેણે વરસોથી દારૂને હાથ પણ નહોતો લગાડયો પણ ડોક્ટર તેની આ વાત માનવા તૈયાર નહોતા. મહિલા બીજા ડોક્ટર પાસે ગઈ તો ત્યાં પણ ટેસ્ટમાં આ જ નિદાન થયું. મહિલાએ સાત ડોક્ટર બદલ્યા પણ બધે આ જ વાત કહેવાતી.  અંતે આઠમા ડોક્ટરે સાચું નિદાન કરીને કહ્યું કે, મહિલાને ઓટો બ્રુઅરી સિન્ડ્રોમ નામનો વિચિત્ર રોગ છે કે જેમાં પેટમાં રહેલી ફંગસ જાતે જ દારૂ બનાવી લે છે અને પછી તેની અસર વર્તાવા માંડે છે. વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ અને સુગર લેવાથી આ રોગ થાય છે અને આ રોગનો કોઈ ઈલાજ નથી તેથી મહિલાએ બિન પિયે હી નશાની સ્થિતીમાં આખી જીંદગી રહેવું પડશે.



Google NewsGoogle News