બજારની વાત .
માલીનો મનસા મૂસા દુનિયાના ઈતિહાસમાં સૌથી ધનિક ?
દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિ મનાતા એલન મસ્કની સંપત્તિ ૪૦૬ અબજ ડોલરને પાર થઈ ગઈ છે. મસ્ક દુનિયામાં ૫૦૦ અબજ ડોલરની સંપત્તિ ધરાવતી પહેલી વ્યક્તિ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર મનસા મૂસાની સ્ટોરી વાયરલ થઈ છે. દાવો કરાઈ રહ્યો છે કે, મનસા મૂસા દુનિયાના ઈતિહાસમાં સૌથી ધનિક વ્યક્તિ છે અને દુનિયામાં ૫૦૦ અબજ ડોલરની સંપત્તિ ધરાવતી વ્યક્તિ મનસા મૂસા હતો.
મનસા આફ્રિકન દેશ માલીનો રાજા હતો. ઈસવીસન ૧૩૧૨થી ૧૩૩૭ એટલે કે ૨૫ વર્ષ સુધી શાસન કરનારા મૂસા મીઠું અને સોનું વેચીને અમીર બન્યો હતો. હાલના દુનિયાના સૌથી ધનિક પાંચ લોકોની કુલ સંપત્તિ કરતાં પણ વધારે સંપત્તિ મૂસા પાસે હતી એવું ફોર્બ્સ મેગેઝિનમાં લખાયેલું. બીબીસી સહિતના ઘણા મીડિયાએ પણ મૂસા વિશ્વનો સર્વકાલિન સૌથી ધનિક વ્યક્તિ હતો એવા દાવા સાથેની સ્ટોરી કરી છે.
અમેરિકામાં ૭૫ કરોડની હોટલ માત્ર ૧૦ ડોલરમાં મળશે.....
અમેરિકાના કોલોરાડો સ્ટેટના ડેનવરમાં એક હોટલ માત્ર ૧૦ ડોલર (લગભગ ૮૮૦ રૂપિયા)માં વેચાણ માટે મૂકાઈ છે. જો કે હોટલની માલિક ડેનવર સિટી કાઉન્સિલે મૂકેલી વિચિત્ર શરતના કારણે બહુ ઓછાં લોકોને તેમાં રસ પડયો છે. શરત એ છે કે, હોટલનું સમારકામ કરીને બેઘર લોકોને તેમાં રાખવાં પડશે. કાઉન્સિલ તેને માટે ભાડું ચૂકવવા પણ તૈયાર છે પણ કોઈ આ મગજમારીમાં પડવા નથી માગતું.
કાઉન્સિલે ૨૦૨૩માં આ હોટલ ૯૦ લાખ ડોલર (લગભગ ૭૫ કરોડ રૂપિયા)માં ખરીદેલી. ડેનવરમાં બેઘર લોકોની સમસ્યા બહુ મોટી છે તેથી બેઘરોને રાખવા માટે હોટલ ખરીદાયેલી પણ સમારકામ માટે જરૂરી રકમ નહીં હોવાથી આ સ્કીમ અધૂરી મૂકવી પડી છે. કાઉન્સિલના કહેવા પ્રમાણે, કેટલાક લોકોએ અરજી કરી છે. આ અરજદારો ગંભીર છે કે નહીં તેની ચકાસણી કર્યા પછી કોને વેચવી તેનો નિર્ણય લેવાશે.
પનીર-દૂધ શાકાહારી નહીં હોવાના દાવાથી કકળાટ
પનીર અને દૂધને આપણે શાકાહારી ખોરાક માનીને જ ખાઈએ છીએ પણ એક ભારતીય ડોક્ટરનો દાવો છે કે, પનીર-દૂધ શાકાહારી ખોરાક ના કહેવાય. ડો. સુનિતા સય્યામાગારુએ ખીર, પનીર, મગની દાળ, સલાડ સહિતની થાળીનો ફોટો સોશિયલ મીડિયા પર મૂકીને તેને શુદ્ધ શાકાહારી ભોજન ગણાવેલું.
ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એથિક્સનાં વર્કિંગ એડિટર ડો. સિલ્વિયા કર્પાગમે તેની સામે કોમેન્ટ કરી છે કે, પનીર અને દૂધ શાકાહારી ના કહેવાય કેમ કે ચિકન, ફિશ, બીફ વગેરેની જેમ પનીર-દૂધ પણ પ્રાણીઓમાંથી મળતા ખોરાક છે. ડો. સિલ્વિયાની પોસ્ટના કારણે સોશિયલ મીડિયા પર યુદ્ધ છેડાઈ ગયું છે.શાકાહારી લોકોએ દલીલ કરી છે કે, દૂધ-પનીર માટે કોઈ પ્રાણીની હત્યા નથી કરાતી એ જોતાં તેમને માંસાહાર ના ગણી શકાય. સામે ડો. સિલ્વિયાએ સવાલ કર્યો છે કે, ઈંડાં માટે મરઘીની હત્યા નથી કરાતી છતાં ઈંડાંને કેમ નોન-વેજ ગણવામાં આવે છે ?
ચીનની છોકરીએ કરોડની જ્વેલરી ૬૮૦ રૂપિયામાં વેચી મારી
ચીનમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં લી નામની છોકરીએ પોતાની માતાની ૧૦ લાખ યુઆન (લગભગ રૂપિયા ૧.૧૬ કરોડ)ની જ્વેલરી માત્ર ૬૦ યુઆન (૬૮૦ રૂપિયા)માં વેચી મારી. લિ લિપ સ્ટડ ખરીદવા માગતી હતી પણ તેની પાસે પૈસા નહોતા તેથી તેની મા વાંગની જ્વેલરીની ચોરી કરીને સ્થાનિક બજારમાં જઈને વેચી મારી. દુકાનદાર એક એરિંગ પેર પર એક ફ્રી આપતો હતો તેથી લીએ એ પણ લઈ લીધી અને વાંગની જ્વેલરી દુકાનદારને આપી દીધા. મજાની વાત એ છે કે, દુકાનદારને પણ લી પાસેથી ખરીદેલી જ્વેલરી કરોડોની હોવાની ખબર નહોતી. લી લિપ સ્ટડ પહેરીને ઘરે પહોંચી ત્યારે વાંગે ક્યાંથી ખરીદી એવો સવાલ કરેલો પણ લી યોગ્ય જવાબ ના આપી શકતાં વાંગને શંકા જતાં તેણે તપાસ કરી તો દીકરીનાં કરતૂતની ખબર પડી. વાંગે તરત પોલીસને જાણ કરતાં પોલીસે દુકાનદારને ત્યાંથી જ્વેલરી જપ્ત કરી તેમાં વાંગને કરોડનો ચૂનો લાગતો રહી ગયો.
આર્જેન્ટિનામાં નદીનું પાણી અચાનક લોહી જેવું લાલ થઈ ગયું
આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સના પરા એવા સારંડી પાસેથી રીયા ડી લા પ્લાટા નામે નદી વહે છે. આ નદીનું પાણી અચાનક લોહી જેવું લાલ થઈ જતાં લોકો ફફડી ગયાં છે. સત્તાવાળાઓએ નદીના પાણીના રંગમાં અચાનક આવેલા ફેરફારની તપાસ કરવા માટે નમૂના લીધા છે પણ નદીના પાણીમાં કોઈએ ઝેર ભેળવી દીધું હોવાની આશંકાના કારણે કોઈ નદીની નજીક પણ જતું નથી. પહેલાં તો મોટા પાયે થયેલી કત્લેઆમના કારણે લોકોનાં લોહીથી પાણી લાલ થયાની અફવા ફેલાઈ હતી. પર્યાવરણવાદીઓનું કહેવું છે કે, બ્યુનોસ આયર્સની આસપાસ આવેલી કેમિકલ ફેક્ટરીઓમાંથી કોઈ કેમિકલ વેસ્ટ નાંખી ગયું તેનું આ પરિણામ છે. આ નદીનું પાણી પહેલાં કેમિકલ વેસ્ટના કારણે પીળા રંગનું થઈ ગયેલું ને તેમાંથી વિચિત્ર ગંધ આવતી હતી. હવે પાણી લાલ થઈ જતાં તેમાંથી ગંધ આવતી બંધ થઈ ગઈ છે એ જોતાં કેમિકલ પ્રોસેસ થઈ છે એ સ્પષ્ટ છે.
બરમુંડા ટ્રાયેંગલમાં 50 જહાજ, 20 પ્લેન ગાયબ
એટલાન્ટિક મહાસાગરમાં આવેલો બરમુંડા ટ્રાયેંગલ વિશ્વમાં સૌથી ખતરનાક સ્થળ મનાય છે. અમેરિકાના ફ્લોરિડાથી શરૂ કરીને પ્યુર્ટો રિકો દેશ અને ઉપરની તરફ બરમુંડા દેશના કારણે બનતા ત્રિકોણના આ વિસ્તારમાં છેલ્લાં ૫૦ વર્ષમાં જ ૫૦ મોટાં જહાજ અને ૨૦ જેટલાં વિમાન ગાયબ થઈ ચૂક્યાં છે. અમેરિકા ખંડ શોધનારા ક્રિસ્ટોફર કોલંબસે પોતાના પુસ્તકમાં બરમુંડા ટ્રાયેંગલનો ઉલ્લેખ કર્યો છે. કોલંબસ આ વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે મેગ્નેટિક કંપાસની દિશા બદલાઈ ગઈ હતી ને જહાજ હાલકડોલક થવા લાગેલું.
બરમુંડા ટ્રાયેંગલ પાસે મહાસાગરમાં જ્વાળામુખીઓ છે કે જે ગમે ત્યારે ફાટે છે. તેના કારણે મિથેન સહિતના ગેસ નિકળે છે. મિથેન પાણીમાં ભળે એટલે પાણીની ઘનતા ઘટે તેથી જહાજો ડૂબી જાય છે. એ જ રીતે મહાસાગરમાંથી પેદા થતાં વાવાઝોડાંના કારણે ઉપરથી ઉડતાં પ્લેનને કંઈ દેખાતું નથી તેથી પહાડો સાથે ટકરાઈને તૂટી જાય છે ને પાણીમાં ગાયબ થઈ જાય છે.