બજારની વાત .

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


જાપાનની ૩૭ વર્ષની સાકી સૌથી કંજૂસ 

જાપાનની ૩૭ વર્ષની સાકી તમોગામીને સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે દુનિયાની સૌથી કંજૂસ મહિલા ગણાવી છે. અખબારના દાવા પ્રમાણે, સાકી પાસે કરોડોની સંપત્તિ છે પણ રોજના માત્ર ૨૦૦ યેન (લગભગ ૧૨૦ રૂપિયા)માં ગુજરાન ચલાવે છે. સાકી એટલી કંજૂસ છે કે, સીધુ કુકિંગ પેનમાં જ ભોજન કરી લે છે. જમવા માટે વાસણો પણ નથી ખરીદ્યાં. 

સાકી ૧૯ વર્ષની ઉંમરે કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને બહાર આવી પછી એક પ્રોપર્ટી ડીલર સાથે કામ કરવાનું શરૂ કરેલું. તેમાંથી કમાણી થતી તેની સાકી બચત કર્યા કરતી. અત્યારે સાકી પાસે જંગી સંપત્તિ છે પણ બચત કરવાની આદત પડી છે એ છૂટતી નથી તેથી સાકી નાણાં ખર્ચી જ શકતી નથી. છેલ્લાં ૧૫ વર્ષથી સાકીએ નવાં કપડાં કે ફર્નિચર નથી ખરીદ્યું. સગાંનાં ઉતરેલાં કપડાં પહેરે છે અને વાળ લાંબા થાય ત્યારે કાપીને વેચીને કમાણી કરે છે.

93 વર્ષના દાદાને લગ્ન ભારે પડી ગયા

ચીનના શાંગહાઈમાં રહેતા ટાન નામના ૯૩ વર્ષના વૃદ્ધને લગ્ન ભારે પડી ગયા છે. લગ્ન પછી તેમણે પોતાની સાથે કામ કરતા ગ્યુ નામના સાથીના પરિવારને આપેલો ફ્લેટ પાછો માંગ્યો પણ કોર્ટે ફ્લેટ આપવાનો ઈન્કાર કરી દીધો. 

ટાન અને ગ્યુના પરિવારો વચ્ચે ૨૦ વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૫માં કરાર થયેલા. આ કરાર પ્રમાણે, ગ્યુનો પરિવાર ટાનની સારસંભાળ રાખે તેના બદલામાં ટાને પોતાનો ફ્લેટ લખી આપેલો. કરારની શરતો પ્રમાણે, ગ્યુના પરિવારે ટાનને નિયમિત ફોન કરવાના હતા, દર અઠવાડિયે એક દિવસ સાથે ગાળવાનો હતો, કરિયાણું અને કપડાં ખરીદી આપવાનાં હતાં ને ટાન બિમાર પડે ત્યારે તેની સંભાળ પણ રાખવાની હતી. ગ્યુના પરિવારે આ બધી શરતો પાળી છે તેથી કોર્ટે ફ્લેટ તેમને આપી દીધો. 

ટાનને ત્યારે ખબર નહોતી કે ભવિષ્યમાં તેને જીવનસાથી મળી જશે તેથી તેણે આ કરાર કરી નાંખ્યો. હવે લગ્ન થતાં ટાનને પોતે કરેલા કરાર બદલ પસ્તાવો થાય છે.

બજારની વાત                          . 2 - image

રશેલે જાતે બનાવેલા જ્યુસથી ૩૮ કિલો વજન ઘટાડયું

મોટા ભાગનાં લોકોની ફરિયાદ હોય છે કે, વજન વધી જાય પછી તેને ઘટાડી શકાતું નથી પણ ડોરસેટની ૪૪ વર્ષની રશેલે છ મહિનામાં ૩૬ કિલો વજન ઘટાડીને સાબિત કર્યું કે, મન મક્કમ હોય તો વજન પણ ઘટાડી શકાય છે. 

રશેલ પ્રેગનન્સી વખતે બહુ બિમાર રહેતી તેથી વારંવાર એન્ટિબાયોટિક્સ લેવી પડતી. તેના કારણે વજન અત્યંત વધી ગયેલું ને જીવન ઝંડ થઈ ગયેલું. રશેલે વધારે વજનથી છૂટકારો મેળવવા માટે માત્ર જ્યુસ પીવા માંડયા. તેમાં પણ કેટલાક જ્યુસના કારણે એલર્જી થતી તેથી રશેલે છેવટે પોતાને માફક આવે એવા જ્યુસ બનાવવા માંડયા ને તેની ચમત્કારિક અસર થઈ. રશેલે પોતાના માટે બનાવેલા બે પ્રકારના જ્યુસના કારણે વજન છ મહિનામાં ૩૮ કિલો ઘટી ગયું. એટલું જ નહીં પણ શારીરિક સમસ્યાઓમાંથી પણ છૂટકારો મળી ગયો.

બજારની વાત                          . 3 - image

તાજી હવા માટે નોઈડાના રહીશે બનાવી ઓક્સિજન બેંક

ઉત્તર પ્રદેશના નોઈડામાં રહેતા આર.કે. ગુપ્તા નામના સજ્જને વધતા જતા પ્રદૂષણ સામે રક્ષણ માટે ઓક્સિજન બેંક લગાવી છે. ગુપ્તાજીએ પોતાના ઘરના પાર્કિંગ એરીયામાં સંખ્યાબંધ એવા છોડ રોપ્યા છે કે જે મોટા પ્રમાણમાં ઓક્સિજન છોડે છે. આ ઓક્સિજન બેંકના કારણે તેમની આસપાસના વિસ્તારમાં તો હવા શુધ્ધ થઈ જ ગઈ છે પણ તેમના ઘરનું તાપમાન પણ બહુ નીચું રહે છે. ઘણાં લોકો માત્ર શુદ્ધ ને તાજી હવા લેવા માટે જ પાર્કિંગમાં આવીને ઉભા રહે છે. 

કોરોના કાળમાં જ્યારે લોકો ઓક્સિજનની કમીના કારણે મરી રહ્યાં હતાં ત્યારે ગુપ્તાજીને ઓક્સિજન બેંક શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે આ વિચાર અમલમાં મૂક્યો ને આજે ઘણાં લોકો તેને અનુસરી રહ્યાં છે.

બજારની વાત                          . 4 - image

જાપાનમાં રાજીનામું આપવા એજન્ટ રાખવાનો ટ્રેન્ડ

જાપાનમાં હમણાં રેઝિગ્નેશન એજન્ટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મતલબ કે, કર્મચારીઓ કંપનીમાંથી રાજીનામું આપવા માટે પોતે જાતે નથી જતા પણ રેઝિગ્નેશન એજન્ટને મોકલે છે. ભારત સહિતના દેશોમાં ઈ-મેલ પર રાજીનામું મોકલી દો તો ચાલે પણ જાપાનમાં એક્ઝિટ ઈન્ટરવ્યૂ વિના રાજીનામું સ્વીકારાતું નથી. 

જાપાનમાં યુવાનોની સંખ્યા ઘટી રહી છે તેથી કંપનીઓ કર્મચારીઓને સરળતાથી જવા દેતી નથી.  આ કારણે એક્ઝિટ ઈન્ટરવ્યૂમાં બહુ લાંબી માથાઝીંક થાય છે અને કર્મચારીને મનાવવા માટે બોસ પૂરી તાકાત લગાવી દે છે. મોટા ભાગના કિસ્સામાં રાજીનામું સ્વીકારાતું નથી તેથી આ લમણાઝીંકથી બચવા કર્મચારીઓ રેઝિગ્નેશન એજન્ટને મોકલે છે કે જે બધી ઔપચારિકતા પૂરી કરી દે છે. ભવિષ્યમાં કંપની કોઈ કાનૂની મુદ્દો ઉભો ના કરે તેની કાળજી સાથેની આ પ્રક્રિયાના કારણે કર્મચારીને પણ ભારે રાહત રહે છે.



Google NewsGoogle News