બજારની વાત .
આ પ્રાણીનું દૂધ સફેદ નહીં પણ કાળું હોય છે
દૂધની વાત નિકળે એટલે આપણને સફેદ રંગ જ યાદ આવે કેમ કે વિશ્વના લગભગ તમામ પ્રાણીઓનું દૂધ સફેદ હોય છે પણ એક એવું પ્રાણી છે જેનું દૂધ કાળું છે. આ પ્રાણી બ્લેર રાયનોસીસ અથવા કાળો ગેંડો છે. કાળો ગેંડો સામાન્ય રીતે આફ્રિકામાં જોવા મળે છે.
કાળા ગેંડાના દૂધનો રંગ કાળો હોય છે કેમ કે અન્ય પ્રાણીઓની સરખામણીમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું એટલે કે માત્ર ૦.૨ ટકા હોય છે. અન્ય પોષક તત્વો પણ ઓછા હોય છે. પ્રકાશ ફેલાવતાં બધા તત્વો ઘટી જવાથી કાળા ગેંડાનું દૂધ કાળું દેખાવા લાગે છે. કાળા ગેંડાના દૂધમાં ઓછી ચરબી હોવાનું કારણ માદા ગેંડાની લાંબી ગર્ભાવસ્થા છે. માદા ગેંડાના ગર્ભમાં એક વર્ષ સુધી બાળક રહે છે અને પછી બે વર્ષ સુધી સ્તનપાન કરે છે.
ડાયમંડની બેટરી, વરસો સુધી ચાલ્યા જ કરશે
યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ અને યુકે એટોમિક એનર્જી ઓથોરિટી (UKAEA એ સાથે મળીને વિશ્વની પ્રથમ કાર્બન ૧૪ ડાયમંડ બેટરી બનાવી છે. આ બેટરી હજારો વર્ષ સુધી કામ કરી શકે તેવી છે કેમ કે કાર્બન ૧૪ની હાફ લાઈફ ૫૭૦૦ વર્ષ છે. મતલબ કે, હજારો વર્ષ પછી પણ બેટરીની શક્તિ અડધી તો રહેશે જ. આ કારણે બેટરી હજારો વર્ષો સુધી સતત તેના ઉપકરણોને ઉર્જા પ્રદાન કરી શકે છે. સંશોધકોનો દાવો છે કે આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ ઘણા પ્રકારના વાતાવરણમાં થઈ શકે છે અને તેનાથી પર્યાવરણને નુકસાન થશે નહીં. સ્પેસ સાયન્સમાં આ બેટરી હજારો વર્ષ ચાલશે. અલબત્ત આ બેટરી બજારમાં વેચાણ માટે નહીં મૂકાય. સંશોધકોએ બેટરીમાં કાર્બન ૧૪નો ઉપયોગ કર્યો છે. તેનાં કિરણોત્સર્ગનો ઉપયોગ ઊર્જા ઉત્પન્ન કરવા માટે કરવામાં આવશે. કાર્બન ૧૪નો ઉપયોગ કાર્બન ડેટિંગ ટેકનિકમાં થાય છે.
બાઈકની દુનિયા છોડીને પગપાળા ચાલવાની ધૂન
દુનિયામાં ઘણાં સફળ લોકોને માથે અજબ ધૂન સવાર થઈ જતી હોય છે. એક્સેલ પોન્સ નામના મોટો ૨ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારા બાઈકરના માથે ૬ વર્ષ પહેલા આવી જ ધૂન સવાર થતાં ખુલ્લા પગે વિશ્વની મુસાફરી કરવાનો નિર્ણય લઈ લીધો. પોન્સ પીઠ પર બેકપેક રાખીને ઉઘાડા પગે ચાલ્યા જ કરે છે. એક્સેલ કહે છે કે, જીવનમાં બહુ ભાગી લીધું પણ હવે ઝડપ છોડીને ધીમી ચાલે ચાલવું છે. મોટરસાઇકલ રેસિંગની દુનિયામાં લીજેન્ડ મનાતા સિટો પોન્સના પુત્ર એક્સેલે સફળ મોટરસાઈકલ રેસર તરીકે કારકિર્દી બનાવી હતી પણ ૨૦૧૬ની ચેમ્પિયનશિપ બાદ આ કરિયરમાંથી બ્રેક લઈને ફેશન તરફ વળ્યો. થોડા દિવસો સુધી મોડેલિંગ કર્યા પછી ૨૦૧૯માં તેણે ખુલ્લા પગે વિશ્વની મુસાફરી કરવાનું નક્કી કર્યું. સ્પેનિશ રેસર એક્સેલે ૨૦૦૮થી ૨૦૧૭ દરમિયાન Moto2 રેસિંગની ૧૦ સીઝનમાં ભાગ લીધો હતો.
દુનિયાના તમામ ખંડમાં ફરવાનું ડોરોથીનું સપનું પૂરું થયું
ડોરોથી સ્મિથે યુવાનીમાં દુનિયાના દરેક ખંડનો પ્રવાસ કરવાનું સપનું જોયું હતું પણ ઉંમર વધતી ગઈ તેમ તેમ આ સપનું ભૂલાતું ગયું. રોજિંદી જીંદગીની ઘટમાળમાં ડોરોથી એવી અટવાઈ કે આ સપનું સપનું જ રહી ગયું. ડોરોથી જીંદગીનાં છેલ્લાં વરસો કેલિફોનયામાં મિસ વેલીમાં આવેલા રેડવુડ્સ રિટાયરમેન્ટ વિલેજમાં ગાળી રહી હતી ત્યાં તેમની મુલાકાત અમ્માર કંદીલ અને સ્ટાફન ટેલર સાથે થઈ. બંને ૯૩ લાખ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી YouTube ચેનલ યસ થીયરિના માલિક છે. બંને ડોરોથી સ્મિથને ઓક્ટોબરની શરૂઆતમાં એક સ્ટોરી માટે મળ્યા હતા. બંનેએ સવાલો દરમિયાન ડોરોથીને તેની ઈચ્છા પૂછી લીધી. ડોરોથીએ સંકોચ રાખ્યા વિના દુનિયાના દરેક ખંડમાં જવાની પોતાની ઈચ્છા જણાવી. ડોરોથીએ પોતે એશિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા અને યુરોપ ગઈ છે પણ ક્યારેય ઓસ્ટ્રેલિયા ગઈ ન હતી એ પણ કહ્યું. ડોરોથીને ખબર નહોતી કે, આ બંને તેની ઈચ્છા પૂરી કરશે. થોડા દિવસ પહેલાં બંને ડોરોથીને પોતાના ખર્ચે ઓસ્ટ્રેલિયા લઈ ગયા અને આ સાથે ડોરોથી સ્મિથ હવે તમામ સાત ખંડોની મુસાફરી કરનાર વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગઈ છે.
AI નિષ્ણાતોની માંગમાં સતત વધારો
ટેક્નોલોજીની સતત વિકસતી દુનિયામાં, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એ રોમાંચક નવી સીમા જેવું છે જે દરેક વ્યક્તિ અન્વેષણ કરવા આતુર છે. તે ઉદ્યોગોને એવી રીતે આકાર આપી રહ્યું છે જેની થોડા વર્ષો પહેલા કલ્પના પણ કરી ન હતી. મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને ડેટા સાયન્સમાં કૌશલ્ય ધરાવતા વ્યાવસાયિકોની માંગ વધી રહી છે. ૨૦૨૪ માં AI નોકરીની ભૂમિકાઓમાં વધારો એ માત્ર રેન્ડમ સ્પાઇક નથી, તે કેટલાક આકર્ષક પરિબળો દ્વારા સંચાલિત છે. પ્રથમ, તકનીકી પ્રગતિની ઝડપી ગતિ છે. AI પહેલા કરતા વધુ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે, કંપનીઓને અત્યાધુનિક સાધનો વિકસાવવામાં સક્ષમ બનાવે છે જે કાર્યોને સ્વચાલિત કરે છે, ડેટાનું વિશ્લેષણ કરે છે અને ઉત્પાદનોને નવીન બનાવે છે. જેમ જેમ AI ટેક્નોલોજીઓ વધુ સુલભ બનતી જાય છે, તેમ તેમ કાર્યક્ષમતામાં વધારો કરતી વખતે તેઓ વ્યવસાયોને ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે. AI નિષ્ણાતોની માંગ આકાશને આંબી રહી છે, પરંતુ જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતા કુશળ વ્યાવસાયિકો નથી. આ ટેલેન્ટ ગેપમાં ટોચની પ્રતિભાઓને આકર્ષવા માટે કંપનીઓ આકર્ષક પગાર અને કારકિર્દી વૃદ્ધિની તકો ઓફર કરતી હોય છે.