બજારની વાત .

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
બજારની વાત                                                    . 1 - image


હાઈવે પર યુએફઓ જોઈને પોલીસ ચોંકી ગઈ

સોશિયલ મીડિયા પર હમણાં એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં હાઈવે પર યુએફઓ દોડી રહ્યું હોય એવું લાગે. આ વીડિયો થોડી સેંકડ ચાલે પછી ખબર પડે છે કે, આ યુએફઓ નહીં પણ કાર છે. કારને યુએફઓ લાગે એ રીતે ડીઝાઈન કરાઈ છે. ઓકલાહોમામાં હાઈવે પેટ્રોલ ટ્રુપર રયાન વાન્વલેકે આ કારને જોઈ ત્યારે ચોંકી ગયેલો. કારને રોકી ત્યારે તેમાં બે લોકો બેઠેલાં હતાં. બંને ન્યુ મેક્સિકોમાં યોજાઈ રહેલા રોઝવેલ યુએફઓ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહ્યાં હતાં. બંને સાવ નિર્દોષ છે એવું લાગ્યું પછી તેમને કોઈ પણ દંડ વિના જવા દેવાયાં. ઓકલાહોમા ટ્રાફિક પેટ્રોલ વિભાગે પોતે આ વીડિયો મૂક્યો છે. 

આ કાર અદ્દલ ફિલ્મોમાં બતાવાતાં યુએફઓ જેવી લાગે છે. તેની યુનિક ડીઝાઈનના કારણે ઘણાં ઠેકાણે તેને રોકવામાં આવે છે પણ પછી જવા દેવાય છે.

બજારની વાત                                                    . 2 - image

સીક્યુરિટી પાવર બેંકને સેક્સ ટોય સમજી બેઠી

લોકો યુનિક ડીઝાઈનની પ્રોડક્ટથી આકર્ષાઈને ખરીદી લે છે પણ ક્યારેક આવી પ્રોડક્ટ મુશ્કેલીમાં મૂકી દે છે. વાનકુંવરની લ્યુસિયા નામની યુવતી સાથે એરપોર્ટ પર એવું જ થયું. લ્યુસિયાએ કોમ્પ્યુટર ગેમ ડિયાબ્લો ૩ સોલસ્ટોનની ડીઝાઈનમાંથી પ્રેરણા લઈને બનાવાયેલી પાવર બેંક ખરીદી હતી. 

એરપોર્ટ પર સામાન ચેક કરતી વખતે તેમા સામાનમાં અણીદાર વસ્તુ દેખાતાં સામાનની તલાશી લેવાઈ હતી. આ તલાશી પછી સીક્યુરિટી સ્ટાફે તેને પૂછયું કે, સેલ્ફ પ્લેઝરિંગ ડીવાઈસ લઈને જઈ રહી છે ?

લ્યુસિયા આ સાંભળીને ચોંકી ગઈ કેમ કે તેની પાસે એવું કશું હતુ નહીં તેથી તેણે ઈન્કાર કરતાં સીક્યુરિટી સ્ટાફે બેગમાંથી પાવર બેંક કાઢીને બતાવી. લ્યુસિયાએ તેમને કહ્યું કે, આ તો પાવર બેંક છે પણ એ લોકો વાત માનવા તૈયાર જ નહોતા. લ્યુસિઆએ પાવર બેંકને કનેક્ટ કરીને બતાવી ત્યારે તેમને ભૂલ સમજાઈ અને લ્યુસિયાને જવા દીધી.  

બજારની વાત                                                    . 3 - image

ત્રિનેત્ર વાછરડીની શિવજીનો અવતાર માની પૂજા

ભગવાન શિવને ત્રણ નેત્ર હોવાની માન્યતા છે. આ માન્યતાના કારણે છત્તીસગઢના રાજનંદગાંવમાં લોકો ત્રણ આંખો અને ચાર નસકોરાં સાથે જન્મેલા ગાયના બચ્ચાને ભગવાન શિવનો અવતાર માનીને પૂજી રહ્યા છે. બચ્ચાની પૂંછડી પણ બહુ વાળ ધરાવે છે તેથી તેને શિવજીની જટા માની લેવાઈ છે. આ બચ્ચુ માદા એટલે કે વાછરડી છે જ્યારે ભગવાન શિવ નર છે પણ શ્રધ્ધાં હોય ત્યાં આવી વાતોને લોકો ગણકારતા નથી. 

હેમંત ચંદેલ નામના ખેડૂતને ત્યાં ૧૩ જાન્યુઆરીએ જર્સી ગાયે આ વાછરડીને જન્મ આપ્યો હતો. ભગવાન શિવના માથામાં વચ્ચોવચ ત્રીજું નેત્ર ચિત્રોમાં બતાવાય છે. .વાછરડીના માથાની વચ્ચે પણ એવું જ ત્રિનેત્ર હોવાથી લોકોની ભીડ ઉમટવા માંડી. લોકો નાળિયેર અને પૂજાનો સામાન લઈને આવે છે અને વાછરડીને ભગવાન શિવનો અનતાર માનીને પૂજે છે. ભવિષ્યમાં આ વાછરડીનું મંદિર બની જાય તો નવાઈ નહીં.

બજારની વાત                                                    . 4 - image

ચીના ચંદ્ર પર ખેતીની શક્યતા ચકાસશે

ચીનાઓએ હમણાં ચંદ્રની ઘરતી પરથી માટી અને બીજાં સેમ્પલ લાવીને ઈતિહાસ રચી દીધો. આ પહેલાં ચંદ્ર પરથી ખડકના નમૂના લવાયેલા પણ ચંદ્રની માટી લાવનારો ચીન પહેલો દેશ છે. ચીનનું ચંદ્ર પર ગયેલું યાન દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરેલું અને માટીના નમૂના સાથે સફળતાપૂર્વક પાછું ફર્યું છે. ભારતનું ચંદ્રયાન ૩ પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરેલું પણ પાછું નહોતું ફરી શક્યું.  

હવે આ માટીનું પરીક્ષણ કરાશે અને તેના આધારે ચંદ્ર પર પાણી છે કે નહીં એ નક્કી થશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી હોવાનું મનાય છે પણ અત્યાર સુધી વૈજ્ઞાાનિક રીતે આ વાત સાબિત થઈ નથી. માટીમાં ભેજ હોય તો જમીનમાં પાણી હોય, પાણી હોય તો ખેતી શક્ય બને ને ખેતી શક્ય બને તો માનવજીવન પણ શક્ય બનશે તેથી ચીનનું આ પરીક્ષણ બહુ મહત્વનું છે.

બજારની વાત                                                    . 5 - image

કર્મચારીનો પગાર વધાર્યો તો જેલમાં ધકેલી દેવાયા

કોઈ વ્યક્તિ પોતાના કર્મચારીનો પગાર વધારી દે એ બદલ જેલમાં ધકેલી દેવાય એવું બને ? આપણા પાડોશી દેશ મ્યાનમારમાં એવું બન્યું છે. મ્યાનમારના માંડલેમાં ત્રણ મોબાઈલ શોપ ધરાવતા પ્યાએ ફ્યો જો સહિત દસેક દુકાનદારોએ હમણાં પોતાના કર્મટારીઓનો પગાર વધાર્યો તેમાં તેમને જેલમાં ધકેલી દેવાયા છે. તેમની સામે દેશમાં રમખાણો ભડાકાવવાનો આરોપ મૂકી દેવાયો છે અને દુકાનો સીલ કરી દેવાઈ છે. મ્યાનમારમાં લશ્કરી શાસન છે પણ ભયંકર અરાજકતા વ્યાપેલી છે. મોંઘવારી બેફામ થઈ ગઈ છે તેથી લોકોમાં આક્રોશ છે. લશ્કરના અધિકારીઓને લાગે છે કે, લોકો વધારે નાણાં ખર્ચી રહ્યા છે તેથી મોંઘવારી વધી રહી છે. લોકો નાણાં નહીં ખર્ચે તો આપોઆપ જ દુકાનદારોએ માલ વેચવા ભાવ ઘટાડવા પડશે અને મોંઘવારી કાબૂમાં આવી જશે. બોલો, આવી અનોખી આર્થિક વિચારધારા ક્યાંય જોઈ છે ? 

બે મોસંબી જતી રહે એટલું પહોળું જડબું

અમેરિકાના આઈઝેક જોનસનને હમણાં એક વિચિત્ર સિધ્ધી માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આઈઝેકે મોં પહોળું કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આઈઝેકનું મોં ૧૦.૧૮૬ સેમી પહોળું થાય છે અને એક સાથે બે મોસંબી ઉપરનીચે મૂકીને મોંમાં જવા દઈ શકે છે. સામાન્ય માણસનું જડબું બે-ત્રણ સેમીથી વધારે પહોળું નથી થતું. આપણે ત્યાં માવા ખાનારા લોકોનાં જડબાં તો એક સેમી પણ ખૂલતાં નથી હોતાં ત્યારે ૧૦ સેમીથી વધારે જડબું ખૂલે એ આશ્ચર્યજનક કહેવાય. 

આઈઝેક અત્યારે ૧૯ વર્ષનો છે. આઈઝેકે ૧૪ વર્ષની ઉંમરે ૧૫ એપ્રિલ, ૨૦૧૯ના રોજ ૯.૩૪ સેમી જડબું ખોલીને વર્લ્ડ રેકોર્ડ બનાવેલો પણ ૫ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ફિલિપ એંગસે ૯.૫૨ સેમી સાથે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધેલો. આઈઝેકે એ પછી પ્રેક્ટિસ શરૂ કરીને ૧૦ સેમીથી વધારે જડબું ખોલીને રેકોર્ડ પોતાના નામે કરી લીધો.


Google NewsGoogle News