Get The App

બજારની વાત .

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


અપોઈન્ટમેન્ટ લેટર મળ્યાના બીજા જ દિવસે નિવૃત્તિ !

ભારતમાં સરકારી તંત્ર કઈ રીતે કામ કરે છે તેનો નાદાર નમૂનો હમણાં બિહારમાં જોવા મળ્યો. બિહારના જમુઈ જિલ્લામાં અનિતા કુમારી નામનાં શિક્ષિકાને ૩૦ ડીસેમ્બર, ૨૦૨૪ના રોજ એપોઈન્ટમેન્ટ લેટર મળ્યો અને એક દિવસ પછી એટલે કે ૩૧ ડીસેમ્બર, ૨૦૨૪ના રોજ તો મેડમ નિવૃત્ત થઈ ગયાં કેમ કે તેમની ઉંમર ૬૦ વર્ષ થઈ ગઈ હતી ! રસપ્રદ વાત એ છે કે, અનિતા કુમારીને એક અઠવાડિયામાં એટલે કે ૧ જાન્યુઆરીથી ૭ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન નોકરી પર હાજર થવાની તાકીદ એપોઈન્ટમેન્ટ લેટરમાં કરાઈ હતી.

અનિતા મેડમ ૨૦૦૬થી શિક્ષિકા તરીકે નોકરી કરતાં હતાં પણ કોન્ટ્રાક્ટ પર હતાં. સરકારે તેમને બહુ પહેલાં કાયમી કરવાની જરૂર હતી પણ સરકારી તંત્ર કશું જોયા વિના કામ કરે છે તેથી નીતિશ સરકારે હમણાં કોન્ટ્રાક્ટ પરના શિક્ષકોને કાયમી કરવાનો નિર્ણય લીધો તેમાં તેમનો નંબર લાગ્યો અને સ્પેશિયલ ટીચર તરીકે નિમણૂક મળી હતી.

બજારની વાત                          . 2 - image

'હ્યુમન બાર્બી' યુવાન દેખાવા દીકરાનું લોહી શરીરમાં દાખલ કરાવશે

અમેરિકાના લોસ એન્જલસમાં રહેતી ૪૭ વર્ષની માર્સેલા ઈગ્લેસિયાસ પોતાને 'હ્યુમન બાર્બી' તરીકે ઓળખાવે છે. હંમેશાં બાર્બી ડોલ જેવાં જ કપડાંમાં જોવા મળતી માર્સેલાએ હંમેશાં યુવાન દેખાવા માટે અત્યાર સુધીમાં જાત જાતની સર્જરીઓ અને કોસ્મેટિક પ્રોસીજર પાછળ ૧ લાખ ડોલર ખર્ચી દીધા છે પણ માર્સેલાને હજુ પણ યુવાન દેખાવાનો અભરખો હોવાથી પોતાના ૨૩ વર્ષના દીકરા રોડ્રિગોના લોહીનો ઉપયોગ કરવા વિચારી રહી છે.  

માર્સેલાના મતે, અત્યારે યુવાન દેખાવા માટે બ્લડ ટ્રાન્સફ્યુઝન મોટા પ્રમાણમાં થાય છે. વૃદ્ધ થતાં લોકો યુવાનોનું લોહી પોતાના શરીરમાં દાખલ કરાવે છે ને પોતાનો દીકરો રોડ્રિગ્સ પણ એ માટે તૈયાર છે તેથી પોતે પણ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવી શકે છે. માર્સેલા તો દીકરાના સ્ટેમ સેલ લેવાનું પણ વિચારી રહી છે. અમેરિકામાં આ પ્રોસીજર કાયદેસરની નથી તેથી માર્સેલા બીજા દેશના ડોક્ટરને શોધી રહી છે. 

બજારની વાત                          . 3 - image

ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં યુવકે જીવ ખોયો 

ગર્લફ્રેન્ડને પ્રભાવિત કરવા માટે ઘણા યુવકો અકલ્પનિય દુઃસાહસ કરી નાંખે છે. આવા જ એક દુઃસાહસમાં ઉઝબેકિસ્તાનના એક યુવકે પોતાનો જીવ ખોઈ દીધો. ઉઝબેક શહેર પારકેન્ટમાં ૪૪ વર્ષના એફ. ઈરિસ્કુલોવ નામનો ઝૂકીપર પોતાની ગર્લફ્રેન્ડને પ્રભાવિત કરવા માટે સિંહના પાંજરામાં દાખલ થયો હતો પણ સિંહ તેને ફાડીને ખાઈ ગયો. 

ઇરિસ્કુલોવ પોતાનો મોબાઈલ સાથે લઈને ગયો હતો તેથી વીડિયો પણ ઉતારતો હતો. ઈરિસ્કુલોવનો સિંહ શિકાર કરતો હોય એવો આખો વીડિયો તેના જ મોબાઈલ પર ઉતરી ગયો છે.  ઈરિસ્કુલોવ સિંહો સાથે પોતાને સારી દોસ્તી છે એવું બતાવવા માટે સિંહના પાંજરામાં દાખલ થયો હતો પણ શિકાર થઈ ગયો. ઈરિસ્કુલોવ નાઈટ શિફ્ટ કર્યા પછી વહેલી સવારે પાંચ વાગ્યે અંદર ગયેલો ત્યારે કોઈ હાજર નહોતું. તેની બૂમાબૂમ સાંભળીને સીક્યુરિટીવાળા દોડયા પણ એ પહેલાં તો સિંહે ખેલ ખતમ કરી નાંખ્યો હતો.

જાપાનના ક્યોટોની મૂંઝવણ, ટુરિસ્ટ્સનો ધસારો કઈ રીતે ઘટાડવો ? 

દુનિયાભરના દેશો ટુરિઝમ વધારવા માટે મથે છે ત્યારે જાપાનનું ક્યોટો શહેર પ્રવાસીઓનો ધસારો ઘટાડવા શું કરવું તેની વિમાસણમાં છે. જાપાનના કલ્ચરલ હાર્ટ મનાતા ક્યોટોમાં કિયોમિઝુ-ડેરા મંદિરમાં એટલા પ્રમાણમાં લોકો ઉમટે છે કે શહેરનાં લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે અને સત્તાવાળા વ્યવસ્થાઓ કરવામાં જ થાકી જાય છે. જાપાનમાં ૨૦૨૪માં કુલ ૩.૫૦ કરોડ વિદેશી પ્રવાસી આવ્યા હતા ને તેમાંથી ૯૦ ટકા પ્રવાસી ક્યોટોની મુલાકાતે ગયા હતા. વરસમાં ૩ કરોડ પ્રવાસીનો મતલબ દરરોજ એક લાખ પ્રવાસી એવો થયો. ક્યોટોના હિગાશિયામા વિસ્તારમાં આવેલી સાનેન્ઝાકા સ્ટ્રીટ શોપિંગ માટે પ્રખ્યાત છે. આ સ્ટ્રીટમાં દિવસના ૧૬ કલાક પગ ના મૂકી શકાય એટલી ભીડ જામે છે.

જાપાનમાં બધાં શહેરોમાં બુલેટ ટ્રેન જાય છે તેથી ક્યોટોમાં લોકોએ રોકાવું પડતું નથી પણ દિવસની ભીડને કંટ્રોલ કરવી પણ મુશ્કેલ છે. નિષ્ણાતો તો ચેતવણી આપી રહ્યા છે કે, લોકોની ભીડને નિયંત્રિત નહીં કરાય તો એક દિવસ ભૂકંપ આવી જશે. 

માતાના કેન્સરની સારવાર માટે યુવક 'સુપર મોડલ' બન્યો

ચીનમાં પોતાની માતાની કેન્સરની સારવાર કરાવવા માટે ચેંગ ઝોંગકુન નામના યુવકે અપનાવેલો અનોખો રસ્તો ભારે ચર્ચામાં છે. ૨૫ વર્ષનો ચેંગ ફળો વેચે છે પણ તેમાંથી એટલી કમાણી થતી નથી કે સારવાર કરાવી શકાય તેથી તેણે સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવા માંડયું. 

ચેંગે @mingmokun એટલે કે સુપરમોડસ કુન નામે હેન્ડલ બનાવ્યું છે.  તેના પર મોડલોની જેમ હાઈ હીલ એટલે કે ઉંચી એડીનાં શૂઝ પહેરીને કેટ વોક કરે છે. ચેંગ પોતાનાં ગામનાં લોકોની વચ્ચે કેટ વોક કરે ને લોકો વચ્ચે વચ્ચે કોમેન્ટ્સ કર્યા કરે તેના ફની વીડિયો ચીનમાં ધૂમ મચાવી રહ્યા છે. ચેંગના થોડા સમયમાં જ લગભગ ૮ લાખ ફોલોઅર્સ થઈ ગયા છે. 

ચેંગ પોતે એથ્લેટ હતો ને ચેંગડુ સ્પોર્ટ યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ છે તેથી એકદમ ફિટ બોડી ધરાવે છે. આ કારણે તે સુપરમોડલ જેવો જ લાગે છે.

બજારની વાત                          . 4 - image

ચીને મગજના વિચારોને કોમ્પ્યુટર પર ઉતારતી ડીવાઈસ બનાવી

ચીન હમણાં ટેકનોલોજીના ક્ષેત્રે જાત જાતની કમાલ કરી રહ્યા છે અને અમેરિકા-જાપાનને પાછળ છોડી રહ્યા છે. આવી જ એક કમાલમાં ચાઈનીઝ સ્ટાર્ટઅપ ન્યુરોએક્સેસે બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ (બીસીઆઈ) ડીવાઈસ બનાવી છે. આ ડીવાઈસની મદદથી બ્રેઈન ઈન્જરી થઈ હોય એવા દર્દીઓના મગજમાં ચાલતા વિચારો તરત જ સામે સ્ક્રીન પર દેખાવા લાગે છે. આ જ ડીવાઈસની મદદથી ચાઈનીઝ ભાષાને પણ તરત ડીકોડ કરી શકાય છે. આ બંનેના લોકો પર કરાયેલા ટ્રાયલ સફળ થયા છે. એક રીતે ચીનાઓએ માણસના મગજને વાંચી શકે એવી ડીવાઈસ બનાવી દીધી છે.

ફ્યુડાન યુનિવર્સિટીની હૌશાન હોસ્પિટલના ન્યુરોસર્જન્સે ૨૦૨૪ના ઓગસ્ટમાં એપિલેપ્સીનો ભોગ બનેલી ૨૧ વર્ષની છોકરીના મગજમાં બીસીઆઈ ડીવાઈસ નાંખી હતી. આ ડીવાઈસ કોમ્પ્યુટર સાથે જોડાયેલી હતી તેથી છોકરીના બધા વિચારો કોમ્પ્યુટર પર નોટ થતા હતા. સંશોધકોનું કહેવું છે કે, ભવિષ્યમાં આ ડીવાઈસ અપરાધીઓના મગજમાં ફિટ કરીને મોટા મોટા ગુના ઉકેલી શકાશે.



Google NewsGoogle News