બજારની વાત .

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


ચીનમાં ટ્રાફિક રેસ્ક્યુના નવા ધંધાની ધૂમ

ચીનમાં હમણાં ટ્રાફિક રેસ્ક્યુ નામે એક નવો ધંધો શરૂ થયો છે. આ ધંધો કરનારા ટ્રાફિકમાં ફસાયેલી કોઈ પણ વ્યક્તિને બહાર કાઢીને તેને સમયસર તેના કામના સ્થળે કે ઘરે પહોંચાડવી કામગીરી બજાવે છે. તેના બદલામાં ૬૦ ડોલર એટલે કે લગભગ રૂપિયા ૫૦૦૦ ફી લે છે. 

ટ્રાફિકમાં ફસાયેલી વ્યક્તિ ફોન કરે કે તરત ટ્રાફિક રેસ્ક્યુ સર્વિસના બે માણસ બાઈક લઈને આવી જાય. એક માણસ બહાર નિકળવું હોય તેને બાઈક પર બેસાડીને લઈ જાય અને બીજી વ્યક્તિ કારમાં બેસીને ટ્રાફિક જામનો આનંદ ઉઠાવે. કાર ટ્રાફિકમાંથી બહાર નિકળે એટલે કાર તમે કહો ત્યાં મૂકી જાય. 

ભારતમાં પણ મોટા ભાગનાં મોટાં શહેરોમાં ટ્રાફિક જામ ભયંકર સમસ્યા બની ચૂકી છે એ જોતાં આ પ્રકારની સેવા ભારતમાં પણ શરૂ થવી જોઈએ એવું નથી લાગતું ?

બજારની વાત                          . 2 - image

મિત્ર પત્નીની સારવાર માટે યુવક ચોર બન્યો

બેંગલુરૂમાં હમણાં અશોક નામનો એક ટુ વ્હીલરનો ચોર પકડાયો. ફળની લારી ચલાવતા અશોકે ૩૦થી વધારે ટુ-વ્હીલરની ચોરી કરી હોવાનું કહેવાય છે પણ મજાની વાત એ છે કે, અશોકે ચોરીની બાઈક વેચીને જે કમાણી કરી તેમાંથી એક પણ રૂપિયા ઘરે લઈ ગયો નથી.

અશોક પોતાની ચોરીની બધી કમાણી પોતાના મિત્રને આપી દેતો હતો. મિત્રની પત્નીને કેન્સર હોવાથી તેની સારવાર માટે મિત્ર પાસે પૈસા નહોતા તેથી અશોકે ચોરીનો રસ્તો અપનાવીને મિત્રને મદદ કરવા માંડી. અશોક મોટા ભાગે પલ્સર અને કેટીએમ બાઈક જ ઉઠાવતો હતો કે જે ઝડપથી વેચાઈ જતી.

અશોકે તેના મિત્ર સતિષ ઉર્ફે સત્યાને એટલે મદદ કરી કે તેની પત્ની તેને છોડીને જતી રહી ત્યારે બંનેએ અશોકને મદદ કરીને પોતાના ઘરે રાખ્યો હતો.

બજારની વાત                          . 3 - image

બેંગલુરૂમાં 25 કરોડ નકલી ડોલર કોણે છાપ્યા ? 

બેંગલુરૂમાં કચરો વિણતા સલમાન શેખ નામના છોકરાને કચરામાંથી અમેરિકન ડોલરનાં ૨૩ બંડલ મળ્યાં હતાં. આ બંડલ સાથે યુનાઈટેડ નેશન્સના સીલ સાથેનો પત્ર પણ હતો. સલમાને પ્રમાણિકતા બતાવીને પોતાના બોસને જાણ કરી ને બોસે એક સામાજિક કાર્યકરને કહેતાં ત્રણેય પોલીસે સ્ટેશને ગયા અને બંડલ પોલીસને સોંપી દીધાં. પોલીસે નોટોની ગણતરી કરી તો પૂરા ૩૦ લાખ ડોલર (લગભગ ૨૫ કરોડ રૂપિયા)ની નોટો નિકળી.

પોલીસ ઈન્સ્પેક્ટરે સલમાનની ઈમાનદારીનાં વખાણ કર્યાં તેથી તેના બોસ બાપ્પાએ ખુશ થઈને સલમાનને પાંચ હજાર રૂપિયાનું ઈનામ પણ આપી દીધું. પોલીસ ઈન્સ્પેક્ટરે આ નોટો કમિશનર ઓફિસમાં મોકલાવી ને ત્યાં તપાસ કરતાં ખબર પડી કે, આ નોટો તો નકલી છે. તરત તપાસ શરૂ થઈ ને પોલીસ સલમાનને લઈને તપાસ કરી રહી છે પણ બેંગલૂરમાં કોણે નકલી ડોલર છાપી માર્યા એ ખબર પડતી નથી.

બજારની વાત                          . 4 - image

યુકેમાં ભારતીય મહિલાએ 5.5 કરોડનો માલ ધાપ્યો

યુકેમાં હમણાં નરેન્દ્ર કૌર નામની મૂળ ભારતીય મહિલાને ૧૦ વર્ષની જેલની સજા થઈ છે. નરેન્દ્ર કૌર ઉર્ફે નિના ટિયારાએ શોપલિફ્ટર છે. મતલબ કે, મોટા સ્ટોરમાંથી ચીજોની ઉઠાંતરી કરતી હતી. નિનાએ છેલ્લાં ૪ વર્ષમાં યુકેના લગભગ ૧૦૦૦ સ્ટોરમાંથી ૫ લાખ પાઉન્ડ (લગભગ ૫.૫૦ કરોડ રૂપિયા)ના સામાનની ઉઠાંતરી કરી હતી. નિના ચોરી કર્યા પછી સ્ટોરને સામાન પાછો આપીને રીફંડ લેતી હતી. 

ટીનેજર હતી ત્યારથી જ મોટા સ્ટોરમાંથી ચીજોની ઉઠાંતરી કરનારી નિનાએ અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધારે સ્ટોરને ચૂનો લગાડયો હોવાનું મનાય છે. નિનાએ કેટલા કરોડનો માલ ધાપી લીધો તેની ગણતરી જ નથી. નિના ઝડપાઈ પછી તેના ઘરમાંથી પોલીસને ૧.૫૦ લાખ પાઉન્ડ રોકડા અને ૧૦૦થી વધારે ચોરીની ચીજો મળી આવી હતી.  ૨૦૧૫ના જુલાઈથી ૨૦૧૯ના સપ્ટેમ્બર દરમિયાનના ચાર વર્ષના સીસીટીવી ફૂજેટ મળ્યા છે. એ પહેલાંની તેની ચોરીઓના તો પુરાવા જ નથી.

બજારની વાત                          . 5 - image

બેંકના સ્ટાફની માનવતા, 4 લાખની નોટો જોડી આપી

ચીનના યુઆન પ્રાંતમાં એક બેંકના સ્ટાફે સાવ નાના નાના ટુકડા કરી દેવાયેલી નોટોને જોડીને એક પરિવારને કરેલી મદદનો કિસ્સો વાયરલ થયો છે. પરિવારની માનસિક રીતે અસ્થિર મહિલાએ લગભગ ૪ લાખ રૂપિયાની નોટોના નાના ટુકડા કરી નાંખ્યા હતા. મહિલાનો પતિ નોટોના ટુકડા લઈને ઘણી બેંકોમાં ગયા પણ કોઈ એ નોટોના ટુકડા લેવા તૈયાર નહોતું તેથી પરિવારે આ નાણાં ગયાં એમ જ માની લીધું હતું. 

થોડા દિવસ પહેલાં મહિલાનું અવસાન થયું પછી તેની નણંદને ભાભીએ કરેલા પરાક્રમની ખબર પડી. નણંદ કોથળામાં ભરીને નોટોના ટુકડા લઈને બેંકમાં ગઈ અને પરિવારની કથની સંભળાવી. બેંક મેનેજરને એ સાંભળીને દયા આવી જતાં તેણે બેંકના સ્ટાફને મદદ કરવા કહ્યું. બેંકનો સ્ટાફ કામે લાગ્યો અને ૨૨ દિવસ પછી લગભગ ૩.૭૦ લાખ રૂપિયાની નોટો જોડીને આપી દેતાં યુવતી આ નોટો જમા કરાવી શકી.

બજારની વાત                          . 6 - image

પાર્કિંગ ફી ભરવા છતાં યુવતીને 11.80 લાખનો દંડ

યુકેની ડરહામ કાઉન્ટીમાં ફીધમ્સ લેઈઝર સેન્ટરમાં પોતાની કાર પાર્ક કરનારી હાન્નાહ રોબિન્સનને હમણાં ખોટી રીતે પાર્ક કરવા માટે ૧૧ હજાર પાઉન્ડ (લગભગ રૂપિયા ૧૧.૮૦ લાખ)ના દંડની નોટિસ મળી છે. હાન્નાહ રોજ પોતાની કાર આ સેન્ટરના પાકગમાં પાર્ક કરતી અને પાર્કિંગનો ચાર્જ પણ ચૂકવી દેતી પણ છતાં દંડ કરાયો તેનું કારણ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ જેને અપાયો એ એક્સેલ પાર્કિંગ સર્વિસનો વિચિત્ર નિયમ છે. કંપનીના નિયમ પ્રમાણે, પાર્કિંગમાં કાર પાર્ક કર્યા પછી પાંચ મિનિટમાં તમે પાર્કિંગની ફી ચૂકવીને રસીદ ના લો તો ૧૭૦ પાઉન્ડનો દંડ થાય છે. હાન્નાહે આ રીતે ૬૭ વાર પાંચ મિનિટના નિયમનો ભંગ કર્યો હોવાથી તેને ૧૧ હજાર પાઉન્ડનો દંડ ઠોકી દેવાયો છે. હાન્નાહનું કહેવું છે કે, પાર્કિંગની અંદર ઈન્ટરનેટની સવલત નથી તેથી બહાર આવીને પેમેન્ટ કરો ત્યાં સુધીમાં પાંચ મિનિટ પતી ગઈ હોય છે.


Google NewsGoogle News