બજારની વાત .

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


કરોડરજ્જુ તૂટી ગયેલી ને વેઈટલિફ્ટિંગ ચેમ્પિયન બની

મક્કમ મનોબળથી વ્યક્તિ શું કરી શકે તેનું ઉદાહરણ બ્રાઝિલની ૩૦ વર્ષની મારસેલ મેંડેસ મૈનકુસોએ પૂરું પાડયું છે. સાઓ પાઉલોની મારસેલ છ વર્ષ પહેલાં જીમમાં ઉંધા સિટ-અપ માટે લટકી રહી હતી ત્યારે લપસી જતાં જમીન પર પટકાઈ અને કરોડરજ્જુ તૂટી ગઈ હતી. આવી ઈજા પછી વ્યક્તિ સાજી થાય એવી આશા રખાતી નથી.

મારસેલને પણ ડોક્ટરે કહી દીધેલું કે, હવે ફરી ચાલી નહીં શકે. મારસેલની કરોડરજ્જુને મજબૂત કરવા ડોક્ટરોએ ટિટેનિયમ પ્લેટ અને ૬ સ્ક્રૂ લગાવ્યા. મારસેલને ગળાની નીચેના ભાગમાં કોઈ સંવેદના જ નહોતી થતી તેથી ઓપરેશન કરાયું. 

મારસેલ સામાન્ય જીંદગી જીવે એવી આશા જ નહોતી રખાતી પણ મારસેલે ફરી બેઠા થવાનું નક્કી કર્યું. ધીરે ધીરે કસરત કરીને તે બેઠી થઈ, પછી ચાલતી થઈ અને બે વર્ષ પહેલાં વેઈટલિફ્ટિંગ શરૂ કર્યું.  તેના ટ્રેનરે તેને પ્રોત્સાહિત કરી અને અત્યારે મારસેલ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયન છે.

બજારની વાત                          . 2 - image

ધાતુઓ ભળતાં નદીનું પાણી ઝેરીલું બની ગયું

પૃથ્વીના સ્તર સાથે ચેડાં કરવાનું શું પરિણામ આવી શકે તેનો અનુભવ લોકોને અલાસ્કામાં થઈ રહ્યો છે. અલાસ્કામાં નદીઓનાં પાણી પહેલાં કાચ જેવાં સ્વચ્છ ને પારદર્શક હતાં. પછી સફેદ થવા માંડયાં, પછી વાદળી થયાં ને હવે  પાણીનો રંગ નારંગી થઈ ગયો છે. 

વિજ્ઞાાનીઓના મતે, પૃથ્વીનું પર્માફ્રોસ્ટ પિગળી રહ્યું હોવાથી જમીનની અંદરથી લોહ, જસત, સીસું, તાંબુ, નિકલ વગેરે ધાતુઓ બહાર આવીને પાણી સાથે ભળી રહી હોવાથી પાણીનો રંગ સતત બદલાઈ રહ્યો છે. આ ધાતુઓ પાણીમાં ભળવાથી આ પાણી  પણ ઝેરીલું બની રહ્યું છે. આ જ રીતે ધાતુઓ પાણીમાં ભળ્યા કરશે તો ભવિષ્યમાં આ નદીઓનાં પાણી  બિલકુલ વાપરવા યોગ્ય જ નહીં રહે. વિજ્ઞાાનીઓનું કહેવું છે કે, નદીઓમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢવા માટે ઉંડે સુધી ખોદકામ થઈ રહ્યું છે તેની આ અસર છે.

બજારની વાત                          . 3 - image

રીલ બનાવવા છોકરીને પાણીમાં કૂદવા કહ્યું ને...

સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા માટે લોકો જાત જાતનાં ગતકડાં કરે છે ત્યારે નતાલી રેનોલ્ડ્સે તો હદ વટાવી દીધી. ટેક્સાસની નતાલીએ લાઈવ સ્ટ્રીમિંગ માટે યુવતીને ૨૦ ડોલરના બદલામાં સરોવરમાં કૂદવા કહેલું. યુવતીએ પોતાને તરતાં આવડતું એવું કહ્યું તો નતાલીએ પોતે બચાવી લેશે એવી ખાતરી આપેલી. નતાલીના ભરોસે યુવતી કૂદી ગઈ પણ પાણીમાં ડૂબવા લાગી તો નતાલી તેને બચાવવાના બદલે ભાગી ગઈ. પછી ફાયર બ્રિગેડની ટીમે આવીને છોકરીને પાણીમાંથી બહાર કાઢી. 

સોશિયલ મીડિયા પર લોકો નતાલીની ધરપકડની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, નતાલી પહેલાં પણ આ પ્રકારનું વર્તન કરી ચૂકી છે. જો કે કેટલાક યુઝર્સનું કહેવું છે કે, પાણીમાં કૂદેલી છોકરી પણ નતાલીના ડ્રામાનો ભાગ છે, બાકી તરતાં ના આવડતું હોય તો ફાયર ટીમ આવી ત્યાં સુધી છોકરી ડૂબી કેમ ના ગઈ ?  

બજારની વાત                          . 4 - image

બાત મેં દમ હૈ...વિશ્વમાં સૌથી મોંઘી બેંકનોટ ૨૭ કરોડમાં વેચાયેલી

એસ.એસ. શિરાલા નામના ૧૯૧૮માં ડૂબી ગયેલા બ્રિટિશ જહાજમાંથી ડૂબી ગયેલી બ્રિટિશ ઈન્ડિયા શાસનકાળની ૧૦-૧૦ રૂપિયાની બે ચલણી નોટો ૧૨.૭૦ લાખ રૂપિયામાં વેચાઈ તેની ભારે ચર્ચા છે. આ પૈકી એક  નોટ ૬.૯૦ લાખ રૂપિયામાં જ્યારે બીજી નોટ ૫.૮૦ લાખ રૂપિયામાં વેચાઈ હતી.  જૂની નોટોની આ કિંમત બહુ ઉંચી છે પણ અત્યાર સુધીમાં કોઈ બેંક નોટનો સૌથી ઉંચી કિંમતે વેચાવાનો રેકોર્ડ અમેરિકાની નોટનો છે. અમેરિકામાં ૧૦ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ થયેલા હેરિજેટ ઓક્શનમાં અમેરિકન સરકારની ૧૮૯૦ની ૧૦૦૦ ડોલરની નોટ ૩૨.૯ લાખ અમેરિકન ડોલર એટલે કે લગભગ ૨૭ કરોડ રૂપિયામાં વેચાઈ હતી.  આ રકમ આંખો પહોળી થઈ જાય એટલી છે પણ જૂના ચલણી સિક્કાની સરખામણીમાં કંઈ નથી. ૨૦૨૧માં થયેલી હરાજીમાં ૧૯૩૩નો ડબલ ઈગલ સિક્કો ૧.૮૯ કરોડ ડોલર એટલે કે લગભગ રૂપિયા ૧૫૭ કરોડમાં વેચાયો હતો. 

બજારની વાત                          . 5 - image

બે વર્ષના સ્વાર્ઝનું પેઈન્ટિંગ ૬ લાખમાં વેચાયું

જર્મનીના માત્ર બે વર્ષના લૌરેન્ટ સ્વાર્ઝ નામનો બે વર્ષનો છોકરો પોતાનાં એબસ્ટ્રેક્ટ પેઈન્ટિંગથી ધૂમ મચાવી રહ્યો છે. હમણાં તેનું એક પિક્ચર તો ૭ હજાર ડોલર (લગભગ ૬ લાખ રૂપિયા)માં વેચાયું છે. માત્ર બે વર્ષનો હોવા છતાં સ્વાર્ઝ પ્રાણીઓનાં જે પ્રકારનાં એબસ્ટ્રેક્ટ પેઈન્ટિંગ બનાવે છે તેના કારણે વિવેચકો તેને મિનિ પિકાસો ગણાવે છે. સ્વાર્ઝનાં પેઈન્ટિંગ્સ માત્ર કલરના લપેડા નથી પણ હાથી, ડાયનાસોર, ઘોડા સહિતનાં પ્રાણી સ્પષ્ટ દેખાય છે. 

સ્વાર્ઝે એક વર્ષનો હતો ત્યારે પેઈન્ટિંગ બનાવવાનું શરૂ કરેલું. ગયા વરસે પરિવાર સાથે સ્વાર્ઝ એક રીસોર્ટમાં વેકેશન માટે ગયેલો ત્યારે એક્ટિવિટી રૂમમાં બાળકો માટે પેઈન્ટિંગનો સામાન મૂકેલો હતો. સ્વાર્ઝે બ્રશ લઈને બનાવેલું પેઈન્ટિંગ જોઈને તેનાં માતા-પિતા ખુશ થઈ ગયાં. ઘરે આવીને તેમણે સ્વાર્ઝને સ્ટુડિયો જ બનાવી દીધો કે જેમાં સ્વાર્ઝે ૫૦થી વધારે પેઈન્ટિંગ્સ બનાવ્યાં છે.



Google NewsGoogle News