બજારની વાત .
બાબા વેંગાની આગાહીઃયુરોપમાં મુસ્લિમ શાસન આવશે
બલ્ગેરિયાના બાબા વેંગાની ભવિષ્યવાણીઓ સમયાંતરે વાયરલ થતી રહે છે. અત્યારે બાબાની બે આગાહી ધૂમ મચાવી રહી છે. પહેલી આગાહી એ છે કે, યુરોપમાં ૨૦૪૩માં મુસ્લિમ શાસન આવશે અને ૨૦૭૬ સુધીમાં સમગ્ર દુનિયામાં સામ્યવાદી શાસનનો સૌથી વધારે પ્રભાવ હશે. બાબા વેંગાના કહેવા પ્રમાણે, ૨૦૨૫થી યુરોપમાં એક નવા સંઘર્ષની શરૂઆત થશે.
ચીન સામ્યવાદી દેશ છે અને દુનિયા પર ચીનના વધી રહેલા પ્રભાવને જોતાં ૨૦૭૬ સુધીમાં સામ્યવાદી પ્રભાવ વધવાની આગાહી સાચી પડશે એવો મત યુઝર વ્યક્ત કરી રહ્યા છે. યુરોપમાં મુસ્લિમોની વધી રહેલી વસતીના કારણે મુસ્લિમ શાસનની આગાહી પણ સાચી પડી શકે છે એવું સૌનું માનવું છે.
બલ્ગેરિયામાં ૧૯૧૧મા જન્મેલા બાબા વેંગાની સોવિયેત યુનિયનનું પતન, નાઈન ઈલેવનનો હુમલો સહિતની સંખ્યાબંધ આગાહીઓ સાચી પડી છે. આ કારણે વેંગાને વીસમી સદીના નોસ્ત્રાદામસ ગણવામાં આવે છે.
બેંગલુરૂની કંપનીને 'ચીફ ડેટિંગ ઓફિસર'ની જરૂર
ચીનમાં ચિત્રવિચિત્ર નોકરીઓનો ટ્રેન્ડ લાંબા સમયથી ચાલી રહ્યો છે. હવે ભારતમાં પણ એ ટ્રેન્ડ આવી રહ્યો હોવાનું લાગી રહ્યું છે કેમ કે બેંગલુરૂની એક કંપની ટોપમેટે 'ચીફ ડેટિંગ ઓફિસર'ની ભરતીની જાહેરખબર આપી છે. ટોપમેટ મેન્ટરિંગ અને કન્સલ્ટિંગ પ્લેટફોર્મ કંપની છે કે જે યંગસ્ટર્સને અલગ અલગ વિષયો પર સલાહ આપે છે. આ વિષયોમાં રોમાન્સ, લવ, બ્રેક-એપ, ડેટિંગ વગેરે પણ છે તેથી કંપનીને લવ, હાર્ટબ્રેક અને ડેટિંગને લગતી બીજી બાબતોનો માસ્ટર જોઈએ છે કે જે યોગ્ય સલાહ આપી શકે.
આ જગા માટે ઉમેદવારી કરનારને ૨-૩ ડેટિંગ એપ્સનો અનુભવ હોવો જોઈએ, ડેટિંગને લગતા શબ્દોનું જ્ઞાાન હોવું જોઈએ અને ૩ ડેટ્સ તથા ઓછામાં ઓછાં એક બ્રેક અપનો અનુભવ હોવો જોઈએ. પોતાને લવ-ગુરૂ માનતા પણ પહેલાં પ્રેમભગ્ન લોકો અરજી કરી શકે છે. પગાર, કામની શરતો કંપની સાથે વાત કર્યા પછી નક્કી કરવાની છે.
ન્યુઝીલેન્ડના પર્વતને વ્યક્તિનો દરજ્જો અપાયો
ન્યુઝીલેન્ડમાં માઉન્ટ તારાનાકીને એક જીવંત વ્યક્તિ તરીકેનો દરજ્જો અપાયો છે. ન્યુઝીલેન્ડની સરકારે ન્યુઝીલેન્ડની મૂળ પ્રજા એવા માઓરી ટ્રાઈબ્સ (આદિવાસી) લોકો સાથે કરેલા કરાર પ્રમાણે, હવે પછી ૮૨૬૧ ફૂટ ઉંચો આ પર્વત માઉન્ટ તારાનાકી તરીકે નહીં પણ તારાનાકી મૌગા તરીકે ઓળખાશે અને કાનૂની રીતે તેનું નામ તે કાહુઈ તુપુઆ હશે. માઓરી સમુદાયનાં લોકો માને છે કે, આ પર્વત તેમનો પૂર્વજ છે તેથી તેની વ્યક્તિની જેમ કાળજી લેવી જરૂરી છે. ન્યુઝીલેન્ડની સરકારે આ લાગણીને માન આપીને પર્વતને વ્યક્તિનો દરજ્જો આપી દીધો છે.
ન્યુઝીલેન્ડના કાયદા પ્રમાણે, દરેક નાગરિકને મળતા તમામ અધિકારો અને સત્તા તારાનાકી મૌંગાને મળશે અને દરેક નાગરિકની ફરજ તથા જવાબદારીઓ પણ નિભાવવી પડશે. તારાનાકી મૌંગા વતી માઓરી સમુદાયના લોકો ફરજો અને જવાબદારીઓ અદા કરશે. ન્યુઝીલેન્ડની સરકાર તારાનાકી મૌંગાની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરશે.
ગણી શકો એટલી નોટો તમારી, બોનસનો નવો રસ્તો
ચીનમાં કુઆંગશાન ક્રેન કંપનીએ હમણાં કર્મચારીઓને બોનસ આપવા માટે અજમાવેલા રસ્તાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કંપનીએ મોટા હોલમાં ૨૦ મની કાઉન્ટર પર ચીનના યુઆનની ચલણી નોટોનો ઢગલો કરી દીધો. સાથે સાથે લોટરી ડ્રો દ્વારા કર્મચારીઓને ૧ મિનિટથી ૧૫ મિનિટનો સમય આપીને કહી દીધું કે, આ સમયગાળામાં સાચી નોટોની ગણતરી કરીને જેટલી નોટો લઈ જશે એ બધી નોટો તેની ગણાશે.
દરેક કર્મચારીએ કાઉન્ટર પર બેસીને નોટો ગણવાની અને પછી સુપરવાઈઝરને પોતે કેટલી રકમ લેવાની એ કહેવાનું. સુપરવાઈઝર મશીનમાં નાંખીને નોટો ગણે ને કર્મચારીએ કહ્યા પ્રમાણે રકમ નિકળે તો એ બધી નોટો તેની થઈ જાય. ગણતરીમાં એક પણ નોટની ભૂલ નિકળે તો ૧૦૦૦ યુઆન કાપી લેવાની શરત પણ હતી કે જેથી નોટો ગણ્યા વિના કોઈ અડસટ્ટો ના લગાવી દે. આ સ્કીમમાં એક કર્મચારી ૯૭,૮૦૦ યુઆન એટલે કે લગભગ ૧૧.૨૮ લાખ રૂપિયા લઈ ગયો હતો.
શેરોન 4 વાર સ્વર્ગમાં જઈને પાછી આવી
મૃત્યુ પછી જીવન હોય છે ? મૃત્યુ પછી કોઈ પણ વ્યક્તિ ક્યાં જાય છે ? કોઈની પાસે આ સવાલોનો સ્પષ્ટ જવાબ નથી ત્યારે અમેરિકાની ૬૨ વર્ષની શેરોન મિલિમેનનો દાવો છે કે, મૃત્યુ પછી જીવન છે કેમ કે પોતે ચાર વાર મોતને મહાત આપીને સ્વર્ગમાં જઈને પાછી આવી છે.
શેરોનના દાવા પ્રમાણે, ૧૩ વર્ષની ઉંમરે માતા સાથે સ્વિમિંગ માટે ગયેલી પણ અચાનક તરવાનું ભૂલી જતાં ડૂબવા માંડી. શરીર ડૂબી રહ્યું હતું પણ આત્મા ઉપર તરી રહ્યો હતો તેથી કોઈ તકલીફ ના પડી. લાઈફગાર્ડ્સે તેને બચાવીને સીપીઆર દ્વારા જીવતી કરી. બીજી વાર વીજળી પડતાં, ત્રીજી વાર સર્જરીમાં ને ચોથી વાર ખોટી જવા ખાવાથી ગુજરી ગયાનો શેરોનનો દાવો છે.શેરોનના કહેવા પ્રમાણે દરેક વાર અનોખો અનુભવ થયો. દૂરથી એક રોશની આવી ને નજીક આવતાં જ વિશાળ થઈ ગઈ ને પોતાને ઉઠાવીને સ્વર્ગમાં લઈ ગઈ. સ્વર્ગમાં ગુલાબી અને સોનેરી રંગનાં વાદળ હતાં અને એક સોનેરી પુસ્તકમાં અલગ જ લિપિમાં કંઈક લખેલું હતું. શેરોને જીસસ ક્રાઈસ્ટને પણ જોયા કે જે સૌને માર્ગદર્શન આપતા હતા. તેને સરસ ખાવાનું પણ અપાયેલું.
ભવિષ્યમાં બે પુરૂષો બાળક પેદા કરી શકશે
બાળકને જન્મ આપવા માટે ી અને પુરૂષ જરૂરી છે. સ્ત્રી અને પુરૂષના શરીર સંબંધના કારણે બાળકો પેદા થાય છે એ સૌ જાણે છે પણ ચીનના સંશોધકોએ દાવો કર્યો છે કે, ભવિષ્યમાં બે પુરૂષો પણ બાળકો પેદા કરી શકશે. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ (સીએએસ)ના મોલેક્યુવર બાયોલોજિસ્ટ ઝી કુન લીના નેતૃત્વમાં સંશોધકોએ સ્ટેમ સેલ એન્જિનિયરિંગનો પ્રયોગ કરીને બે નર ઉંદર દ્વારા ઉંદરનું બચ્ચું પેદા કરેલું. આ બચ્ચુ લાંબા સમય સુધી જીવ્યું તેથી સંશોધકોને લાગે છે કે, હવે માણસોમાં પણ બે પુરૂષો બાળકો પેદા કરી શકે એ ક્ષમતા ધરાવે છે કે નહીં તેના પ્રયોગો હાથ ધરાશે એ જોતાં ભવિષ્યમાં બે પુરૂષો પણ બાળકો પેદા કરી શકશે.
પશ્ચિમના સંશોધકો પહેલાં આ પ્રકારના પ્રયોગો કરી ચૂક્યા છે પણ તેમને સફળતા નહોતી મળી. ચીના બીજા દેશો ના કરી શક્યા એ કરી બતાવશે તો તેમનો વટ પડી જશે.