બજારની વાત .

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


ચોર બુક વાંચવામાં ડૂબી જતાં ઝડપાઈ ગયો

ઈટાલીના રોમમાં એક ચોર વિચિત્ર રીતે ઝડપાઈ ગયો. ૭૧ વર્ષના એક વૃધ્ધના ઘરમાં ચોરી કરવા ગયેલો ચોર બેડરૂમમાં ગયો ત્યારે  ઘરના માલિક સૂઈ ગયા હતા પણ બાજુના ટેબલ પર ચોર ગિયોવાન્ની નુસ્સીની ગોડ્સ એટ સિક્સ ઓક્લોક બુક પડી હતી. ચોરે કુતુહલ ખાતર બુક ખોલી અને વાંચવા માંડયો તેમાં એટલો તલ્લીન થઈ ગયો કે, સમયનું ભાન જ ના રહ્યું.

ચોર પાનાં પલટતો હતો તેના અવાજથી અચાનક વૃધ્ધ જાગી ગયા ને બૂમાબૂમ કરી તેથી ચોર ભાગી તો ગયો પણ સીસીટીવીમાં ચહેરો કેદ થઈ ગયેલો તેથી પોલીસે તેને ઝડપી લીધો. ચોર પાસેથી મોંઘાં બ્રાન્ડેડ કપડાંની બેગ પણ મળી કે જેનું બિલ તેની પાસે નહોતું તેથી પોલીસે તેને જેલમાં ધકેલી દીધી. નુસ્સીને આ વાતની ખબર પડતાં તેમણે ચોરને પોતાની બુક ગિફ્ટમાં મોકલી છે કે જેથી જેલમાં તેનો ટાઈમ પાસ થાય. 

એક્ટ્રેસે લેન્ડ રોવર સામે માંડયો ૫૦ કરોડનો દાવો

બોલીવુડ એક્ટ્રેસ રીમી સેને લક્ઝરી કાર ઉત્પાદક લેન્ડ રોવર સામે ૫૦ કરોડ રૂપિયાનો વળતરનો દાવો માંડયો છે. રીમી સેનનો દાવો છે કે, ૨૦૨૦માં તેણે લેન્ડ રોવર કંપનીની કાર ખરીદી એ ખામીવાળી હતી. તેના કારણે છેલ્લાં ચાર વર્ષથી અગવડ ભોગવી રહી છે અને માનસિક તણાવમાંથી પણ પસાર થઈ રહી છે. 

રીમીએ ૯૨ લાખ રૂપિયામાં કાર ખરીદી પછી તરત કોરોનાના કારણે લોકડાઉન આવી જતાં આ કાર બહુ વપરાઈ નહોતી. કારની વોરંટી ૨૦૨૩ના જાન્યુઆરી સુધીની હતી પણ કોરોનાના કારણે ત્યાં સુધીમાં કારનો બહુ ઉપયોગ જ નહોતો થયો તેથી કારમાં ખામી હોવાની રીમીને ખબર જ ના પડી.  એ પછી કાર વપરાવા માંડી ત્યારે સનરૂફ, સાઉન્ડ સિસ્ટમ અને રેર-એન્ડ કેમેરામાં ખામી હોવાની ખબર પડી. કેમેરામાં ખામીના કારણે રીમીએ એક્સિડન્ટ પણ કરી દીધેલો. રીમીએ ફરિયાદ કરી પણ કંપનીએ ધ્યાન ના આપ્યું તેથી છેવટે કેસ ઠોકી દીધો છે.

બજારની વાત                          . 2 - image

જોબ્સ-ગેટ્સના ૧૮ વર્ષે બનાવેલા બાયો-ડેટા વાયરલ

વિશ્વના સૌથી મહાન ટેક જાયન્ટ્સ સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સ ૧૮ વર્ષના હતા ત્યારે બનાવેલા રીઝયુમી વાયરલ થયા છે. આ રીઝયુમમાં સ્ટીવ જોબ્સે તો ટાઈપરાઈટર પર લખાયેલા ખાલી જગાવાળા તૈયાર બાયો-ડેટા ફોર્મમાં પેનથી પોતાની વિગતો લખેલી છે જ્યારે બિલ ગેટ્સે ટાઈપરાઈટર પર અલગથી બાયો-ડેટા બનાવ્યો છે. ભવિષ્યમાં બંનેના રીઝયુમી લાખો ડોલરમાં વેચાશે. 

સ્ટીવ જોબ્સે ૧૯૭૩માં લખેલા પોતાના રીઝયુમીમાં ઈલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજીમાં રસ હોવાનું લખેલું. એ વખતે સ્ટીવ જોબ્સ ઓરેગોનની રીડ કોલેજમાં ભણતો હતો. સ્ટીવ જોબ્સે પોતાની પાસે કોમ્પ્યુટરસ કેલક્યુલેટર અને ડીઝાઈનની સ્કીલ હોવાનું પણ લખેલું. સ્ટીવને ત્યાં ફોન નહોતો, ડ્રાઈવિંગ લાયસંસ હતું. 

બિસ ગેટ્સે ૧૯૭૧માં લખેલા રીઝયુમીમાં પોતાની આવક ૩૫૦૦ ડોલર હોવાનું લખેલું. પ્રોગ્રામિંગ લેંગ્વેજીઝ અને કોમ્પ્યુટરની જાણકારી હોવાનું લખેલું અને પૌલ જી એલન સાથેની ભાગીદારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

અજગર સાથે યોગ કરતી જેનના વીડિયોથી બબાલ

ઈન્સ્ટાગ્રામની લોકપ્રિય કન્ટેન્ટ ક્રીયેટર જેન ઝાંગે સ્નેક યોગા નામના નવા યોગનો વીડિયો મૂક્યો તેમાં બબાલ થઈ ગઈ છે. વીડિયોમાં જેન સફેદ બોલ અજગર સાથે યોગ કરતી દેખાય છે. સોશિયલ મીડિયા પર લોકો જેનના વીડિયોને પ્રાણીઓનો દુરૂપયોગ અને પ્રાણીઓ સાથે ક્રૂરતા ગણાવીને ટીકા કરી રહ્યા છે. 

જેનનું કહેવું છે કે, આ અજગર પોતે નથી લાવી પણ એક યોગ કેન્દ્રમાં આ રીતે અજગર સાથે યોગ કરાવાય છે. જેને આ વાત સાંભળી ત્યારે તેને વિચિત્ર લાગેલું તેથી તે તપાસ કરવા ગઈ તો ખરેખર અજગર સાથે યોગ કરાવાતા હતા. એક સાથે ૮ લોકોને અલગ અલગ અજગર આપીને યોગ ઈન્સ્ટ્રક્ટર સૂચના આપે એ પ્રમાણે કરવાનું હતું. જેનનું કહેવું છે કે, એક કલાકના આ યોગ સેશનના કારણે તેનો સાપ અંગેનો ડર બિલકુલ નિકળી ગયો પણ લોકોને આ વાત માફક નથી આવી. 

બજારની વાત                          . 3 - image

કુંવારી છોકરીઓ ગામડાંમાં વસવા કેશની ઓફર

જાપાને અપરણિત યુવતીઓ શહેર છોડીને ગામડાંમાં રહેવા જાય તો ૭ હજાર ડોલર એટલે કે લગભગ ૬ લાખ રૂપિયા આપવાની સ્કીમ બહાર પાડી છે. જાપાનનાં ગામડાંમાં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા ૨૦ ટકા ઓછી છે તેથી છોકરાઓને લગ્ન માટે છોકરીઓ જ મળતી નથી. ૨૦૨૦ની વસતી ગણતરી પ્રમાણે, જાપાનના ૪૬ રાજ્યોમાં ૧૫ વર્ષથી ૪૯ વર્ષની અપરણિત છોકરીઓની સંખ્યા ૯૧ લાખ છે જ્યારે આ જ વયજૂથના અપરણિત છોકરાઓની સંખ્યા ૧.૧૦ કરોડથી વધારે છે. ગામડાંમાં છોકરીઓ ઓછી છે અને શહેરની છોકરીઓ ગામડાંના છોકરાઓને પરણવા તૈયાર નથી. આ કારણે ગામડાંની વસતી મોટા પ્રમાણમાં ઘટી રહી છે. જાપાન સરકારને લાગે છે કે, નાણાંની લાલચ આપવાથી ઓછું ભણેલી છોકરીઓ ગામડાંમાં જઈને રહેવા લાગશે અને ગ્રામીણ છોકરાઓને પરણશે પણ ખરી. આ રીતે ગામડામાં ઘટી રહેલો જન્મદર રોકી શકાશે.

બજારની વાત                          . 4 - image

દુનિયાનું સૌથી નાનું એરપોર્ટ, સ્કેનર મશીન જ નથી

સોશિયલ મીડિયા પર હમણાં દુનિયાના સૌથી નાના એરપોર્ટ ગણાતા કોલંબિયાના અગુઆચિકા શહેરનો વીડિયો વાયરલ થયો છે. હૈકારિટૈમા એરપોર્ટ તરીકે ઓળખાતું આ એરપોર્ટ એકદમ નાની જગામાં બનાવેલું છે ને એરપોર્ટ પર કોઈ શોપ કે બીજું કંઈ નથી. 

એરપોર્ટ પર લોકો બોર્ડિંગ પાસ મેળવે એ માટે અને સામાન ચેક કરાવે એ માટે એમ કુલ બે વેઈટિંગ એરીયા છે. આ પૈકી બોડગ પાસ માટેનો વેઈટિંગ એરીયા તો ઝાડ નીચે છે કે જ્યાં બેસીને લોકો તડકામાં ઉભા ઉભા વેઈટ કરે છે. સામાન ચેક કરવા માટે સ્ત્રી અને પુરૂષો માટે અલગ અલગ વેઈટિંગ રૂમ છે પણ સ્કેનિંગ મશીન નથી.  સીક્યુરિટી સ્ટાફ મેન્યુઅલી સામાન ચેક કરે છે. એરપોર્ટ પર દિવસમાં એક જ ફ્લાઈટ આવે છે કે જેમાં ૪૮ પ્રવાસી જઈ શકે છે તેથી કોઈ ભીડ પણ નથી થતી.



Google NewsGoogle News