બજારની વાત .
ચીનની ખતરનાક લૂટેરી દુલ્હન, ૩ વર્ષમાં ૫૦ લગ્ન
ભારતમાં લૂટેરી દુલ્હનોના કિસ્સા બહુ વાંચવા મળે છે. જેને કન્યા ના મળતી હોય એવા યુવક સાથે લગ્ન કરીને પછી ઘરમાંથી વાળીચોળીને બધું સાફ કરીને જતી રહેનારી લૂટેરી દુલ્હનોની આપણે ત્યાં કમી નથી પણ ચીનમાં પણ આ ધંધો બરાબરનો ફૂલ્યોફાલ્યો છે. ચીનમાં ઓનલાઈન ડેટિંગ અને મેટ્રિમોનિયલ સાઈટ્સનો રાફડો ફાટયો છે કેમ કે છોકરાઓને છોકરીઓ મળતી નથી. તેનો ગેરલાભ ભરપૂર ઉઠાવાઈ રહ્યો છે.
ચીનમાં હમણાં આવી એક લૂટેરી દુલ્હન પકડાઈ કે જેણે નકલી લગ્નની હાફ સેન્ચુરી પૂરી કરી છે. આ લગ્નો દ્વારા તેણે ૫૦ લાખ યુઆન (લગભગ ૬ કરોડ રૂપિયા)નો માલ એકઠો કર્યો છે. આ લૂટેરી દુલ્હનની આખી ગેંગ જ કામ કરે છે તેથી એકને છેતરીને ભાગે કે તરત બીજાં લગ્નનો તખ્તો તૈયાર જ કરી દેવાયો હોય છે. આ રીતે ૫૦ લગ્ન તેણે માત્ર ૩ વર્ષમાં જ કર્યાં છે.
સોફીની સોશિયલ મીડિયા પર રોજની કમાણી 1 કરોડ
સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સની કમાણી કરોડોમાં હોય છે એવું આપણે સાંભળ્યું છે પણ મોડલ સોફિ રાયને હમણાં પોતાની કમાણીનો જે આંકડો જાહેર કર્યો એ સાંભળીને સૌની આંખો ફાટી ગઈ છે. સોફીએ એક્સ પર છેલ્લા એક વર્ષની પોતાની ઓનલીફેન્સ એપની કમાણીનો સ્ક્રીન શોટ મૂક્યો છે. સ્ક્રીન શોટ પ્રમાણે, સોફીની કમાણી ૪.૩૪ કરોડ ડોલર છે. રૂપિયામાં તેને કન્વર્ટ કરો તો લગભગ ૩૬૫ કરોડ રૂપિયા થાય. મતલબ કે, સોફીની રોજની કમાણી એક કરોડ રૂપિયાની છે.
સોફીએ સ્પોર્ટ્સપર્સન અને એક્ટ્રેસ સાથે પોતાની કમાણીની સરખામણીના આંકડા પણ આપ્યા છે. બાસ્કેટબોલ સ્ટાર જેસન ટાટુમ સહિતના ઘણા સ્પોર્ટ્સપર્સન વરસમાં સોફી જેટલું કમાતા નથી. સોફીનો ઓનલીફેન્સ પરનો ચાહક વર્ગ બહુ મોટો છે પણ સોફીની પોસ્ટના ચાહકો પણ ઓછા નથી. સોફીની આ પોસ્ટ વાયરલ થઈ ગઈ અને તેને ૨ કરોડ જેટલા વ્યૂ મળ્યા છે.
રમતાં રમતાં ગળી ગયેલા ડાઈસની ૨૦ વર્ષે ખબર પડી
બાળકો રમતાં રમતાં કોઈ પણ વસ્તુ મોંમાં કે કાનમાં નાંખી દે એવું બનતું હોય છે. મોટા ભાગે માતા-પિતાનું ધ્યાન તેની તરફ જાય એટલે તરત એ વસ્તુ કઢાવી દે છે પણ ક્યારેક કોઈનું ધ્યાન જ ના જાય તો મોટી તકલીફ થઈ શકે. ચીનના શાંક્સી પ્રાંતમાં રહેતા ૨૩ વર્ષના યુવકને સતત શરદી અને તાવ રહેતાં તથા સતત છીંકો આવ્યા કરતી. વરસોથી આ તકલીફ હતી પણ ડોક્ટરો શરદી-તાવની દવા આપે એટલે સારું થઈ જતું.
હમણાં યુવક શિયાન ગાઓશિન હોસ્પિટલ ગયો ત્યારે ડોક્ટરે તેની ઝીણવટપૂર્વક તપાસ કરી તો ખબર પડી કે, નાકમાં કશુંક અટકેલું છે. તરત નોસલ એન્ડોસ્કોપી કરાઈ તો અંદરથી બે સેમી લાંબો ડાઈસ નિકળ્યો. આ ડાઈસ નાકમાં કઈ રીતે પહોંચી ગયો એ ખબર નથી પણ ડોક્ટરોએ તેને બહાર કાઢી દેતાં હવે બિમારી મટી ગઈ છે.
યુવકે ભાઈને લગ્નમાં ૩૫ ફૂટ લાંબો નોટોનો હાર પહેરાવ્યો
ભારત-પાકિસ્તાનમાં લગ્ન સમયે છોકરા કે છોકરીના ગળામાં નોટોનો હાર પહેરાવાય એ નવી વાત નથી પણ નોટોનો ૩૫ ફૂટ લાંબો હાર પહેરાવે એવું સાંભળ્યું છે ? પાકિસ્તાનના પંજાબના ભાક્કરમાં એક યુવકે પોતાના ભાઈને લગભગ ૨૦૦૦ નોટોનો બનેલો ૩૫ ફૂટ લાંબો અને ચાર ફૂટ પહોળો હાર પહેરાવી દીધો. આ હારને પકડવા માટે જ ૧૦ લોકોને રાખવા પડયા.
યુવકે પાકિસ્તાની ચલણની ૭૫ રૂપિયાની ૨૦૦ અને ૫૦ રૂપિયાની ૧૭૦૦ નોટો વાપરીને આ હાર બનાવેલો. હારને આકર્ષક બનાવવા માટે કલરફુલ રીબન અને આટફિશિયલ ફૂલો પણ વાપરવામાં આવ્યાં હતાં. પાકિસ્તાની ચલણ પ્રમાણે ગણો તો હારમાં ૧ લાખ રૂપિયા (ભારતીય ચલણમાં ૩૦ હજાર રૂપિયા)ની નોટો વપરાઈ હતી. એ હિસાબે હાર બહુ મોંઘો નથી પણ આ આઈડિયા સાવ અલગ હોવાથી તેનો વીડિયો જોરદાર વાયરલ થઈ ગયો છે.
દિલ્હીના વિદ્યાર્થીએ મોનાલિસાનું ભારતીય વર્ઝન બનાવ્યું
લિયોનાર્દો દ વિન્ચીના વિશ્વવિખ્યાત પેઈન્ટિંગ મોનાલિસાનું ભારતીય સ્વરૂપ દિલ્હી યુનિવસટીના એક વિદ્યાર્થીએ આટફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એ.આઈ.ની મદદથી બનાવ્યું છે. રાશિ પાંડે નામના વિદ્યાર્થીએ બનાવેલી ઈન્ડિયન મોનાલિસા પરંપરાગત ભારતીય વોમાં છે અને માથાને દુપટ્ટાથી ઢાંકેલું છે. માંગમાં ટિક્કો, કાનમાં ઝૂમખા અને ગળામાં હાર સહિતની ભારતીય જ્વેલરી પહેરેલી મોનાલિસા અદ્દલ ભારતીય લાગે છે. રાશિ પાંડેએ સોશિયલ મીડિયા યુઝર્સને ભારતીય મોનાલિસા માટે યોગ્ય નામ સૂચવવા માટે પણ લોકોને અપીલ કરી છે. લોકોએ મોનાલી સા, મોનિકા ભાભી, મોનાલિસા બેગમ સહિતનાં નામ સૂચવ્યાં છે પણ જામતાં નથી. તમને કોઈ નામ સૂઝે તો તમે પણ સૂચન મોકલી શકો છો.
વિન્ચીના પેઈન્ટિંગમાં મોનાલિસાનું ભેદી સ્મિત સૌને આકર્ષે છે. આ સ્મિતની પાછળનું રહસ્ય શું એ સતત ચર્ચાનો વિષય છે ત્યારે એઆઈ પાસેથી તેનું રહસ્ય જાણવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ એવું પણ કેટલાકનું સૂચન છે.