સાયબર સુરક્ષા પર સૌથી વધુ ખર્ચ છતાં હુમલા યથાવત
ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, મોટાભાગના સાઈબર હુમલા ઈ-મેલ અને ફિશિંગ દ્વારા થઈ રહ્યાં છે. અહેવાલમાં જણાવાયું છે કે સ્થાનિક સાયબર સિક્યોરિટી માર્કેટે ૨૦૨૦ અને ૨૦૨૨ની વચ્ચે ડિજિટલાઇઝેશનની વધતી માંગ અને એજ કમ્પ્યુટિંગ, જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) જેવી ઉભરતી તકનીકીઓ વચ્ચે ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. ભારતીય સાયબર સિક્યુરિટી માર્કેટનો વૈશ્વિક હિસ્સો ૨૦૨૮ સુધીમાં પાંચ ટકા સુધી પહોંચી જશે, જે હાલમાં ત્રણ ટકા છે. આમ છતાં આ ક્ષેત્રમાં કુશળ વ્યાવસાયિકોની અછત એ એક મોટો પડકાર છે.
જે રીતે સાયબર હુમલા વધી રહ્યા છે અને નિયમનકારી પ્રક્રિયાને વધુ કડક બનાવવામાં આવી રહી છે તે ધ્યાનમાં લેતા, બેન્કિંગ, નાણાકીય સેવાઓ, વીમો અને માહિતી અને સંબંધિત ટેકનોલોજી ક્ષેત્રો સાયબર સુરક્ષા પર સૌથી વધુ ખર્ચ કરી રહ્યા છે. નવી તકનીકોના અમલીકરણની પ્રક્રિયાને સુરક્ષિત બનાવવા માટે, ૨૦૧૯ અને ૨૦૨૩ની વચ્ચે આ ક્ષેત્રોમાં ખર્ચમાં અનુક્રમે ૩૫ અને ૩૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
વૈશ્વિક સ્તરે વાત કરીએ તો, ડેટા ભંગ, ડેટા ચોરી, ડિજિટલ સેવાઓમાં વિક્ષેપ અને માહિતી સુરક્ષા અને જોખમ વ્યવસ્થાપનને રોકવા માટેનો વૈશ્વિક ખર્ચ ૨૦૨૨ સુધીમાં ૧૬૯ બિલિયન ડોલરથી વધીને ૧૮૮ બિલિયન ડોલર થઈ ગયો છે. કલાઉડ સિક્યુરિટીમાં વાર્ષિક ધોરણે ૨૫.૨ ટકા વૃદ્ધિ જોવા મળી છે.
ભારત ઝડપથી ડિજીટલ યુગ તરફ જઈ રહ્યું હોવાથી વર્તમાન રૂ. ૪૦,૦૦૦ કરોડનું સાયબર સિક્ટોરિટી માર્કેટ ૨૦૨૯ સુધીમાં રૂા. એક લાખ કરોડે પહોંચશે. સામાન્ય નાગરીકો, કોર્પોરેટ્સ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારના સ્તરે વિવિધ સાયબર સોલ્યુશનની વધતી જરૂરીયાતને પહોંચવા માટે પ્રોડ્કટની સાથે તેના ઉકેલની જરૂરીયાત ઊભી થશે એમ જણાવીને ૬૩ મૂન્સે ઉમેર્યું હતું કે ભારતમાં માત્ર સ્થાનિક જ નહીં વૈશ્વિક સ્તરેથી દર વર્ષે મોટી સંખ્યામાં સાયબર એટેક થઈ રહ્યાં છે. આમાં વ્યક્તિગતથી લઈ કોર્પોરેટ અને સરકારી સંસ્થાઓ સુધીનો સમાવેશ થાય છે. એકલા ગુજરાતમાં જ ગત વર્ષે નહીં ઉકેલી શકાયેલા રૂા. ૧૫૬ કરોડના સાયબર ફાઈનાન્સિયલ ફ્રોડ નોંધાયા હતા.
હેલ્થકેર, બેન્કિંગ, એજ્યુકેશન, ડિફેન્સ, નાણાકીય-માર્કેટ ટ્રાન્ઝેકશન, ફાઈનાન્સિયલ એવા અનેક સાયબર ફ્રોડ રોજ થઈ રહ્યાં છે. ગુજરાતમાં ૨૦૨૩માં દૈનિક ૩૩૩ કેસ થઈ રહ્યા હોવાના ડેટા પ્રાપ્ત થાય છે. ભારતમાં આને કારણે સાયબર સિક્યોરિટીનું માર્કેટ ઝડપથી વિકસી રહ્યું હોવાથી ત્રણ વિવિધ પ્રોડક્ટ વિકસાવી છે. આમાં મોબાઈલ સિક્યોરિટીઝ સોલ્યુશન, એન્ટરપ્રાઇસ સોલ્યુશન અને જાહેર ઇન્ફ્રાસ્ટ્રકચર નેટવર્કને સુરક્ષા પૂરી પાડતા સાયબરડોમનો સમાવેશ થાય છે. કંપની સામાન્ય નાગરીકથી લઈને નાના-મોટા કોર્પોરેટ અને સરકારી સંસ્થાઓને આ હેઠળ આવરી લેશે.
ભારતમાં માત્ર સ્થાનિક હેકર્સ જ નહીં અમેરિકા, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અખાતના વિસ્તારમાંથી સતત સાયબર એટેક થઈ રહ્યા છે. હેકર્સ દ્વારા સાયબર એટેક હેઠળ ડિપફેકની નવી મોડસ ઓપરેન્ડી અપનાવાઈ હોવાથી ભવિષ્યમાં તે મોટું જોખમ ઊભું કરી શકે છે.
છેલ્લાં કેટલાંક સમયથી દેશના સેલિબ્રિટીથી લઈને અનેક વ્યક્તિઓ ડિપફેક સાયબર એટેકેના ભોગ બન્યા છે. આ એટેક વોઇસ અને ફેસ બન્ને રીતે જોખમ સર્જી શકે છે.