સિમેન્ટમાં ઉત્પાદન ખર્ચ વધતાં કોસ્ટીંગ ઘટાડવા ઉત્પાદકોના શરૂ થયેલા પ્રયત્નો
- સિમેન્ટની હેરફેરનો લોજીસ્ટીકનો ખર્ચ પણ વધ્યો
- પ્રોડકશન કોસ્ટ વધતાં નફો દબાણ હેઠળ આવ્યાના નિર્દેશોઃ જો કે સિમેન્ટ વેંચાણમાં નોંધાયેલી વૃદ્ધી
દેશમાં સિમેન્ટ બજાર તથા ઉદ્યોગ વિશ્વમાં તાજેતરમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. આ પૂર્વે બે વર્ષ દરમિયાન કોરોના તથા લોકડાઉનના પગલે બાંધકામ ક્ષેત્રે પ્રવૃત્તિ ધીમી પડી ગઈ હતી અને તેના પગલે સિમેન્ટ બજારમાં આ ક્ષેત્ર તરફથી આવતી માગને ફટકો પડયો હતો. જો કે હવે લોકડાઉનના બદલે રિઓપનિંગનીપ્રક્રિયા વેગથી શરૂ થતાં આ વર્ષે જાન્યુઆરીથી મે મહિના સુધીના ગાળામાં દેશના સિમેન્ટ બજારોમાં માગ ફરી વધેલી જોવામળી હતી. જો કે ચોમાસાના આરંભ વચ્ચે જૂન તથા જુલાઈમાં આવી માગમાં ફરી પીછેહટ જોવા મળી હતી. જૂન તથા જુલાઈની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં જોકે માગ ફરી ઊંચી ગઈ છે. તહેવારોની મોસમ શરૂ થતાં આવી મોસમી માગ બજારમાં તાજેતરમાં જોવા મળી છે. હવે આગળ ઉપર માગ કેવી રહે છે તેના પર બજારના ખેલાડીઓની નજર મંડાઈ છે. સિમેન્ટ ઉદ્યોગમાંથી મળી રહેલા નિર્દેશો મુજબ સિમેન્ટ ઉત્પાદનનો ખર્ચ તાજેતરમાં વધ્યો છે.
રશિયા તથા યુક્રેન વચ્ચે વોરના પગલે વિશ્વ બજારમાં ઊર્જાના વિવિધ સાધનો ક્રૂડ ઓઈલ, કોલસો વિ.ના ભાવ ઉંચા ગયા છે અને તેના પગલે સિમેન્ટ ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે. આવો ઉત્પાદન ખર્ચ વધતાં સિમેન્ટ ઉત્પાદકોની નફાકારતાને તાજેતરમાં અસર પડતી જોવા પણ મળી છે. જૂન ૨૦૨૨ અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આવી સ્થિતિ જોવા મળી છે.
આ ગાળામાં સિમેન્ટ ઉત્પાદકોના નફામાં આશરે ૨૧થી ૨૨ ટકા જેટલી પીછેહટ જોવા મળી છે. જો કે આ ગાળામાં એકંદર માગ વૃદ્ધી તથા ભાવ વૃદ્ધીના પગલે સિમેન્ટ વેંચાણના આંકડાઓ ૨૩થી ૨૪ ટકાની વૃદ્ધી બતાવનારા પણ મળ્યા છે. જો કે પાવર તથા ફયુઅલ ખર્ચ વધતાં નફાકારકતાને અસર પડી છે. જો કેજુલાઈ તથા ઓગસ્ટ મહિનામાં આ સ્થિતિમાં ફરી બદલાવ પણ જોવા મળ્યો છે.
દેશમાં સિમેન્ટની જે કુલ માગ રહે છે એ પૈકી આશરે ૨૪થી ૨૫ ટકા માગ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાંથી આવે છે એ જોતાં હવે આ ક્ષેત્રની માગ કેવી નિકળે છે તેના પર સિમેન્ટ બજારના ખેલાડીઓની નજર રહી છે. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપરાંત હાઉસિંગ બાંધકામ ક્ષેત્રમાંથી પણ સિમેન્ટની માગ વિશેષ આવે છે પરતુ તાજેતરમાં વ્યાજ દર વધતાં હાઉસિંગ ક્ષેત્રમાં તહેવારોટાંણે નિકળતી મોસમી માગ પણ આવી વ્યાજ વૃદ્ધિની હવે કેવી અસર પડે છે તેના પર પણ સિમેન્ટ બજારની નજર રહી છે. હાઉસિંગ લોનના ઈએમઆઈ વધી રહ્યા છે. ગ્રામિણ વિસ્તારમાં રહેતી માગની રાહ પણ બજારમાં જોવાઈ રહી છે. ભારતમાં સિમેન્ટ ઉત્પાદનના આંકડા ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે ગણાય છે. ભારતમાં સિમેન્ટની કુલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક આશરે ૫૦ કરોડ ટન આસપાસ ગણાય છે તથા કુલ વાર્ષિક ઉત્પાદન આશરે ૩૦ કરોડ ટન આસપાસ થાય છે. આમ ઉત્પાદન ક્ષમતાનો વપરાશ ક્ષમતાથી ઓછો રહ્યો છે. દેશમાં સિમેન્ટનું જે કુલ ઉત્પાદન થાય છે એ પૈકી આશરે ૭૦ ટકા ઉત્પાદન ટોચના ૧૮થી ૨૦ સિમેન્ટ ઉત્પાદકો દ્વારા કરવામાં આવે છે.
ક્રૂડ ઓઈલ, કોલસો તથા પેટકોકના ભાવ વધતાં સિમેન્ટ ઉત્પાદનનો ખર્ચ તાજેતરમાં ઉંચો ગયો છે લાઈમસ્ટોન તથા કલેના ભાવ પણ વધ્યા છે. સિમેન્ટની હેરફેરનો લોજીસ્ટીકનો ખર્ચ પણ વધ્યો છે. પાવર પ્લાન્ટો તથા સ્ટીલ પ્લાન્ટોમાં પેટા પ્રોડકટ તરીકે ઉત્પાદીત થતા ફલાય એશ બ્લાસ્ટ ફર્નેશ સ્નેગનો વપરાશ પણ સિમેન્ટ ઉત્પાદનમાં થાય છે.
ફયુઅલ તથા પાવર માટે સિમેન્ટ ઉત્પાદકો વિશેષરૂપે આયાતી કોલસા પર તથા આયાતી પેટકોક પર આધાર રાખે છે. ઘરઆંગણે કોલસા તથા લીગ્નાઈટના ઉત્પાદનમાં વૃદ્ધી ધીમી પડતાં આયાત પર આધાર વધ્યો છે. ઘણાં સિમેન્ટ ઉત્પાદકો પોતાની લાઈમસ્ટોનની ખાણો (માઈન્સ ) ધરાવે છે. ઘણા સિમેન્ટ ઉત્પાદકો હવે વેસ્ટ હીટ રિકવરી પદ્ધતિનો ઉપયોગ કરી ઉત્પાદન ખર્ચ નીચો રાખવાના પ્રયત્નો પણ કરતા થયા છે. પેટકોકનો ભાવ ડિસેમ્બર ૨૦૨૧માં ટનના આશરે ૨૦૫થી ૨૧૦ ડોલર બોલાતા હતા તે રશિયા-યુક્રેન વોર પછી ઉછળતા રહી મે સુધીમાં ૪૦૦ ડોલર સુધી પહોંચ્યા હતા.