એરાઉન્ડ ધ માર્કેટ .
પ્રોજેક્ટ અટકવાનો દર એક દાયકામાં સૌથી નીચો
ખાનગી મૂડીરોકાણ અટકી જવાને કારણે પ્રોજેક્ટ અટકવાનો દર એક દાયકામાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેના બુલેટિનમાં ઈન્વેસ્ટમેન્ટ સાઈકલ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો. આરબીઆઈએ કહ્યું હતું કે હવે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટનો સમય આવી ગયો છે અને તેમાં વિલંબ ન થાય તે જરૂરી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના સપ્ટેમ્બર ક્વાર્ટરના ડેટા અનુસાર, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રોજેક્ટ્સનો અટકી જવાનો દર લગભગ ૪.૬૧ ટકા હતો.
માર્ચ ૨૦૨૦માં આ આંકડો સૌથી વધુ ૧૦.૫૩ ટકાએ પહોંચ્યો હતો. ત્યારથી તેમાં ઘટાડો થયો છે. અટકેલા પ્રોજેક્ટ્સના મૂલ્યમાં ઘટાડો અને નિર્માણાધીન પ્રોજેક્ટ્સના મૂલ્યમાં નોંધપાત્ર વધારાને કારણે કુલ અટકેલા પ્રોજેક્ટ્સના દરમાં ઘટાડો થયો છે.
દેવું ચૂકવવામાં મદદ કરવા માટે વાટાઘાટોની જરૂર
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે દેવાની કટોકટીનો સામનો કરી રહેલા દેશોને મદદ કરવા માટે ગંભીરતાથી વાતચીત કરવાની જરૂર છે. વોશિંગ્ટનમાં વિશ્વ બેંક અને આઈએમએફની વાર્ષિક મીટિંગ ૨૦૨૪ની બેઠકમાં બોલતા, તેમણે કહ્યું કે નોંધપાત્ર રોકાણો સાથે સમાધાન કર્યા વિના દેશોને દેવું ચૂકવવામાં મદદ કરવા માટે સઘન વાટાઘાટોની જરૂર પડશે. સીતારમને કટોકટી ભંડોળના સાધનોનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી હતી કારણ કે તે વિલંબિત જવાબદારીઓમાં પરિણમી શકે છે અને ભવિષ્યના દેવા પડકારોને વધુ ખરાબ કરી શકે છે. ગ્લોબલ સોવરિન ડેટ રાઉન્ડટેબલ કોન્ફરન્સ ધિરાણકર્તાઓ અને ઉધાર લેનારાઓને એકસાથે લાવે છે.
તેનો ઉદ્દેશ ઋણ ટકાઉપણું અને દેવું પુનઃરચનાનાં પડકારો પર વિવિધ પક્ષકારો વચ્ચે સામાન્ય સમજ વિકસાવવાનો અને તેને ઉકેલવાના માર્ગો શોધવાનો છે. બહુપક્ષીય વિકાસ બેંકોને વૈશ્વિક પડકારોનો ગંભીરતાથી સામનો કરવા અને ભંડોળની જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ બનાવવાનો માર્ગ શોધવો પડશે. તેમણે ભવિષ્યમાં ભલામણોના અમલીકરણ પર નિયમિત દેખરેખ રાખવાનો પણ અનુરોધ કર્યો હતો.