એરાઉન્ડ ધ માર્કેટ .
હવે બધાની નજર ખરીફ પાક પર
હવે તમામની નજર ખરીફ પાક પર છે કારણ કે તેના પરથી આવનારા મહિનામાં ફુગાવો કેવો રહેશે તેનો અંદાજ આવશે. તાજેતરમાં શાકભાજીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો કારણ કે આ વખતે ચોમાસું પણ લાંબું ચાલ્યું હતું અને ભારે વરસાદ થયો હતો, જેના કારણે ઉત્પાદન પર અસર પડી હતી. શિયાળાની શરૂઆત થતાં જ શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે.
થોડા અઠવાડિયા પહેલા જાહેર કરાયેલા ૨૦૨૪-૨૫ની ખરીફ સિઝન માટેના પ્રથમ આગોતરા અંદાજ મુજબ, તાજેતરમાં સમાપ્ત થયેલી ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન રેકોર્ડ ૧૨૦ મિલિયન ટન થવાની ધારણા છે, જે ગયા વર્ષ કરતાં ૫.૯ ટકા વધુ છે.
ચોખાના ઉત્પાદનમાં આ વખતે વિસ્તાર વધારો, લાંબા ચોમાસા અને સાનુકૂળ ભાવને કારણે વધારો થયો છે. સરકારે પહેલીવાર ખરીફ સિઝનમાં ડિજિટલ પાક સર્વે હાથ ધર્યો છે, જેમાં ડાંગરના વિસ્તારનું સચોટ આકલન કરવામાં આવ્યું છે, તેથી કુલ ઉત્પાદનમાં વધારો થયો છે.
ઓટો ક્ષેત્રે પ્રતિકૂળતા યથાવત
મુખ્ય વાહન અને કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓના શેર છેલ્લા કેટલાક સમયથી દબાણનો સામનો કરી રહ્યા છે. આમાંથી કેટલાક શેરો છેલ્લા ચાર સપ્તાહમાં ૨૩ ટકા સુધી તૂટયા છે. વિશ્લેષકો માને છે કે નબળા માસિક વેચાણ, ડીલરો પાસે વાહનોની ઊંચી ઈન્વેન્ટરી અને ઉત્પાદનમાં મંદીને કારણે શેરમાં ઘટાડો થયો છે. નબળી માંગને કારણે ઉત્પાદકો ઉત્પાદન ઘટાડી રહ્યા છે.
તહેવારની સિઝનમાં કેટલાક જૂના સ્ટોકનો વપરાશ થયો હોવા છતાં, ઓક્ટોબરના અંતમાં ડીલરો પાસે ન વેચાયેલા વાહનોની ચોક્કસ સંખ્યા હજુ સુધી અમને ખબર નથી. કોરોના પછી કારની માંગ વધી હતી તે હવે નબળી પડી છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટરના પુરવઠાના અભાવને કારણે પણ ઉત્પાદનને અસર થઈ હતી. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે માત્ર ૧૦ લાખ રૂપિયાથી વધુ કિંમતની કારનું વેચાણ વધી રહ્યંક છે. તેથી એકંદર વેચાણ સુસ્ત છે.