એરાઉન્ડ ધ માર્કેટ .
ઇક્વિટી ફંડમાં રોકાણ ૫ મહિનાના નીચા સ્તરે
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં સપ્ટેમ્બર દરમિયાન રૂ. ૩૪,૪૧૯ કરોડનું રોકાણ જોવા મળ્યું હતું, જે ઓગસ્ટની સરખામણીમાં ૧૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. સેક્ટર આધારિત ફંડ્સ અને મોટી કંપનીઓના ફંડ્સમાં રોકાણમાં ભારે ઘટાડાથી માસિક ધોરણે ઘટાડો થયો છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ) દ્વારા જાહેર કરાયેલ ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બર ૨૦૨૪ ઇક્વિટી ફંડ્સમાં ચોખ્ખો નાણાપ્રવાહનો સતત ૪૩મો મહિનો હતો. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે ઓગસ્ટ મહિનામાં રૂ. ૧.૦૮ લાખ કરોડનો ઉપાડ કર્યો હતો જ્યારે સપ્ટેમ્બરમાં ઉપાડ રૂ. ૭૧,૧૧૪ કરોડ હતો. ડેટા અનુસાર, ઇક્વિટી-કેન્દ્રિત યોજનાઓમાં રોકાણ ગયા મહિને રૂ. ૩૪,૪૧૯ કરોડ હતું, જે એપ્રિલ પછીનું સૌથી નીચું સ્તર છે. ઓગસ્ટમાં રૂ. ૩૮,૨૩૯ કરોડ અને જુલાઈમાં રૂ. ૩૭,૧૧૩ કરોડની સરખામણીએ આ પ્રવાહ ઘણો ઓછો હતો.
રાજ્યોને એડવાન્સ ટેક્સની ફાળવણી
આગામી તહેવારો અને મૂડી ખર્ચમાં વધારો કરવા માટે સરકારે રાજ્યોને રૂ. ૮૯,૦૮૬.૫૦ કરોડના એડવાન્સ હપ્તા સહિત ટેક્સ શેરના ટ્રાન્સફર તરીકે રૂ. ૧.૭૮ લાખ કરોડ જારી કર્યા હતા. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આમાં આક્ટોબર ૨૦૨૪ ના રોજના નિયમિત હપ્તા ઉપરાંત એડવાન્સ હપ્તાનો સમાવેશ થાય છે. આ હપ્તો આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યો છે અને તે વિકાસ/કલ્યાણ સંબંધિત ખર્ચને ભંડોળમાં મદદ કરી શકે છે. ટેક્સ ડિવોલ્યુશનના રાજ્યવાર ડેટા અનુસાર, સૌથી વધુ રૂ. ૩૧,૦૦૦ કરોડ ઉત્તર પ્રદેશને, ત્યારબાદ રૂ. ૧૩,૯૮૭ કરોડ મધ્યપ્રદેશને અને રૂ. ૧૩,૪૦૪ કરોડ પશ્ચિમ બંગાળને આપવામાં આવ્યા હતા. ધોરણો મુજબ વિતરિત કરવેરા પૂલની રકમ ૧૪ વાર્ષિક હપ્તામાં આપવામાં આવે છે.