એરાઉન્ડ ધ માર્કેટ .
રિયલ એસ્ટેટ ડેવલપર્સમાં સાવચેતીનો અભિગમ
અગ્રણી રિયલ એસ્ટેટ કંપનીઓ તેમના સંભવિત પ્રોજેક્ટ્સને આગળ ધપાવવામાં સાવધાનીપૂર્વકનો અભિગમ અપનાવી રહી છે જેથી રહેણાંક શ્રેણીમાં વેચાયેલા મકાનોનો વધુ પડતો સ્ટોક ન રહે. બજારમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને, ખરીદદારો અને રોકાણકારો રિયલ એસ્ટેટ પરના તેમના ખર્ચને મુલતવી રાખી રહ્યા છે. રિયલ એસ્ટેટ બજારના નિરીક્ષકો અને વિકાસકર્તાઓએ જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં મુંબઈ, ગુરુગ્રામ અને કેટલાક અન્ય વિસ્તારોમાં બજારની પ્રવૃત્તિમાં મંદી જોવા મળી શકે છે. રિયલ એસ્ટેટ વિશ્લેષકો અને સંશોધન કંપનીઓના અહેવાલ મુજબ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પાછલા વર્ષો કરતાં વેચાણ ઓછું રહેશે. આના મુખ્ય કારણોમાં મકાનોના ભાવમાં વધારો, ભૂ-રાજકીય વિકાસને કારણે રોકાણકારોનું સાવચેત વલણ અને ભારતીય અર્થતંત્રમાં કેટલીક નબળાઈઓ સામેલ છે.
ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ માટે મુશ્કેલી
ભારતમાં નવીનતા વધતી જાય છે તેમ, ડીપ-ટેક રોકાણકારો કહે છે કે તેઓ બજાર માટે યોગ્ય ઉત્પાદનો મેળવવામાં પડકારોનો સામનો કરી રહ્યા છે. રોકાણકારોએ એ વાત પર ભાર મૂક્યો હતો કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વેગ પકડી રહી હોવા છતાં, ડીપ-ટેક ઉત્પાદનોને સંશોધન અને વિકાસના તબક્કામાંથી વ્યાપારી ઉપયોગ તરફ સંક્રમણ કરવામાં ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આર્થિક સર્વેક્ષણ ૨૦૨૩-૨૪ મુજબ, દેશમાં AI,IoT, રોબોટિક્સ અને નેનો ટેકનોલોજીમાં ૧૩,૦૦૦થી વધુ DPIIT માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે. આટફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સ હબ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે આપણે આપણા મોડેલો લોન્ચ કરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે સૌથી મોટો પડકાર ગુણવત્તા અને સંભવિત ગ્રાહક માટે યોગ્ય ઉત્પાદન બનાવવાનો હોય છે.