એરાઉન્ડ ધ માર્કેટ .
રોકાણકારો FMCG, IT અને ફાર્મા શેરો તરફ વળ્યા
બજારમાં બે વર્ષના નબળા પ્રદર્શન બાદ રોકાણકારો ફરી એકવાર FMCG, IT અને ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરના શેરો તરફ વળ્યા છે. સામાન્ય રીતે આ ક્ષેત્રને સલામત ગણવામાં આવે છે કારણ કે બજારની વધઘટ તેમને વધારે અસર કરતી નથી. તેથી જ તેમને રક્ષણાત્મક શેર પણ કહેવામાં આવે છે. આ ત્રણ સેક્ટરનું કુલ વેઇટેજ હવે વધીને ૨૭.૬ ટકા થઈ ગયું છે, જે ડિસેમ્બર ૨૦૨૩માં ૨૭.૧ ટકા પર ચાર વર્ષમાં સૌથી ઓછું હતું. ઇન્ડેક્સમાં સલામત ક્ષેત્રનું ભારણ મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ ઉત્પાદકોને કારણે વધ્યું છે, પરંતુ જુલાઈમાં FMCG અને IT કંપનીઓનું પ્રદર્શન વ્યાપક બજાર કરતાં વધુ સારું રહ્યું છે. FMCG અને IT ક્ષેત્રના ટોચના શેરોએ છેલ્લા મહિનામાં સારું પ્રદર્શન કર્યું છે અને ઇન્ડેક્સમાં તેમનું વેઇટેજ પણ વધ્યું છે. FMCG સેક્ટરનું વેઇટેજ ૧૦.૫ ટકા હતું, જે હવે વધીને ૧૦.૭ ટકા થયું છે. એ જ રીતે આઈટી સેક્ટરનું વેઈટેજ જુલાઈના અંતે ૧૨.૩ ટકાથી વધીને ૧૩.૨ ટકા થયું છે.
સાયબર સુરક્ષા પર રૂ.૧૦૩ કરોડનો ખર્ચ
કર્ણાટક સરકારે સાયબર અપરાધોના વધતા જતા કેસોને પહોંચી વળવા અને રાજ્યના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે જાગરૂકતા, કૌશલ્ય નિર્માણ, જાહેર-ખાનગી ભાગીદારી અને ટેક્નોલોજી એકીકરણને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક સાયબર સુરક્ષા નીતિ-૨૦૨૪ અમલી કરી છે. આ નીતિને સરળ રીતે અમલમાં મૂકવા અને સાયબર સુરક્ષા માળખું વિકસાવવા માટે સરકાર આગામી પાંચ વર્ષમાં રૂ. ૧૦૩ કરોડની વધારાની રકમ ખર્ચશે. આ નીતિ જાગૃતિ અને શિક્ષણ, કૌશલ્ય નિર્માણ, ઉદ્યોગ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન, ક્ષમતા નિર્માણ માટે ભાગીદારી અને સહકાર જેવા ઘણા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નીતિને પાંચ વર્ષ માટે લાગુ કરવા માટેનો નાણાકીય ખર્ચ લગભગ ૧૦૩.૮૭ કરોડ રૂપિયા છે.