એરાઉન્ડ ધ માર્કેટ .
નવા વર્ષથી લક્ઝરી કાર મોંઘી થશે
વધતા ફુગાવાના દબાણ, કાચા માલના વધતા ખર્ચ અને વધતા સંચાલન ખર્ચને કારણે લક્ઝરી કાર ઉત્પાદકો મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા અને BMW ઈન્ડિયાએ જાન્યુઆરી ૧, ૨૦૨૫થી તેમના તમામ મોડલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મસડીઝ-બેન્ઝ ઇન્ડિયા મોડલના આધારે એક્સ-શોરૂમ કિંમતોમાં રૂ. ૨ લાખથી રૂ. ૯ લાખ સુધીનો સુધારો કરશે. BMW ઈન્ડિયાએ પણ તેના મોડલ પર સમાન કિંમતમાં ૩ ટકાના વધારાની જાહેરાત કરી છે. કંપનીઓએ ભાવમાં આ ફેરફાર માટે કાચા માલની વધેલી કિંમત, કોમોડિટીના ભાવમાં વધઘટ અને લોજિસ્ટિક્સના ઊંચા ખર્ચને મુખ્ય પરિબળો તરીકે દર્શાવ્યા છે. જોકે, કંપની છેલ્લા ત્રણ ક્વાર્ટરથી આમાંના મોટા ભાગના ખર્ચનું દબાણ સહન કરી રહી છે. વિશ્લેષકો માને છે કે કાચા માલ અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો અને ચલણની વધઘટને ધ્યાનમાં રાખીને, ૩ થી ૫ ટકાનો ભાવ વધારો સમગ્ર ઉદ્યોગ માટે સામાન્ય બની રહ્યો છે.
ટેક એન્ડ ડયુરેબલ્સ સેક્ટરે ૧૩% મૂલ્ય વૃદ્ધિ નોંધાવી
ટેક અને ડયુરેબલ્સ સેક્ટરે ચાર સપ્તાહની તહેવારોની સીઝન (સપ્ટે ૩૦-ઓક્ટો ૧૩ અને ઓક્ટોબર ૨૧-નવેમ્બર ૩) દરમિયાન ૧૩ ટકા મૂલ્ય વૃદ્ધિ નોંધાવી હતી. બહુવિધ કેટેગરીમાં ગ્રાહક માંગમાં વધારો જોવાયો છે. એક રિસર્ચ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મોટા ઉપકરણો, પેનલ ટેલિવિઝન, સ્માર્ટફોન અને લેપટોપ જેવી શ્રેણીઓમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જેમાં કેટલાક ઉત્પાદનો વધુ મજબૂત પ્રદર્શન દર્શાવે છે. દિવાળીના સપ્તાહ અને તેના એક અઠવાડિયા પહેલા (૨૧ ઓક્ટોબર- ૦૩ નવેમ્બર)ના સંયુક્ત સમયગાળા દરમિયાનનું વેચાણ તહેવારોના વેચાણમાં ૬૦ ટકા જેટલું હતું. જો કે, દિવાળીના સમયગાળા કરતાં નવરાત્રિ અને દશેરા (૩૦ સપ્ટેમ્બર-૧૩ ઓક્ટોબર)ના સંયુક્ત સમયગાળા માટે અગાઉના વર્ષની સરખામણીમાં વૃદ્ધિ વધુ હતી.