એપલે ડાર્વિન AI ખરીદી .
એપલે કેનેડા સ્થિત ડાર્વિન AI નામની આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સની સાથે સંકળાયેલી કંપની હસ્તગત કરી છે. ગુગલ અસરકારક AI સિસ્ટમ ઉભી કરવા માંગે છે. ડાર્વિન AI ના કેટલાક કર્મચારીઓ એપલના AI ના ડિવિઝનમાં જોડાયા છે. ડાર્વિન AI ના રીસર્ચર એલેકઝાંડર વોન્ગ પણ એપલના ડિવિઝનમાં જોડાયા છે. માઇક્રોસોફ્ટનું કેાપિટોલ, ગુગલનાં જેમિનીની જેમ એપલ પણ પોતાનું જનરેટીવ AI ઉભું કરવા માંગે છે. એપલ અવાર નવાર નાની કંપનીઓ ખરીદતું રહે છે. મળતી માહિતી અનુસાર એપલ તેની AI સર્વિસને ઓટોમેટીક પ્લેલીસ્ટમાં ઉપયોગ કરવા માંગે છે.
શેરબજારથી ચેતતા રહેવું અને કૃષિ ક્ષેત્રે નાણા રોકી શકાય
ભારતનું શેરબજાર તેજી તરફનું છે પરંતુ રોકાણકારોએ હજુ સાવચેતી રાખવાની જરૂર છે એમ ઇન્વેસ્ટર ગુરૂ જીમ રોજર્સ કહે છે. તે કહે છે કે શેરબજારમાં નાણા રોકીને આવક વધારી શકાય છે પરંતુ તે કહે છે કે આગામી પાંચ વર્ષ સુધી શેરબજારમાં રોકાણ ના કરવું કે સાવચેતી રાખવી. રોકાણકારોને સારી સલાહ આપવા માટે જાણીતા જીમ રોજરે એમ પણ કહ્યું છે કે તેમ છતાં બજારમાં નાણા રોકવા હોય તો એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં રોકવા જોઇએ.
40 ફાર્મા કંપનીઓને PLI સ્કીમ
દવાઓ, એપીઆઇ અને મેડિકલ ડિવાઇસીસની આયાત પરની નિર્ભરતા ઘટાડવા આરોગ્ય મંત્રાલયે પગલાં લેવા શરૂ કર્યા છે તેના એક ભાગ રૂપે ૨૭ ગ્રીનફીલ્ડ બલ્ક ડ્રગ પ્રોજેક્ટ અને મેડિકલ ડિવાઇસીસ માટે ૧૩ પ્લાન્ટ પીએલઆઇ સ્કીમ હેઠળ ઉભા કરાયા છે. આરોેગ્ય મંત્રાલયે કહ્યું છે કે આપણે ૭૦,૦૦૦ કરોડના માલની આયાત કરતા હતા તેના બદલે હવે ૭૫,૦૦૦ કરોડની નિકાસ કરીએ છીયે. ઉદાહરણ તરીકે ભારતે છેલ્લા ૩ વર્ષથી પેનીસીલીન-જીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. હવે પેનેસીલીન ભારતમાં બનાવાશે જેનું ઉત્પાદન જુલાઇમાં શરૂ થઇ જશે.
રીટર્ન નહીં ભરનાર મહિલાને છ માસની જેલની સજા
ઇન્કમટેક્ષ રીટર્ન નહીં ભરવા બદલ એક મહિલાને છ માસની સાદી જેલની સજા કરાઇ છે. ૨૦૧૩-૧૪ના નાણા વર્ષમાં મહિલાએ બે કરોડની આવક મેળવી હતી અને તેના પર બે લાખનો ટીડીએસ પણ કપાયો હતો. તેમણે આઇટી રીટર્ન ભર્યું નહોતું. મહિલાનું નામ સાવિત્રી છે. તેમને ગઇ ૪ માર્ચે છ મહિનાની સજા અને ૫૦૦૦ રૂપિયાનો દંડ કરાયો છે. સાવિત્રીના વકીલે કહ્યું હતું કે સાવિત્રી બેન વિધવા છે અને ભણેલા નથી માટે રીટર્ન ભરવાની ખબર નહોતી. કોર્ટે તેમને ૩૦ દિવસના જામીન આપ્યા છે.
ઈવી માટે 500 કરોડની ઇ મોબિલીટી સ્કીમ
ઇલેકટ્રીક વ્હીકલના ઉત્પાદનના બીજા ફેઝ માટેના સ્કીમને પ્રમોટ કરવા ઇ મોબિલીટી સ્કીમ તૈયાર કરાઇ છે. તે માટે ૫૦૦ કરોડ રૂપિયાનો પ્લાન તૈયાર કરાયો છે. એપ્રિલ૨૪થી ચાર મહિના સુધી ચાલનારા આ પ્લાનમાં ઇલેકટ્રીક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર્સને સમાવાશે.લોકો વહેલી તકે ઇલેકટ્રીક વ્હીકલનો ઉપયોગ કરતા થાય તેવા પગલાં લેવાશે. ટુ વ્હીલર્સ વાળાને નાણા સહાય આપવા માટે પણ વિચારાયું છે.