લસણના ભાવો વધે એ તો સાત્ત્વિક મોંઘવારી કહેવાય

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
લસણના ભાવો વધે એ તો સાત્ત્વિક મોંઘવારી કહેવાય 1 - image


- સ્માઇલ ઇન્ડેક્સ-વ્યર્થશાસ્ત્રી

- રિઝર્વ બેન્કની ક્રેડિટ કમિટીના નિષ્ણાતો ગોળ ગોળ બોલે છે તેના પરથી ખબર જ નથી પડતી કે મોંઘવારી ઘટી છે કે વધી છે 

શિષ્યએ સાષ્ટાંગ દંડવત્ કરીને કહ્યું: ગુરુજી, ચિંતાનું એક કારણ ઉપસ્થિત થયું છે. 

ગુરુ: એ તો તું મારી પાસે આવ્યો એટલે હું સમજી ગયો. અસલના જમાનાના લાલા લાભ વગર ન લોટતા તેમ તું પણ તારી કોઈ ચિંતાના સમાધાનની ગરજ વિના મારા પગમાં પડે તેવો નથી. 

શિષ્ય: ગુરુજી, તમે જૂની હિન્દી ફિલ્મોની સાસુ જેમ મ્હેણાં ટોણાં મારવાના રહેવા દો. અહીં મોંઘવારીની ચિંતામાં  અમારા જેવાનો મરો થઈ રહ્યો છે. 

ગુરુ: મોંઘવારીની ચિંતા? શિષ્ય આ વળી તને નવું તૂત સુઝ્યું. તું મને જૂની હિન્દી ફિલ્મોની સાસુ સાથે સરખાવી રહ્યો છો  પણ મને આધુનિક અમૃત કાળનો એ સિદ્ધાંત ખબર છે કે મોંઘવારી એ ચિંતાનો  વિષય જ નથી. 

શિષ્ય: ગુરુજી, તમે પણ પેલા રિઝર્વ બેન્કની ક્રેડિટ કમિટીવાળા જેવું ગોળ ગોળ ન બોલો.એ નિષ્ણાત મહોદયો જે બોલે છે તેમાં ખબર પડતી જ નથી કે ખરેખર મોંઘવારી ઘટી છે કે વધી છે. 

ગુરુ: વત્સ, મોટા હોદ્દા પર બેઠેલા માણસો મોંઘવારી જેવી બાબતે ચોખ્ખી ચટ્ટ વાત કરવા બેસી જાય તો   તારા જેવા પામર માણસો માથે ચઢી બેસે. તારા જેવા પામર માણસને ખ્યાલ નથી કે જે ગોળ ગોળ વાતો કરે તેને જ મોટા નિષ્ણાતો કહેવાય. સ્પષ્ટવક્તા નિષ્ણાત એવો કોઈ શબ્દ જ નથી.

શિષ્ય:  અરે, મારા નિષ્ણાતો વિશેના નિષ્ણાત ગુરુ, તમે પેલી કહેવત તો સાંભળી જ હશે કે જોડો તો પહેરનારને જ ડંખે. 

મોંઘવારીનું પણ એવું જ છે. મોટા માણસોને એની ચિંતા ન હોય, પણ મારા જેવા સામાન્ય માણસો અધમુવા થઈ જાય છે.  ગુરુ, તમને ખબર નહીં હોય, પણ લસણના ભાવ આજકાલ ખરેખર લ્હાય બળે તેવા થઈ ગયા છે. કિલોના ૪૦૦થી ૫૦૦નો ભાવ ચાલે છે. પહેલાં લસણ બહુ ખવાઈ જાય તો બળતરા થતી હતી. હવે તો ભાવ સાંભળીને જ બળતરા થાય છે. 

ગુરુ: લસણના ભાવ વધે છે, એમ? તો તો એ સાત્ત્વિક મોંઘવારી કહેવાય.

શિષ્ય: સાત્ત્વિક મોંઘવારી? આ વળી તમે નવું લાવ્યા, ગુરુ. મોંઘવારી તો મારક જ હોય. સામાન્ય માણસનું ધનોતપનોત કાઢી નાખે. એમાં સાત્ત્વિક કામ કયું થયું? 

ગુરુ: વત્સ, તું કોઈ વિપક્ષી નેતાઓનાં નિવેદનો સાંભળીને આવ્યો હોય એવું લાગે છે. બાકી સત્તા પક્ષનાં નિવેદનો સાંભળવાનું રાખ. અત્યારે દેશમાં એટલો પ્રચંડ ભક્તિ યુગ ચાલે છે કે મોંઘવારી પણ સાત્ત્વિક થઈ ગઈ છે. 

શિષ્ય:  મને લાગે છે કે મોંઘવારી વિરુદ્ધના વિપક્ષોનાં નિવેદનોની ૧૦ વર્ષ પહેલાંની કોઈ ક્લિપ સાંભળી લીધી લાગે છે. તેમાં જ  મને આટલી બળતરા થાય છે. 

ગુરુએ નિંભર મૌન ધારણ કરી લીધું. શિષ્ય ગુરુના સરકાર સ્વરુપને  વંદન કરી ચાલતો થયો.

સ્માઈલ ટિપ 

હવેથી લસણિયા બટેટામાં એટલું જ લસણ હશે જેટલું પનીર ભૂરજીમાં પનીર હોય છે. 


Google NewsGoogle News