બજેટમાં મોબાઈલ બિલ પર પણ સબસિડી લાવો
- સ્માઇલ ઇન્ડેક્સ-વ્યર્થશાસ્ત્રી
- દાળ, ચોખા, તેલ, ટામેટાના ભાવ તેલ લેવા જાય, મોબાઈલની મોંઘવારી એ મોટો પ્રાણ પ્રશ્ન છે
સંસદની નવી નક્કોર બિલ્ડિંગમાં નવા નક્કોર સંસદ સભ્ય બનેલા નેતાઓ વચ્ચે દેકારો મચી ગયો. ' ભાવ વધ્યા..ભાવ વધ્યા..'
ઘેટાંના ધણમાંથી એકાદું ઘેટું પણ આડી લાઈને જાય છે તેવો આછેરો સંકેત આવે એટલે રખેવાળ ડાંગ લઈને દોડે એમ પાર્ટીના સિનિયર નેતાઓ મોટી બૂમ સાથે દોડયા. 'લ્યા ચૂપ થાઓ...મરવાના થયા છો. આપણી સરકાર જ્યારે ખેડૂતોેને ટેકાના ભાવ વધારે ત્યારે જ આપણે ભાવ વધવા બાબતે રાજી થવાનું છે. બાકી તો વિપક્ષો ભાવવધારાની ખોટી ફરિયાદો કરે છે અને તેમની સરકાર વખતે તો ૧૪૦ ટકા ભાવ વધ્યા હતા, પણ અમારી સરકારમાં તો ૧૩૯.૭ ટકા જ ભાવ વધ્યા છે તેવી દલીલો દેવાની છે.'
એક સાંસદ કહે, 'પ્રભુ, તમે જે જ્ઞાાન આપ્યું તેની એન્ટ્રેન્સ ટેસ્ટમાં અમે પાસ થયા છીએ એટલે તો અમને પાર્ટીની ટિકિટ મળી છે. પણ અહીં વાત દાળ-ચોખા, લોટ-તેલ કે ટમેટાંના ભાવની નથી. એ બધા ભાવોને તો પબ્લિકે જ ક્યારના ય તેલ લેવા મોકલી દીધા છે. અત્યારે પ્રજામાં ખરો કકળાટ તો મોબાઈલ બિલોના ભાવવધારાનો થયો છે. આજની ડિજિટલ એજની પ્રજા અડધી રોટલી ખાશે, પણ મોબાઈલથી મગજને પોષણ આપ્યા વિના નહિ ચાલે. છોકરાંઓને સ્કૂલમાં નહીં મોકલે તો ચાલશે, પણ વ્હોટસએપ યુનિવર્સિટીમાં આખા ખાનદાને ભણવું જ પડશે. '
મોટા નેતાને આ વાત જચી ગઈ. તેમણે તાબડતોબ કહ્યું, 'ચિંતા ન કરો. હું ઉપલા લેવલે રજૂઆત કરીશ. તમે લોકો અત્યારથી જ પબ્લિકમાં પ્રચાર કરવા માંડો કે સરકાર આગામી બજેટમાં દિલદાર ડેટા યોજના જાહેર કરશે. જેમાં દેશના દરેક મોબાઈલધારકના ઓછામાં ઓછા ૧૦૦ જીબીનો ડેટા સરકાર પ્રોવાઈડ કરશે.
દેશના બૌદ્ધિક રીતે નબળા વર્ગના લોકોને અલગ તારવી તેમને મોબાઈલ બિલમાં ૯૫ ટકા સબસીડી અપાશે. કન્યાઓ અને કુમારો માટે સરકાર 'વન પ્લસ વન સિમ' યોજના જાહેર કરશે જેથી એક સિમ કાર્ડ દ્વારા તેઓ અભ્યાસ માટે મોબાઈલનો ઉપયોગ કરે અને અન્ય સિમ કાર્ડ દ્વારા મનોરંજન મેળવી શકે.
સરકાર સંસદસભ્યોને તેમના મતવિસ્તારોમાં વિકાસકાર્યો કરવા માટે ભંડોળ ફાળવે છે તેમ દરેક સંસદસભ્ય દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા એક હજાર લોકોના બિલ ભરી શકે તે માટે પણ અલાયદું મોબાઈલ વપરાશ વિકાસ ભંડોળ ફાળવશે. આટલું જ નહીં, પરંતુ આ બજેટમાં આપણે ડેટા બહાદૂર પુરસ્કારોની પણ ઘોષણા કરીશું. તેમાં એક જ દિવસમાં ૧૦૦ જીબી ડેટા વાપરી નાખનારને સરકાર બીજા ૧૦૦ જીબી રીચાર્જ કરાવી દે તેવી જોગવાઈ લાવીશું. સરકાર પ્રોડક્ટિવ લોકો પાસેથી મોટો ટેક્સ ખંખેરી લે છે, પરંતુ હું તો કહુ ંછું કે દેશનો ઘણો બધો વિકાસ તો કેટલાક લોકો અનપ્રોડક્ટિવ રહે છે એમના કારણે જ થાય છે.
મોબાઈલમાં વ્યસ્ત રહીને એ રીતે અનપ્રોડક્ટિવ રહી દેશના વિકાસમાં અવળી રીતે પ્રદાન કરનારાઓને ટેક્સમાં માફીની યોજના પણ આપણે લાવીશું.'
આ ચર્ચા વચ્ચે એક મોટા નેતાના પણ મોટા નેતા ત્યાં આવી ગયા. તેમણે આ બધી ચર્ચા સાંભળીને કહ્યું, 'પછી સરકારી સબસિડીથી મેળવેલા ડેટા દ્વારા લોકો દિલ્હીથી માંડીને મુંબઈ સુધીના તમામ રસ્તા પર પાણી ભરાય છે અને એરપોર્ટથી માંડીને મંદિરની છત પણ લીક થાય છે તેવા બધા પણ વીડિયો શેર કરશે તો?'
મોબાઈલમાંથી અચાનક નેટવર્ક જતું રહે તે રીતે પેલા ભાવ વધારાની બૂમો પાડતા સાંસદો અચાનક ગાયબ થઈ ગયા.
સ્માઈલ ટિપ
આમને આમ મોબાઈલ કંપનીઓ દર વધારતી રહેશે તો 'દેવું કરીને ઘી પીઓ' સૂત્રની જગ્યાએ નવું સૂત્ર આવશે - 'દેવું કરીને ડેટા વાપરો'.