AIના ઉપયોગની વ્યાપક તકોની સાથોસાથ પડકારોનું પ્રમાણ પણ ઊંચું
- નાણાંકીય ક્ષેત્રમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સના જોખમોને ખાળવા યોગ્ય પગલાંની સલાહ
ભારત જેવા વિશાળ દેશમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ઉપયોગ વધારવા વ્યાપક તકો રહેલી છે ત્યારે આ તકો તેની સાથે મોટા જોખમોને પણ આમંત્રિત કરી રહી હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. આઝાદીની સદી પૂરી થવા સાથે એટલે કે ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત દેશ બનવાનો ટાર્ગેટ ધરાવે છે ત્યારે આ ટાર્ગેટ સિદ્ધ કરવા કૃષિ, આરોગ્ય તથા શિક્ષણ સહિતના અનેક ક્ષેત્રોમાં પરંપરાગત પડકારોને પહોંચી વળવાની કામગીરી પણ હાથ ધરવાની રહે છે. આ પડકારોને પહોંચી વળવાનું મુશકેલ છે ત્યારે કલાયમેટ ચેન્જ તથા શહેરીકરણ જેવા મુદ્દા પણ ઊભરી રહ્યા છે. એઆઈના સ્વીકાર મારફત આ પડકારોને પહોંચી વળવાનું શકય બની શકશે એવી શકયતા જણાઈ રહી છે, પરંતુ તે માટે સરકાર, ખાનગી કંપનીઓ તથા રિસર્ચ સંસ્થાઓ વચ્ચે સહકાર સધાય તે જરૂરી છે. ભારતના નીતિ આયોગની નેશનલ સ્ટ્રેટેજી ફોર આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સમાં વૈશ્વિક કંપનીઓ માટે એઆઈ સોલ્યુશન્સના વિકાસ માટે ભારતને એક યોગ્ય મથક તરીકે જણાવાયું છે.
અહીં તૈયાર થનારા એઆઈ મોડેલ્સ ભારત ઉપરાંત વિશ્વની સમશ્યાઓનો પણ ઉકેલ બની રહેશે. શિક્ષણ, આરોગ્ય તથા કૃષિ જેવા રાષ્ટ્રીય અગ્રતા તરીકે ઓળખી કઢાયેલા ક્ષેત્રોમાં એઆઈ પ્રેરિત પ્રોજેકટસ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરી તથા ગ્રામ્ય વિસ્તાર એમ બે હિસ્સામાં વહેચાયેલા ભારતમાં એઆઈના વપરાશકારોના સ્તર પણ અલગઅલગ છે. આમ વપરાશકારોના સ્તર પ્રમાણે એઆઈ સોલ્યુશન્સ ઊભા કરવાની કામગીરી પડકારરૂપ હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. કૃષિ ક્ષેત્ર માટે એઆઈ સોલ્યુશન્સના વિકાસ માટે વ્યાપક ડેટાની આવશ્યકતા રહે છે, કારણ કે દેશની પચાસ ટકા જનસંખ્યા કૃષિ તથા તેને સંલગ્ન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ત્યારે તેમની આવશ્યકતા પણ અલગઅલગ રહે છે એટલું જ નહીં ભારતમાં અનેક ભાષાઓનો વપરાશ થઈ રહ્યો છે ત્યારે ભાષા પણ હાલમાં એક મોટી સમશ્યા જણાઈ રહી છે.
પ્રાદેશિક ભાષાઓ માટે એઆઈ મોટી તક પૂરી પાડે છે, પરંતુ નોધપાત્ર જોખમ પણ રહેલા છે. આવનારા દાયકામાં એઆઈ એક આવશ્યકતા બની રહેશે, ભારતીય ભાષાઓ માટે મજબૂત મોડેલ્સ વિકસાવવામાં નહીં આવે તો વપરાશકારોએ અંગ્રેજી પર આધાર રાખવાનો વારો આવશે જે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં એઆઈના સ્વીકાર સામે અવરોધરૂપ બની શકશે. પ્રાદેશિક ભાષામાં ડેટાનો અભાવ પણ એક મોટી સમશ્યા રહેલી છે.
ભાષાકીય અવરોધની સાથોસાથ નાણાંકીય ક્ષેત્રમાં એઆઈના વપરાશ સામે રહેલા જોખમોને લઈને પણ નિષ્ણતો દ્વારા ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. નાણાંકીય સેવા ક્ષેત્રે વિશ્વભરમાં એઆઈના વપરાશમાં થઈ રહેલા વધારા સામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં ચેતવણી ઉચ્ચારી હતી અને એઆઈને કારણે નાણાંકીય સ્થિરતા સામે જોખમ રહેલા છે જેને ખાળવા બેન્કો દ્વારા પૂરતા જોખમ સંચાલન પગલાંની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું.બેન્કો દ્વારા એઆઈ પર વધુ પડતી નિર્ભરતામાં મોટા નાણાંકીય જોખમો રહેલા છે, જે જંગી નુકસાની ઊભી કરી શકે છે. એઆઈના વધી રહેલા ઉપયોગથી સાઈબર હુમલા તથા ડેટા ચોરી જેવી નવી નબળાઈઓ બેન્કિંગ ક્ષેત્ર સામે ઊભરી શકે છે. એઆઈમાં પ્રવર્તતી અસ્પષ્ટતાને કારણે બજારમાં અણધાર્યા પરિણામો જોવા મળવાનું જોખમ રહેલું છે. આ જોખમો સામે સુરક્ષિત રહેવા બેન્કો તથા અન્ય નાણાં સંસ્થાઓએ દરેક શકય પગલાં લેવા જોઈએ એવું પણ તેમણે સૂચન કર્યું હતું. ટેકનોલોજીઓ નાણાંકીય સ્થિરતા સામે જોખમો ધરાવે છે. બેન્કોએ એઆઈનો લાભ લેવો જોઈએ અને એઆઈને પોતાના પર પ્રભાવિત થવા દેવી જોઈએ નહીં.
ભારતમાં એઆઈના વિકાસની વ્યાપક તકો રહેલી છે ત્યારે તેમાં રહેલા પડકારોને દૂર કરી સફળતા હાંસલ કરવા વ્યૂહાત્મક પગલાંની જરૂર છે. દરેક પ્રકારના વેપાર ક્ષેત્રમાં ટેકનોલોજીનો સ્વીકાર એક આવશ્યક ઘટક બની ગયો છે ત્યારે ભારતમાં પ્રારંભિક તબક્કામાં એવી એઆઈ જેવી ટેકનોલોજિસની લોકપ્રિયતા વધી રહી છે. વધી રહેલી લોકપ્રિયતા સાથે કદમ મિલાવવા દેશના ઉદ્યોગોએ તાલીમ તથા વિકાસ કાર્યક્રમો પાછળ જંગી ઈન્વેસ્ટમેન્ટસ કરવાની પણ આવશ્યકતા ઊભી થશે.
તાજેતરમાં જ આવેલા એક સર્વે રિપોર્ટમાં સર્વેમાં ભાગ લેનારા મોટાભાગના વ્યવસાયીકોએ પોતાની કારકિર્દીમાં ટકી રહેવા અથવા પ્રગતિ કરવા એઆઈની જાણકારી હોવી લગભગ ફરજિયાત બની ગયું છે. સર્વેમાં ભાગ લેનારામાંથી ૬૦ ટકાથી વધુ લોકોએ એઆઈની જાણકારી મહત્વની હોવાનો મત વ્યકત કર્યો હતો. રોજબરોજના કામકાજોમાં એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. ૯૦ ટકા વ્યવસાયીકોએ એઆઈ બાબત વધુ માર્ગદર્શન અને ટેકાની જરૂરત હોવાનું જણાવ્યું હતું. દેશના રોજગાર ઈચ્છુકો તથા વ્યવસાયીકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખી દેશમાં એઆઈ સોલ્યુશન્સ વિકસાવવામાં આવી રહ્યા છે પરંતુ તેની સામે અનેક પડકારો રહેલા છે જેને બેધ્યાન કરી શકાય એમ નથી.