Get The App

AIનો હવે ભવિષ્ય ભાખતા જ્યોતિષાચાર્યની ભૂમિકામાં પણ પ્રવેશ

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
AIનો હવે ભવિષ્ય ભાખતા જ્યોતિષાચાર્યની ભૂમિકામાં પણ પ્રવેશ 1 - image


- AI કોર્નર

- ટેકનોલોજી પર આધાર રાખી જીવનના નિર્ણયો લેવા સામે ચેતવણી પણ અપાઈ રહી છે

ટેકનોલોજી અને પરંપરાગત માન્યતાના જોવા મળી રહેલા સંગમમાં હવે નવી ટેકનોલોજી આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આજની નવી પેઢીને તેમની કારકિર્દી, પ્રેમલગ્ન, ઘરની ખરીદી જેવી સમશ્યાનો પલકવારમાં જવાબ આપવા માટે સજ્જ થઈ રહી છે. આરોગ્ય, નાણાંકીય સેવા,  ઉત્પાદન સહિતના વિવિધ ક્ષેત્રોની સાથોસાથ એઆઈ ટેકનોલોજી હવે એસ્ટ્રોલોજી (જ્યોતિષશાસ્ત્ર)માં પણ પ્રવેશી રહી છે. આ ટેકનોલોજી થકી આજની ટેક સેવી પેઢી ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની નિયતી તપાસી શકશે તે દિવસો હવે દૂર નથી. જ્યોતિષશાસ્ત્રમાં એઆઈ  ટેકનોલોજી દેશના જ્યોતિષીઓ અને જ્યોતિષશાસ્ત્ર માટે આશાર્વીદરૂપ બની રહેવાની નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા છે. ૧૪૦ કરોડની વસતિ ધરાવતા ભારતમાં રાશિભવિષ્ય તથા પોતાના ભવિષ્યમાં શું છુપાયેલું છે તેની જાણકારી મેળવવા મોટાભાગના લોકો ઉત્સુક રહે છે, એટલું  જ નહીં જ્યોતિષવિદ્યા તથા જ્યોતિષશાસ્ત્ર શીખવાડવા માટે મોટો વ્યવસાય પણ ચાલી રહ્યો છે.

નિષ્ણાતોની વાત માનીએ તો, ભારતમાં એઆઈ ટેકનોલોજી હોરોસ્કોપના ડિજિટાઈઝિંગ દ્વારા પરંપરાગત પદ્ધતિમાં ધરમૂળથી બદલાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે અને નવી પેઢીને કોઈપણ સ્થળે, કોઈપણ સમયે  વપરાશકારને સરળ ભાષામાં તેની વ્યક્તિગત ભવિષ્યવાણી કરવાની તૈયારીમાં છે. એસ્ટ્રોલોજી માટે એઆઈ ટેકનોલોજી વિકસાવી રહેલી એક સ્ટાર્ટઅપના સ્થાપકના દાવા પ્રમાણે એઆઈ એસ્ટ્રોલોજર્સ વપરાશકારને સેકન્ડની અંદર પ્રતિસાદ આપવાની ક્ષમતા ધરાવે છે અને તે પણ વધુ ચોકસાઈ સાથે. માત્ર ભવિષ્યવાણી જ નહીં પરંતુ ગ્રહદશા ઉપરાંત ગ્રહદશાને કારણે કોઈ સમશ્યા જોવાતી હોય તો તેના ઊકેલ શું છે તે પણ એઆઈ વપરાશકારને માહિતી પૂરી પાડી શકશે.  વપરાશકારને મુંઝવતા પ્રશ્નોના ઉત્તર પણ એઆઈ પૂરા પાડશે. 

૨૦૨૪માં લોન્ચ થયેલી એક એઆઈ સંચાલિત એસ્ટ્રોલોજી એપ્સના ઉપયોગ મારફત વપરાશકારોએ અત્યારસુધીમાં ૨.૫૦ કરોડ પ્રશ્નનો ઉત્તર આપી દીધા હોવાનો દાવો કરવામાં આવી   રહ્યો છે. જે આગળ જતા એસ્ટ્રોલોજીમાં એઆઈના ઉપયોગ વધવાના સંકેત આપે છે. એઆઈ એપ્સની મોટી વિશિષ્ટતા એ  છે કે તેને કોઈ સરહદ નડતી નથી. આધુનિક ટેકનોલોજીને પરિણામસ્વરૂપ જ્યોતિષશાસ્ત્રમાં  પરિવર્તનનો પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. લાર્જ લેન્ગવેજ મોડેલ્સ (એલએલએમ) તથા મસીન લર્નિંગ એલ્ગોરિધમ એસ્ટ્રોલોજિકલ ડેટાના પ્રોસેસિંગમાં સહાયક તરીકેની ભૂમિકા ભજવે છે. 

ડિજિટલ યુગમાં પણ એસ્ટ્રોલોજીને જીવતું રાખવા આધુનિક ટેકનોલોજીઓના ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. આ ટેકનોલોજીના વિકાસ માટે મસીન લર્નિંગ તથા લેન્ગવેજ પ્રોસેસિંગની આવશ્યકતા રહેતી હોવાથી તે ક્ષેત્રના જાણકારોની પણ સાથોસાથ માગ રહે છે. 

શહેરી તથા ગ્રામ્ય વિસ્તાર એમ બે હિસ્સામાં વહેચાયેલા ભારતમાં એઆઈના વપરાશકારોના સ્તર પણ અલગઅલગ છે. વપરાશકારોના સ્તર પ્રમાણે ૅરાશીભવિષ્યને લગતા એઆઈ સોલ્યુશન્સ ઊભા કરવાની કામગીરી પડકારરૂપ બની રહેવાનો મત પ્રવર્તી રહ્યો છે. જેમ  કૃષિ ક્ષેત્ર માટે એઆઈ સોલ્યુશન્સના વિકાસ માટે વ્યાપક ડેટાની આવશ્યકતા રહે છે, તેવી જરૂરિયાત રાશિભવિષ્ય સંદર્ભમાં રહેલી છે. કારણ કે ભારતમાં વિવિધ જાતિ અને કોમના લોકો વસે છે ત્યારે  જ્યોતિષ તથા રાશીભવિષ્ય વિશે તેંમની માન્યતા પણ  વિભિન્ન રહેલી છે. એટલું જ નહીં ભારતમાં અનેક ભાષાઓનો વપરાશ થઈ રહ્યો છે ત્યારે ભાષા પણ હાલમાં એક મોટી સમશ્યા જણાઈ રહી છે.

ભારતમાં એઆઈના વિકાસની વ્યાપક તકો રહેલી છે ત્યારે તેમાં રહેલા પડકારોને દૂર કરી સફળતા હાંસલ કરવા વ્યૂહાત્મક પગલાંની જરૂર છે. દરેક પ્રકારના વેપાર ક્ષેત્રમાં ટેકનોલોજીનો સ્વીકાર એક આવશ્યક ઘટક બની ગયો છે ત્યારે ભારતમાં પ્રારંભિક તબક્કામાં એવી એઆઈ જેવી ટેકનોલોજિસની લોકપ્રિયતા વધી રહી છે. વધી રહેલી લોકપ્રિયતા સાથે કદમ મિલાવવા જ્યોતિશાસ્ત્રને લગતા એઆઈ ટુલ્સના વિકાસ માટે તાલીમ તથા અભ્યાસ  કાર્યક્રમો પાછળ જંગી ઈન્વેસ્ટમેન્ટસ કરવાની પણ આવશ્યકતા ઊભી થશે.

 પરંપરા અને ટેકનોલોજીના સુમેળને આજની પેઢી આવકારી રહી છે. યુવા પેઢીના ખાસ કરીને રિલેશનશિપ સંદર્ભમાં માર્ગદર્શન મેળવવામાં વધુ ઉત્સુકતા રહેતી હોવાનું એઆઈ સંચાલિત એસ્ટ્રોલોજી પ્લેટફોર્મના સ્થાપકે દાવો કર્યો હતો. આ ડિજિટલ પહેલને વપરાશકરો પોતાના જીવન સાથે જ જોડી રહ્યા છે અને એસ્ટ્રોલોજી અંગેના પોતાના અનુભવમાં વધારો થઈ રહ્યાનો તેમનો દાવો રહ્યો છે. જો કે એઆઈ ડેટા તથા જટિલ કામગીરીને કુશળતાથી હાથ ધરી શકે છે, પરંતુ માનવ જ્યોતિષાચાર્યો દ્વારા જે લાગણી તથા નિપુણતાસભર માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે તેવા ઊંડા માર્ગદર્શન એઆઈ ટુલ્સમાં જોવા મળતા નથી એ એક હકીકત છે. કેટલાક જ્યોતિષીઓ એઆઈને મદદગાર યંત્ર તરીકે જ સ્વીકારી રહ્યા છે અને માનવ જ્યોતિષના વિકલ્પ ગણતા નથી. જીવનને લગતા નિર્ણયો બાબતે ટેકનોલોજી નહીં પરંતુ અનુભવ મહત્વની કામગીરી ભજવતા હોવાનું જણાવી તેમણે ભવિષ્ય જાણવા ટેકનોલોજી પર વધુ પડતી નિર્ભરતા સામે ચેતવણી પણ ઉચ્ચારી હતી.



Google NewsGoogle News