Get The App

યુઝર્સને અસરકારક પરિણામ પૂરા પાડવા AI એજન્ટ સતત પ્રયત્નશીલ

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
યુઝર્સને અસરકારક પરિણામ પૂરા પાડવા AI એજન્ટ સતત પ્રયત્નશીલ 1 - image


- AI કોર્નર

- જાતે નિર્ણય લેવાની તથા  સમશ્યાઓનું નિરાકરણ લાવવાની એઆઈ ટુલ્સ ક્ષમતા ધરાવે છે 

હાલમાં દરેક પ્રકારના વેપાર-ઉદ્યોગમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ના ઉપયોગને લઈને વ્યાપક ચર્ચાએ જોર પકડયું છે. એઆઈ ટેકનોલોજીમાં એઆઈ એજન્ટસ તાજેતરના દિવસોમાં એક મોટી ઉત્ક્રાંતિ બનવા સજ્જ બની રહ્યા છે. એઆઈ એજન્ટસ એક એવા આધુનિક  સોફટવેર ટુલ્સ છે જેની રચના જટિલ તથા બહુવિધ ુ પગલાં સાથેની કામગીરીને સરળતાથી પાર પાડવાના હેતુ સાથે કરવામાં આવે છે. આ ટુલ્સનો ઉપયોગ કરતા વપરાશકારને સંબંધિત કામગીરીમાં  સતત જોડાઈ રહેવાની આવશ્યકતા રહેતી નથી. આ એક એવી સ્વાયત્ત સિસ્ટમ્સ છે જે એકની એક કરવાની રહેતી પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં માહિર હોય છે. એઆઈ એજન્ટો માણસની જેમ જ જાતે નિર્ણય લેવાની તથા સમશ્યાઓનું નિરાકરણ લાવવાની ક્ષમતા ધરાવે છે. 

ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એઆઈ એજન્ટસ ટેક્સ્ટ, ચિત્રો તથા સાંભળીને   પ્રાપ્ત થતા અથવા થયેલા ઈનપુટસનો ઉપયોગ કરી આંતરિક વાતાવરણ સાથે વાર્તાલાપ કરે છે. સોંપાયેલી કામગીરી પાર પાડવા એઆઈ એજન્ટસ ડેટા એકત્રિત કરે છે અને તેનો સ્વતંત્ર રીતે ઉપયોગ કરે છે. સામાન્ય રીતે વપરાશકાર તેને જોઈતી કામગીરી પૂરી કરવા એજન્ટસને વિનંતી કરતા હોય છે, પરંતુ એઆઈ એજન્ટસ તેને સોંપાયેલી કામગીરી જ નહીં પરંતુ તેનાથી આગળ વધીને એકદમ અસરકારક પરિણામ પૂરા પાડવાની કોશીશ કરતા હોય છે. 

એઆઈ એજન્ટસ આ કામગીરી તેના અગાઉના ્અનુભવ તથા તેની પાસે રહેલા ડેટાના ઉપયોગ કરીને પાર પાડતા હોય છે. પોતાને સોંપાયેલી કામગીરી તેના ક્રમ પ્રમાણે આગળ વધી રહી છે કે કેમ તેની પણ એજન્ટસ સમીક્ષા કરતો રહે છે. આ સમીક્ષા દરમિયાન જો તેને લાગે કે તેણે વધારાની કામગીરી કરવી પડે એમ છે, તો તે પણ તે તેના યુઝર્સને પૂછ્યા વગર પાર પાડી દે છે. સામાન્યરીતે એઆઈ ચેટબોટસ તેમના ટ્રેનિંગ ડેટા પર જ આધારિત કામગીરી કરે છે જ્યારે એઆઈ એજન્ટસ તેમણે અગાઉ કરેલા વાર્તાલાપને પોતાની મેમરીમાં જાળવી રાખે છે અને આ મેમરીનો ઉપયોગ ભાવિ કામગીરીનું આયોજન તથા તેને પાર પાડવામાં કરતા હોય છે. આ ક્ષમતાને કારણે એઆઈ એજન્ટો જટિલ કામગીરીને આસાનીથી પાર પાડી શકે છે.

એઆઈ એજન્ટસની આ ગુણવત્તાને કારણે તેનું બજાર કદ જે ૨૦૨૪માં ૫.૨૯ અબજ ડોલર હતું તે ૨૦૩૫ સુધીમાં ૪૦.૧૫ ટકાના ચક્રવદ્ધિ દરે વધી ૨૧૬.૮૦ અબજ ડોલર પહોંચવા એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. એઆઈ એજન્ટોની રચના કરીને જંગી આવક થઈ રહ્યાનું ધ્યાનમાં આવતા ટેક કંપનીઓ એજન્ટોના વિકાસ અને તેને કામે લગાડવામાં ઉતાવળ કરી રહી છે. મોટી સંખ્યાની કંપનીઓ ૨૦૨૬ સુધીમાં એઆઈ એજન્ટસનો ઉપયોગ કરવા યોજના ધરાવી રહી  છે ખાસ કરીને એવી કામગીરીમાં જેમાં ઓટોમેશન હોય અને ઉત્પાદકતામાં વધારો થઈ શકે.

એક અંદાજ પ્રમાણે દેશમાં ૬૨૦૦ જેટલા એઆઈ સ્ટાર્ટઅપ્સ છે. એઆઈનો  ઉપયોગ માત્ર માહિતી પૂરતો  હવે મર્યાદિત રહ્યો નથી જે એઆઈ એજન્ટસની રચના પરથી કહી શકાય એમ છે.  મેન્યુફેકચરિંગ પ્લાન્ટસ, લોજિસ્ટિકસ, સલામતિ તથા સર્વિલન્સ જેવા ક્ષેત્રોમાં એઆઈ એજન્ટોના વપરાશ વધી રહ્યા છે. ભારતના  મહાકુંભમેળમાં દેખરેખ રાખવા એઆઈ એજન્ટસને કામે લગાડાયા છે. 

દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટમાં ૧૭ ટકા હિસ્સો ધરાવતા ઉત્પાદન ક્ષેત્રમાં વિવિધ કામગીરી માટે એઆઈના ઉપયોગની શરૂઆત થયાનું જોવા મળી રહ્યું છે. ઉત્પાદન ક્ષેત્રમાં કોઈ પ્રોડકટની ઉત્પાદન પ્રક્રિયા પર દેખરેખ રાખવા એઆઈ એજન્ટની મદદ લેવાઈ રહી છે, જે પ્રક્રિયામાં કોઈપણ ભૂલ તરફ યુઝરનું ધ્યાન દોરે છે. આમ વેપાર ગૃહો તથા ઉપભોગતાઓમાં એઆઈ એજન્ટસના વપરાશ સંબંધમાં મોટો આશાવાદ જોવા મળી રહ્યો છે. 

એઆઈ એજન્ટ ખાલી વ્યક્તિગત નહીં પરંતુ ટીમમાં પણ કામ કરવાની કાબેલિયત ધરાવે છે.  આ કાબેલિયતને કારણે કોઈ કંપનીના કર્મચારી વધુ વ્યૂહાત્મક અને મૂલ્ય વધારતી પ્રવૃત્તિમાં ધ્યાન કેન્દ્રીત કરવામાં મોકળા રહે છે. ગતિશીલ નિર્ણયો જ્યાં લેવાના રહે છે તેવા ક્ષેત્રો ખાસ કરીને આરોગ્યસંભાળ, કાનૂની સેવા તથા નાણાંકીય ક્ષેત્રમાં એઆઈ એજન્ટોની કામગીરી આવનારા વર્ષોમાં મહત્વની બની રહેશે તેમ નિષ્ણતો મત ધરાવી રહ્યા છે. 

જો કે એઆઈ એજન્ટના વપરાશમાં કેટલાક પડકારો પણ રહેલા છે. એક રિસર્ચ પેઢીના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં  ફન્ડિંગ તથા ટેલેન્ટનો અભાવ કંપનીઓ માટે એઆઈને ઉપયોગમાં લેવાનું રુકાવટરૂપ બની રહ્યું છે. એઆઈને ઉપયોગમાં લેવા માગતા વપરાશકારમાં તે પ્રત્યેની પૂરતી જાણકારીનો અભાવ પણ એક મોટો પડકાર બની રહ્યો છે, જે આવનારા વર્ષોમાં દૂર થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 


Google NewsGoogle News