ગ્લોબલ વોર્મિંગથી ખેતી પર ખતરો વધતા ખેડૂતો ચિંતિત, સરકારે સમસ્યા નિવારવા શરૂ કરી તૈયારી
- ગ્લોબલ વાર્મિંગનું સૌથી વધુ જોખમ કૃષિ પાક સામે ઊભું થઈ રહ્યું છે
Global Warming : ક્લાયમેટ ચેન્જ અથવા ગ્લોબલ વોર્મિંગને કારણે છેલ્લા કેટલાક વર્ષથી દેશમાં કૃષિ પાકોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં રાખી નાણાં વર્ષ 2024-25ના બજેટમાં મોદી સરકારે દેશમાં કૃષિ સંશોધન માળખાની વ્યાપક સમીક્ષા કરવાની ખાતરી ઉચ્ચારી છે અને તે મારફત કૃષિ ઉત્પાદનો વધારવા અને કલાયમેટ ચેન્જ સામે સ્થિતિસ્થાપક હોય તેવા બિયાંરણો વિકસાવવા પર ધ્યાન આપવાની જાહેરાત કરી છે.
કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રના વિકાસ માટે બજેટમાં રૂ.1.52 ટ્રિલિયનની ફાળવણી
આ સંશોધન માટે ખાનગી ક્ષેત્રનો સહભાગ લેવાશે અને કૃષિ નિષ્ણાતો તેના પર નજર રાખશે. મુખ્ય ઉપભોગ મથકોની નજીક શાકભાજી ઉત્પાદન માટે મોટા કદના માળખા ઊભા કરવાની પણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. દેશમાં કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રના વિકાસ માટે બજેટમાં રૂપિયા 1.52 ટ્રિલિયન ફાળવાયા છે જે ગયા નાણાં વર્ષના સુધારિત અંદાજ કરતા 8.05 ટકા વધુ છે. આમાંથી ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશનને રૂપિયા 9941 કરોડ ફાળવાયા છે. રિસર્ચ માટેના નાણાંની ફાળવણી વચગાળાના બજેટ જેટલી જ જાળવી રખાઈ છે.
...તો કૃષિ સંશોધન અને વિકાસના ખર્ચમાં સતત વધારો થતો રહેવો જરૂરી
કૃ।ષ પ્રધાન દેશ તરીકે ભારત ખાદ્ય તેલને બાદ કરતા મોટાભાગની કૃષિ જણશો તથા ખાધાખોરાકી માટે સ્વાવલંબી છે, પરંતુ કૃષિ ઉત્પાદન વધારવા માટે અથવા તો તેમાં સંપૂર્ણ સ્વાવલંબી બનવા કૃષિ ક્ષેત્ર પાછળ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આર એન્ડ ડી) ખર્ચ અત્યારસુધી જરૂરિયાત પ્રમાણે થતો નહીં હોવાનું કૃષિ ક્ષેત્રની સ્થિતિ પરથી કહી શકાય એમ છે. નિષ્ણાતોની વાત માનીએ તો કલાયમેટ ચેન્જની સ્થિતિમાં કૃષિ તથા ખાધાખોરાકીમાં સ્વાવલંબન જાળવી રાખવું હશે તો, કૃષિ સંશોધન અને વિકાસ પાછળના ખર્ચમાં સતત વધારો થતો રહેવો જરૂરી છે. આરએન્ડડી મારફત પ્રોડકટિવિટી ઉપરાંત સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ મળે છે.
વર્તમાન વર્ષના બજેટમાં આરએન્ડડી માટેની ફાળવણી દેશના જીડીપીમાં કૃષિ ક્ષેત્રની ભૂમિકાને જોતા ઓછી હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. કોરોનાના કાળમાં કૃષિ ક્ષેત્રએ દેશની આર્થિક સ્થિતિને ટકાવી રાખવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
ભારત માટે 60 ટકા ખાદ્ય તેલની આયાત ચિંતાનો વિષય
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે યુક્રેન ખાતેથી ખાદ્ય તેલનો પૂરવઠો અટકી પડતા સ્થાનિક બજારમાં ભાવ તાજેતરના ભૂતકાળમાં ઊંચે ગયાનું જોવા મળ્યું હતું. વિશ્વમાં ભારત ખાદ્ય તેલનો મોટો આયાતકાર દેશ છે. અત્યારસુધી ભારત કૃષિ પેદાશોનો નેટ નિકાસકાર રહીને કૃષિ ક્ષેત્રમાં ભલે આત્મનિર્ભર દેશ બની રહ્યો હોય, પરંતુ ખાદ્ય તેલની વપરાશના 58થી 60 ટકા આયાત ચિંતાનો વિષય રહેલો છે. સ્વતંત્રતાના 77 વર્ષ પછી પણ આપણે કેટલાક કઠોળની આયાત કરવાની ફરજ પડે છે.
કલાયમેટ ચેન્જના કારણે આરએન્ડડી આધારિત ખેતીને મહત્વ આપવું જરૂરી
ખાતર સબસિડી, વીજ સબસિડી વગેરે પાછળ ખર્ચાતા રૂપિયાની સરખામણીએ આરએન્ડડી પાછળ ખર્ચાતા રૂપિયા વળતરદાયી સાબિત થઈ શકે છે. ભારતમાં રાજકીય પક્ષોએ સત્તા ટકાવી રાખવા કૃષિ સબસિડી, મનરેગા વગેરે જેવા લોકપ્રિય પગલાં લેવાની ફરજ પડે છે, જેને પરિણામે આરએન્ડડી પાછળ સ્રોતોની મોટી ફાળવણી થઈ શકતી નથી એ એક હકીકત છે. દેશમાં કૃષિ કાચા માલના ઉત્પાદનમાં કાર્યરત ખાનગી ક્ષેત્રની કેટલીક કંપનીઓ પોતાના ટર્નઓવરનો કેટલોક હિસ્સો કૃષિ આરએન્ડડી પાછળ ખર્ચ કરે છે . સારા ચોમાસાની સ્થિતિમાં દેશમાં અનાજનું વિક્રમી ઉત્પાદન થાય છે અને છતાં ભાવ તે પ્રમાણે નીચા રહેતા નથી. પૂરવઠો વધવા સાથે ભાવ ઘટવા જોઈએ એ એક સામાન્ય ગણિત છે, પરંતુ અનાજના કિસ્સામાં આ ગણિત કામ કરતું નથી. ભાવ નીચે નહીં આવવાનું કારણ ઊંચા ઉત્પાદન ખર્ચ છે. વ્યવહારુ સ્તરે ભાવ જાળવી રાખવા યોગ્ય વ્યવસ્થાપકની ભૂમિકા ભજવવાની દેશના નીતિવિષયકો ની જવાબદારી રહે છે અને આ જવાબદારી પૂરી પાડવામાં કચાસ રહેશે તો ગમે તેટલો વિક્રમી પાક થશે તેનાથી ન તો ખેડૂતોનું ભલું થશે યા ન તો વપરાશકારોનું. ઓછા ખર્ચ સાથે ઉપજ વધારવા કૃષિ ક્ષેત્રે સંશોધન અને વિકાસ પાછળ મોટા મૂડીરોકાણની આજે આવશ્યકતા છે. કલાયમેટ ચેન્જની અસરોને ધ્યાનમાં રાખતા ખેતીની પરંપરાગત પદ્ધતિને તિલાંજલિ આપી આરએન્ડડી આધારિત ખેતીને મહત્વ આપવાનું રહેશે.
ગ્લોબલ વાર્મિંગને કારણે કૃષિ પાકોને થતું નુકસાન ચિંતાની બાબત
નિષ્ણાતોની વાત માનીએ તો કૃષિ આરએન્ડડી પાછળના ખર્ચમાં વધારો કરવા માટે હાલની બજેટ ફાળવણી નીતિમાં ફેરબદલ કરવાનો રહેશે અને કૃષિ આરએન્ડડી માટે સરકાર પાસે પૂરતા પ્રમાણમાં નાણાં ઉપલબ્ધ બની રહે તેની ખાતરી રાખવાની રહેશે એટલું જ નહીં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓને પણ આરએન્ડડી ખર્ચ કરવા પ્રોત્સાહિત કરવી રહી. ગ્લોબલ વાર્મિંગને કારણે કૃષિ પાકોને થતા નુકસાન ચિંતાની બાબત બની ગઈ છે, ત્યારે પાકોના થતાં બગાડને અટકાવવા માટે ગ્રામ્ય માળખા, સંસ્થાકીય ધિરાણ, સારા કાચા માલ, રિસર્ચ તથા કૃષિ પાકોમાં વૈવિધ્યકરણ થકી કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાની આવશ્યકતા પર કૃષિ તજજ્ઞાો ભાર આપી રહ્યા છે.
કૃષિ ક્ષેત્રનો મજબૂત વિકાસ કરવા પાયાની સમસ્યાઓ નિવારવી જરૂરી
ખેતી અને તેને સંલગ્ન ક્ષેત્રોની પાયાની સમશ્યાઓનો જ્યાં સુધી હલ નહીં આવે ત્યાં સુધી કૃષિ ક્ષેત્રનો મજબૂત વિકાસ શકય નહીં બને. કૃષિ ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટ, જળ જાળવણી, સારી ફાર્મિંગ પદ્ધતિનો ઉપયોગ કરી ઉપજમાં વધારો કરવા, બજાર જોડાણો વધારવા, સંસ્થાકીય ધિરાણ ઉપલબ્ધ બનાવવા અનેક વર્ષોથી પ્રસાયો થઈ રહ્યા છે. દેશના અત્યારસુધીના બજેટ નજર નાખવામાં આવે તો કૃષિ ક્ષેત્રના વિકાસ માટે આ પગલાંઓ એક સામાન્ય બની ગયા છે. આ પગલાંઓ હાથ ધરવા છતાં દેશમાં કૃષિ ઉત્પાદનમાં સ્થિરતા જોવા મળતી નથી જે ખેડૂતોને તેમની આવકમાં નિશ્ચિતતા અપાવી શકે.
ગ્લોબલ વાર્મિગને કારણે જોવા મળતા હીટ વેવ, વધુ પડતા વરસાદ અને પૂરની સ્થિતિથી સૌથી વધુ ફટકો કૃષિ ક્ષેત્રને પડવાનો ભય રહેલો છે ત્યારે બદલાતા હવામાનની સાથોસાથ પાક પદ્ધતિમાં ફેરબદલ જરૂરી બની ગયા હોવાનો મત પ્રવર્તી રહ્યો છે.