ગેરરીતી કરનારા CA સામે પગલાં
દેશમાં ચાર લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) રજીસ્ટર્ડ થયેલા છે. ખોટા રીપોર્ટ, ખોટા ઓડીટ વગેરે પર સહીઓ કરતા પકડતાં સીએની સંખ્યા વધતી જાય છે.સીએ એક્ટ ૧૯૪૯ને ૨૦૨૨માં એમેન્ડમેન્ટ કરીને વધુ શકિતશાળી બનાવ્યા બાદ ખોટું કરતાં સીએ પર પગલાં લેવાઇ રહ્યા છે. ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના પાસે ખોટું કરતા સીએના ૫૦૦ કેસો પેન્ડીંગ પડયા છે. દશમાંથી ૪ કેસોમાં સીએ સામે શિક્ષાત્મક પગલાં લેવાયા છે. કેટલાકને પાંચ લાખનો દંડ કરાયો છે તો કેટલાકનું લાઇસન્સ આજીવન માટે રદ્દ કરાયું છે. તાજેતરના વર્ષોમાં શંકાસ્પદ એકાઉન્ટ લખનારા ૨,૬૫૦ સીએના નામો ઇન્સ્ટિટયૂટને મોકલાયા હતા. છેલ્લા ૧૭ વર્ષમાં ૧૦૮૦ સીએને ઇન્સ્ટિટયૂટે વિવિધ સજા કરી છે.
મહારાષ્ટ્રના ૩૧૪ હાઉસીંગ પ્રોજેક્ટ નાદારીની યાદીમાં
મહારાષ્ટ્રમાં ઇન્ડસ્ટ્રી-હાઉસીંગના પ્રોજેક્ટો સાથે સંકળાયેલા ૩૧૪ પ્રોજેક્ટસ નાદારીની પકડમાં આવી ગયા છે. વિવિધ બેંકો ફાયનાન્સ કરતી કંપનીઓ વગેરેએ ૩૧૪ પ્રોજેક્ટો પરનો ગાળીયો ટાઇટ કર્યો છે. મહારેરાએ એસ્ટેટ સાથે તમામ પ્રોજેક્ટો પર નજર રાખવી શરૂ કરી હતી. આ પ્રોજેક્ટોમાં રોકાણ કરનારાને કાયદેસરનું વળતર ના મળતાં વિવાદ ઉભો થયો હતો.
૯૦,૦૦૦ને ઇન્કમટેક્ષની નોટીસ
૯૦,૦૦૦ લોકોને ઇન્કમટેક્ષે નોટીસ મોકલી છે. આ નોટીસોને સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય કહી છે. કોરોના કાળમાં જે લોકોને ઇન્કમ ટેક્ષ ભરવામાં રાહત અપાઇ હતી તે લોકો હવે ડિપાર્ટમેન્ટને ખો આપી રહ્યા છે. હવે સુપ્રિમ કોર્ટના આદેશથી ૯૦,૦૦૦ લોકોને નોટીસો ફટકારાઇ છે. કેટલાક લોકો ડિપાર્ટમેન્ટને ગાંઠતા નહોતા અને વિવિધ બહાના બાજી બજાવતા હતા તે દરેક સામે હવે પગલાં લેવાશે. લાંબા સમયથી ટેક્સ ભરનારા વિવાદ ઉભો કરી રહ્યા હતા. હવે તેમની ફાઇલનું રીએસેસમેન્ટ થશે અને કેટલાંક સાણસામાં આવી જશે.