લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો પરંતુ કૃષિ પ્રવૃત્તિમાં ઘટાડો થઈ રહ્યાનું ચિત્ર

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો પરંતુ કૃષિ પ્રવૃત્તિમાં ઘટાડો થઈ રહ્યાનું ચિત્ર 1 - image


- સરકાર દ્વારા વધુ પડતી ખરીદી ઘઉં તથા ચોખાની જ કરવામાં આવે છે

દેશના અર્થતંત્રના વિકાસનો મોટો આધાર ગ્રામ્ય ક્ષેત્રની માગ પર રહેતો હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં માગમાં વધારો કરાવી આર્થિક વિકાસ સાધવા મોટાભાગની સરકારો ગ્રામ્ય વિસ્તારના ઉપભોગતાઓના હાથમાં ખર્ચ માટે વધુ નાણાં  આવે તેવા પ્રયાસો કરતી હોય છે. ગ્રામ્ય અર્થતંત્રની મજબૂતાઈનો આધાર કૃષિ તથા સંલગ્ન ક્ષેત્ર પર રહેલો હોય છે. ઉપભોગ માગમાં વૃદ્ધિ માટે કૃષિ કામકાજ મારફતની આવકમાં વધારો થાય તે જરૂરી છે. ખેડૂતોના હાથમાં વધુ નાણાં આવે તે માટે સરકાર સામાન્ય રીતે દર વર્ષે કૃષિ પાકોના ટેકાના ભાવ વધારવાની નીતિ ધરાવે છે. વર્તમાન વર્ષ માટે પણ સરકારે ટેકાના ભાવમાં તાજેતરમાં ૫થી ૧૨.૭૦ ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે. ટેકાના ભાવમાં વધારો કરવાની નીતિમાં રાજકીય લોકપ્રિયતા મેળવવાનો પણ ધ્યેય રહેલો હોય છે. 

વર્તમાન ખરીફ મોસમ માટે સરકારે ડાંગરના ટેકાના ભાવમાં ૫.૪૦ ટકા વધારો કર્યો છે. જે ગયા નાણાં વર્ષમાં સાત ટકા કરાયો હતો. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગયા વર્ષનો વધારો ઊંચો રહ્યો હોવાનું કહી શકાય એમ છે. કારણ કે નાણાં વર્ષ ૨૦૧૯માં પણ ચૂંટણી પહેલા ડાંગરના ટેકાના ભાવમાં ૧૨.૯૦ ટકા વધારો કરાયો હતો અને નાણાં વર્ષ ૨૦૨૦માં આ વધારો ૩.૭૦ ટકા જેટલો જ રહ્યો હતો. ડાંગર એ મુખ્ય ખરીફ પાક છે. ડાંગર ઉપરાંત અન્ય પાકો જેમ કે કઠોળ, તેલીબિયાં, કડધાન્યના ભાવમાં પણ વધારો જાહેર કરાયો છે. 

દેશમાં સૌથી વધુ પાક ઘઉં તથા ચોખાનો લેવામાં આવે છે અને આ બે પાકોની સરખામણીએ અન્ય પાક ખાસ કરીને કઠોળનું ઉત્પાદન નીચું રહેતું હોય છે જેને પરિણામે દેશની કઠોળની આવશ્યકતા પૂરી કરવા સરકારે તેની આયાત કરવાની ફરજ પડે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને પણ કઠોળ તથા તેલીબિયાંના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે છે, જેથી ખેડૂતો આ પાક તરફ વળવાનું પસંદ કરે. જો કે અત્યારસુધીના અનુભવ પરથી કહી શકાય એમ છે કે અનેક કૃષિ જણશો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, પરંતુ વધુ પડતી ખરીદી ચોખા તથા ઘઉંની જ કરાતી હોય છે. આને કારણે પણ ખેડૂતો અન્ય પાકો તરફ વળવાનું જલદી પસંદ કરતા નથી. 

ચોખા તથા ઘઉંની ટેકાના ભાવે  ઊંચી ખરીદી થવા પાછળનું એક  કારણ કે નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ હેઠળ આ બન્ને જણસોનો બફર સ્ટોકસ  જાળવી રાખવાનો રહે છે.  તાજેતરના વર્ષોની ખરીદીના આંકડા  પર નજર નાખતા  જણાય છે કે નિશ્ચિત કરાયેલા બફર સ્ટોક  કરતા પણ સરકારે કેટલીક વખત વધુ ખરીદી કરવાની ફરજ પડી છે. ખેડૂતોને મદદ પૂરી પાડવામાં  અર્થતંત્ર પર જંગી બોજ આવે  છે તેનાથી સરકાર સારી પેઠે વાકેફ હોવા છતાં ખેડૂતો માટે  ટેકાના  ભાવ  ઉપરાંત અન્ય લોકપ્રિય જાહેરાતો કરતા રહેવાનું રાજકીય પક્ષો માટે એક જાણે ધોરણ બની ગયું છે.  ઘઉં ંતથા ચોખાને બાદ કરતા સરકારી એજન્સીઓ દ્વારા કૃષિ જણસોની ટેકાના ભાવે ખરીદી થાય  છે ખરી પરંતુ આ ખરીદી એટલી ઓછી માત્રામાં થતી હોય છે કે ખેડૂતોને પણ એજન્સીઓને માલ વેચવામાં ખાસ રસ  હોતો નથી.પાકમાં વૈવિધ્યતા લાવવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની નીતિ એક સાચી દિશાની  છે પરંતુ   તે માટે  તેમને વળતરદાયી ભાવ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી થવી જરૂરી છે. ખેડૂતોને ખરેખર વિવિધ પાકો તરફ વાળવા હશે તો સરકારે ટેકાના ભાવે ખરીદીમાં પણ વૈવિધ્યતા લાવવાની રહેશે જેથી ખેડૂતોને તેમણે કરેલી મહેનત નિષ્ફળ નહીં જાય અને કરેલા પરિશ્રમનું સન્માનજનક વળતર મળી રહેવાનો તેમને વિશ્વાસ  રહેશે અને સરકાર દ્વારા પણ ટેકાના ભાવ જાહેર કરવાની કવાયતનું હકારાત્મક પરિણામ જોવા મળી શકે. 

દેશમાં અનાજકઠોળના ભાવમાં બિનજરૂરી ઉછાળો ન આવે અને તેની સંગ્રહખોરી ન થાય તેની ખાતરી રાખવા સરકારે તાજેતરમાં કેટલાક કૃષિ માલોની નિકાસ પર નિયંત્રણ ઉપરાંત ઘઉં તથા કેટલાક કઠોળ માટે સ્ટોક મર્યાદા લાગુ કરવાના પગલાં લીધા છે. આ સ્ટોક મર્યાદા લાગુ કરવાથી ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો કે ખેડૂતોના  નુકસાનને ભોગે આ ઘટાડાનો લાભ ગ્રાહકોને ન મળી રહે તે જોવાની સરકારની જવાબદારી બની રહે છે. પૂરતી માત્રામાં પૂરવઠો હોવાનો એક તરફ દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ઘઉં માટે સ્ટોક લિમિટ લાગુ કરવાની નીતિમાં કોઈ વ્યવહારિકતા જણાતી નથી. નિકાસ નિયંત્રણ તથા સ્ટોક લિમિટ જેવા પગલાંના પરિણામો કેટલા કારંગત નિવડે છે તે  ચર્ચાનો વિષય છે. 

કૃષિ તથા સંલગ્ન પ્રવૃત્તિઓના ગ્રોસ વેલ્યુ આઉટપુટ (જીવીઓ)માં કૃષિ પાકનો હિસ્સો નાણાં વર્ષ ૨૦૧૧-૧૨થી નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ના ગાળામાં આઠ ટકા ઘટી ગયો છે જ્યારે પશુસંવર્ધન, ફિશિંગ અને જળચરઉછેર  જેવા કામકાજમાં નોંધપાત્ર વધારો થયો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશનના આંકડા પ્રમાણે કૃષિ ક્ષેત્રના એકંદર જીવીઓમાં પાકનો એકંદર હિસ્સો ઊંચો જળવાઈ રહ્યો છે પરંતુ નાણાં વર્ષ ૨૦૧૧-૧૨માં આ હિસ્સો જે ૬૨.૪૦ ટકા હતો તે નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં ઘટી ૫૪.૩૦ ટકા પર આવી ગયો છે. 

આનાથી ઊલટું  કૃષિ સિવાયની પ્રવૃત્તિઓના હિસ્સામાં વધારો થયો છે. પશુધનને લગતી પ્રવૃત્તિઓનો હિસ્સો ૨૫.૬૦ ટકા પરથી વધી ૩૦.૯૦ ટકા પર આવી ગયો છેફિશિંગ અને જળચરઉછેર પ્રવૃત્તિનો હિસ્સો ૪.૨૦ ટકા પરથી વધી ૬.૯૦ ટકા પર આવી ગયો છે. વનસંવર્ધન કામગીરીનો હિસ્સો ૭.૯૦ ટકા સાથે લગભગ સ્થિર રહ્યો છે. કૃષિ ક્ષેત્રમાં ખાસ કરીને અનાજકઠોળના ભાવ અને વેપાર પ્રવૃત્તિમાં સરકારની સતત દરમિયાનગીરી થતી રહે છે. જ્યારે પશુસંવર્ધનના કિસ્સામાં સરકાર ખાસ માથું મારતી નહીં હોવાનું ચિત્ર છે. 

પાકપાણીમાં પણ કડધાન્યનો હિસ્સો ઘટી રહ્યો છે અને ફળો તથા શાકભાજીનો વધી રહ્યાના સંકેત મળી રહ્યા છે. આમ દેશમાં કૃષિ ક્ષેત્રનું ચિત્ર બદલાઈ રહ્યાનું જણાઈ રહ્યું છે. કૃષિ ક્ષેત્રને ટેકો આપવા લઘુત્તમ ભાવ સાથોસાથ ખેડૂતો અને આવનારી પેઢી મુખ્ય કૃષિ વ્યવસાય સાથે સંકળાઈ રહે તેવા પ્રયત્નો આજના સમયની માગ છે. 


Google NewsGoogle News