Get The App

યુરોપ-અમેરિકા કેન્દ્રીત વિશ્વ એશિયા કેન્દ્રી થાય તેવા એંધાણ

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
યુરોપ-અમેરિકા કેન્દ્રીત વિશ્વ એશિયા કેન્દ્રી થાય તેવા એંધાણ 1 - image


- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- ભારતના કૃષિ ક્ષેત્રનો જીડીપીમાં હિસ્સો ૧૮ ટકા આસપાસ જ્યારે ચીનનો ૯ ટકા

ભારતે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭માં આઝાદી મેળવી તો ચીનમાં ૧૯૪૯માં સામ્યવાદી સરકાર સ્થપાઈ. ભારતે મીશ્ર અર્થકારણ પસંદ કર્યું તો ચીને સામ્યવાદી અર્થકારણ જેમાં રાજ્યની સત્તા સર્વોપરી હોય તેને પસંદ કર્યું. ચીને અર્થકારણનો સ્ટવ ધમધમાવવાની શરૂઆત ભારત કરતાં લગભગ બે વર્ષ મોડી કરી તેમ છતાં ચીનની માથાદીઠ વાર્ષિક આવક ૧૨,૫૪૦ ડોલર્સ છે અને ભારતની માથાદીઠ વાર્ષિક આવક ૨૬૧૦ ડોલર્સ છે. ચીન હરણ સાબીત થયું કારણ કે તેણે હરણફાળ ભરી જ્યારે ભારત કાચબો સાબીત થયું. અત્યારે એ વાત પણ જાણવી જરૂરી છે કે પશ્ચિમ જગત વિજ્ઞાાન અને ટેકનોલોજી પ્રધાન છે અને ભારત તેના ભૌતિકવાદ કે ભોગવાદની સતત ટીકા કરે છે અને પોતે ત્યાગવાદી કે આધ્યાત્મવાદી છે એવા આત્મીયતારણમાં રાચે છે. આ ભૌતિકવાદી દેશો જેમકે યુ.એસ.એ.ની માથાદીઠ સરાસરી વાર્ષિક આવક અધધધ ૮૦,૪૧૩ ડોલર્સ, અને બ્રિટનની ૪૭,૨૩૨ ડોલર્સ છે. 

ચીનની ઝડપી પ્રગતિનું કારણ એ કે તેણે મેન્યુફેકચરીંગ અને કન્સ્ટ્રકશન (રસ્તાઓ, પુલો, ઘરો, નહેરો, વગેરેનું બાંધકામ)ના ક્ષેત્રમાં કમાલ કરી છે. ભારત કરતાં ખેતીક્ષેત્રમાં ચીનનું ઉત્પાદન લગભગ બે ગણુ છે તેમ છતાં ચીનમાં ખેતીક્ષેત્રનો જીડીપીમાં ફાળો ૭ થી ૮ ટકા છે જ્યારે ભારતમાં તે ૧૭ થી ૧૮ની આજુબાજુ રહે છે. ચીનની જીડીપીમાં મેન્યુફેકચરીંગ અને કન્સ્ટ્રકશનનો ફાળો ૩૪ ટકા છે તો ભારતની જીડીપીમાં ઉપરના ક્ષેત્રનો ફાળો ૨૭ ટકા છે.

 ચીને પોતાનું ધ્યાન માત્ર મેન્યુફેકચરીંગ અને કન્સ્ટ્રકશન ક્ષેત્રે જ નહીં પરંતુ આ ઉત્પાદિત માલની નિકાસ પર પણ રાખ્યું છે. ચીનનું અર્થકારણ નિકાસ આધારિત છે. ચીનની ૨૦૨૦માં માલસામાન અને સર્વિસીઝની નિકાસ ૩૭૧૪ બીલીયન ડોલર્સ હતી જ્યારે ભારતની ૩૯૪.૮ બીલીયન ડોલર્સ હતી.

 હાલમાં ભારતમાં ચીનની વસ્તીમાં બન્ને વચ્ચે બહુ જ નગણ્ય તફાવત છે તેમ છતાં ચીનની નિકાસ ભારતની નિકાસ કરતા નવગણાથી પણ કાંઈક વધુ છે. અત્યારે ચીન 'જગતની ફેકટરી' ગણાય છે. ચીનની ખેતીવાડીની ઉત્પાદકતા પણ ભારત કરતા બે ગણી છે. ૨૦૨૧માં ચીનમાં કૃષિક્ષેત્રે તેના કુલ વર્કીગ ક્ષેત્રમાં ૩૫ થી ૪૦ ટકા કામ કરતા હતા. ખેતીવાડી ક્ષેત્રનો ચીનની જીડીપીમાં ફાળો માત્ર ૯ ટકા છે. ભારતમાં ખેતીવાડી ક્ષેત્રે તેના કુલ વર્કફોર્સના ૪૦ થી ૫૦ ટકા (જુદા જુદા અંદાજો છે) લોકો કામ કરે છે પરંતુ ભારતની જીડીપીમાં ખેતીવાડી ક્ષેત્રનો ફાળો ૧૮ ટકાની આજુબાજુ (કોઈક વર્ષે વધારે અને કોઇક વર્ષે ઓછો) રહે છે. યુ.એસ.એ.ના ખેતીવાડી ક્ષેત્રે તેના કુલ વર્કીગ ફોર્મમાં માત્ર ૨.૫ ટકા લોકો કામ કરે છે અને તેનો અમેરિકાની જીડીપીમાં માત્ર ૫.૨ ટકાનો ફાળો છે. ચીનની સરમુખત્યારશાહી અને જીવનભર માટે બની બેઠેલા સરમુખત્યાર તે જગતનું સૌથી મોટું કલંક છે. વળી ચીન વિસ્તારવાદી છે તે ભારત સહિત તેની પાડોશના મુલકો તથા તૈવાનને પોતાનામાં ભેળવી દેવા માગે છે. ચીનની સરખામણીમાં ભારત જરાપણ વિસ્તારવાદી નથી. 

અમેરિકા વિસ્તારવાદી નથી પરંતુ તે પોતાની સ્ફીઅર ઓફ ઇન્ફલ્યુઅન્સ વધારવા સદાય તત્પર રહે છે. યુરોપના દેશો કરતા અમેરિકા વધારે ચઢિયાતું કારણ કે તેણે યુરોપના દેશોની જેમ જગતમાં કોઇ ઠેકાણે કોલોનીઝ સ્થાપી નથી. અમેરિકા ખુદ પોતે જ બ્રીટનની કોલોની હતુ તેની ઘણાને ખબર નહીં હોય. ભારત કરતા ચીન સડસડાટ આગળ વધી ગયુ. ચીનના વિદેશી વ્યાપારમાં મુખ્ય ગ્રાહક અમેરિકા છે અને તે પછી ૨૭ રાષ્ટ્રોનું સભ્યપદ ધરાવતું યુરોપીયન યુનિયન છે. જગતના પ્રથમ પાંચ સૌથી વધુ જીડીપી ધરાવતા પાંચ દેશોના ચીન, જાપાન અને ભારત એશિયાના દેશો છે તેથી એમ થાય છે કે શું હવે યુરોપ-અમેરિકા કેન્દ્રી જગત એશિયા કેન્દ્રી થઈ જશે ? વ્યાપારી ક્રાંતિ જે ઇ.સ. ૧૪૮૦-૧૫૦૦માં શરૂ થઈ તેની પહેલાં જગતમાં એશિયન દેશોનો અને ખાસ કરીને ભારતનો જ દબદબો હતો.


Google NewsGoogle News