ગેરકાયદે નાણાંકીય જોખમો સાથે વ્યવહાર કરવા પર ચર્ચા
ભારત અને યુ.એસ.ના મહેસૂલ અધિકારીઓએ ગેરકાયદે નાણાંકીય જોખમોને ઘટાડવાના પ્રયાસોને વેગ આપવા અને વર્ચ્યુઅલ અસ્કયામતો માટે મની લોન્ડરિંગ વિરોધી ધોરણોના વૈશ્વિક અમલીકરણની રીતો પર ચર્ચા કરી છે. સંયુક્ત નિવેદન અનુસાર, ચર્ચા દરમિયાન, સહભાગીઓએ ગેરકાયદેસર નાણાંકીય જોખમોને ઘટાડીને જવાબદાર નવીનતાને પ્રોત્સાહન આપવા માટે વર્ચ્યુઅલ અસ્કયામતો અને તેમના સેવા પ્રદાતાઓના અનુભવોની ચર્ચા કરી હતી. નિવેદન અનુસાર, બંને પક્ષોએ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની ભલામણોને અનુરૂપ નિયમનકારી આર્બિટ્રેજના મુદ્દાને અસરકારક રીતે ઉકેલવા માટે વર્ચ્યુઅલ એસેટ માટેAML/CFT ધોરણોના વૈશ્વિક અમલીકરણને વેગ આપવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.'
મની લોન્ડરિંગ અને અન્ય નાણાકીય ગુનાઓ સામે લડવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે. તે અધિકારીઓને નાણાંના પ્રવાહને શોધી કાઢવા અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરવાની મંજૂરી આપે છે. ભારત અને યુએસએ આ ચર્ચાઓને આગળ વધારવા અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સમાં સાથે મળીને કામ કરવા સહિત દ્વિપક્ષીય અને બહુપક્ષીય સ્તરે સંકલન અને સહયોગ વધારવા માટે આવતા વર્ષે ફરીથી વાટાઘાટો બોલાવવા સંમત થયા હતા.
રેરા હેઠળ ૧૧,૬૦૦ કેસોનું સમાધાન
રિયલ એસ્ટટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા)એ ૨૦૧૬થી અત્યાર સુધીમાં ૧૧,૬૦૦ કેસોનું સમાધાન કર્યું છે. હાઉસીંગ મંત્રાલયના ડેટા અનુસાર ઉત્તર પ્રદેશમાં ઘર ખરીદનારાઓેએ ઉઠાવેલા વાંધા પૈકી ૩૮ ટકા કેસોમાં સમધાન કરાયું છે તો હરિયાણામાં ૧૮ ટકા અને મહારાષ્ટ્રમાં ૧૩ ટકા કેસોમાં સમાધાન કરાયું છે. દેશભરમાં રેરા હેઠળ થયેલા સમાધાનોમાં ઘર ખરીદનારાઓને લાભ થતો જોવા મળ્યો છે.
લકઝરી કાર વધુ જોવા મળે છે
આજકાલ રોડ પર લકઝરી કાર વધુ જોવા મળે છે તેની પાછળનું કારણ એ નથી કે લોકો વધુ પૈસાદાર થયા છે પરંતુ લોકો ઉંચા હપ્તા લાંબો સમય સુધી ભરવા તૈયાર થયા છે. મળતી માહિતી અનુસાર સવા કરોડની ગાડી માટે આવતો મહિનાનો હપ્તો ૧.૬૬ લાખ રૂપિયા આવે છે. લેન્ડ રોવર ૧.૪૭ કરોડની આવે છે તેનો માસિક હપ્તો ૧.૮૯ લાખ રૂપિયા આવે છે. લોકો પાસે કદાચ ૧.૪૭ કરોડ નથી પરંતુ તેનો હપ્તો ભરવાની શક્તિ ધરાવે છે. ટૂંકમાં લકઝરી કાર હપ્તે લેનારાની સંખ્યા વધુ છે.
બેંક ફ્રોડ કેસમાં રૂ.૬૪,૯૨૦ કરોડ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ૧,૧૦૫ બેંક છેતરપિંડીના કેસ હાથ ધર્યા છે, જેમાં રૂ.૬૪,૯૨૦ કરોડ જપ્ત કર્યા છે અને ૧૫૦ લોકોની ધરપકડ કરી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે માર્ચ ૨૦૨૩ના અંતમાં જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી રૂ. ૨૫ લાખ અને તેથી વધુની બાકી લોન ધરાવતા વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યા વધીને ૧૪,૧૫૯ થઈ ગઈ છે. ૨૦૧૯ના અંતે તે ૧૦,૨૦૯ હતી. ખાનગી ક્ષેત્રની બેંકોના કિસ્સામાં, આવા ડિફોલ્ટર્સની સંખ્યા માર્ચ ૨૦૨૩ના અંતે વધીને ૨,૫૦૪ થઈ ગઈ છે જે જૂન ૨૦૧૯ના અંતે ૧,૯૫૦ હતી. ઇડી પાસેથી મળેલી માહિતી મુજબ, તેણે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ તપાસ માટે લગભગ ૧,૧૦૫ બેંક છેતરપિંડીના કેસ હાથ ધર્યા છે, જેમાં વિલફુલ ડિફોલ્ટર્સ સંબંધિત કેસોનો સમાવેશ થાય છે. મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે, જેના પરિણામે રૂ. ૬૪,૯૨૦ કરોડ (અંદાજે) જપ્ત કરવામાં આવ્યા છે.
ઇન્ફોસિસે ૧.૫ અબજ ડોલરનો ઓર્ડર ગુમાવ્યો
ત્રણ મહિના પહેલાં વિશ્વની એક કંપની સાથે દોઢ અબજ ઓર્ડર માટે એમઓયુ કરનારા ઇન્ફોસિસનો ઓર્ડર રદ્ કરાયો છે. કારણ નથી બતાવાયું પણ કહે છે કે ભૌગોલીક-રાજકીય કારણોસર ઓર્ડર કેન્સલ કરાયો છે. ૧૫ વર્ષ માટેના ઓર્ડરમાં એક વિદેશી કંપની માટે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ આધારીત બિઝનેસ સર્વિસ તૈયાર કરવાની હતી. એક અંદાજ અનુસાર જે કંપનીએ ઓર્ડર કેન્સલ કર્યો છે તે ટોરન્ટોની મેન્યુલાઇફ ફાયનાન્સીયલ કોર્પોરેશન છે. દોઢ અબજના ડોલરનો ઓર્ડર કેન્સલ થાય એ ઇન્ફોસિસ માટે ફટકા સમાન છે.