આર્થિક મોરચે મોટી રાહત .
નાણાકીય વર્ષ ૨૦૨૪માં અંદાજ કરતાં વધુ ટેક્સની પ્રાપ્તિને કારણે કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ સુધારેલા અંદાજ કરતાં ઓછી રહી હતી. સુધારેલા અંદાજમાં, રાજકોષીય ખાધ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના ૫.૮ ટકા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ આ આંકડો જીડીપીના ૫.૬ ટકા હતો. સરકારી ડેટા અનુસાર, કેન્દ્રની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત રૂ. ૧૬.૫૪ લાખ કરોડ હતો, જ્યારે બજેટમાં આ તફાવત રૂ. ૧૭.૮૬ લાખ કરોડનો અંદાજવામાં આવ્યો હતો.
સરકારી તિજોરી પર બે વર્ષ નજર રખાશે
S&P ગ્લોબલ રેટિંગ્સ આગામી બે વર્ષ ભારતની રાજકોષીય તાકાત પર નજીકથી નજર રાખશે અને જો સરકાર રાજકોષીય ખાધ ઘટાડવાના ટ્રેક પર રહેશે તો ભારતનું રેટિંગ અપગ્રેડ થઈ શકે છે. આગામી બે વર્ષમાં, સરકાર રાજકોષીય એકત્રીકરણના માર્ગ પર ચાલુ રહે છે કે કેમ તેના પર નજીકથી નજર રાખીશું તેમ રેટિંગ્સ એજન્સીએ જણાવ્યું હતું. ૪ જૂને લોકસભા ચૂંટણીની ગણતરી પહેલા, રેટિંગ્સ એજન્સીએ ભારતના આર્થિક દ્રષ્ટિકોણને 'સ્થિર'માંથી 'પોઝિટિવ'માં અપગ્રેડ કર્યો હતો.
સમસ્યાથી ઘેરાયેલો રમતગમત ઉદ્યોગ
રમતગમત ઉદ્યોગ સામે સૌથી મોટી સમસ્યા જીએસટીના અલગ-અલગ દરો છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રમાં બનનારી નવી સરકારે સૌથી પહેલા જીએસટીના દરોમાં સુમેળ સાધીને આ ઉદ્યોગને સમસ્યામાંથી રાહત આપવી જોઈએ. હાલમાં વિવિધ રમત-ગમતની વસ્તુઓ પર ૫, ૧૨ અને ૧૮ ટકા જીએસટી લાદવામાં આવે છે. ઘણા બાળકોનું ભવિષ્ય રમતગમત પર નિર્ભર છે.