Get The App

35 અબજ ડોલરનું ગિફ્ટ માર્કેટ

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
35 અબજ ડોલરનું ગિફ્ટ માર્કેટ 1 - image


- પર્સનલ લેવલે અપાતી ગિફ્ટ અને કોર્પોરેટ ગિફ્ટમાં બહુ મોટો ફર્ક જોવા મળે છે. બંને પાછળનો મૂળ હેતુ સંબંધો મજબૂત કરવાનો છે

- ભારત ઉત્સવો અને પ્રસંગોની રંગેચંગે ઉજવણી કરતો દેશ છે. હવે ઇ કોમર્સના કારણે લોકોને ગિફ્ટ શોેધવા બહાર નથી જવું પડતું. બધુંજ ઓનલાઇન ટુ ઓનલાઇન ગોઠવાઇ જતું હોય છે. રક્ષાબંધનની ગિફ્ટ અને સ્વીટ માટે ઓનલાઇનનું ચલણ વધ્યું છે

હવે ગિફ્ટ માત્ર દિવાળીના દિવસોમાં નથી અપાતી પણ બિઝનેસ સાથે સંકળાયેલા લોેકો ગિફ્ટ આપવાનો ચાન્સ શોેધતા હોય છે. અમદાવાદમાં વર્લ્ડ કપની  ફાઇનલ મેચ રમાઇ ત્યારે એક કંપનીએ તેના ડિસ્ટ્રીબ્યુટરોને ચાર ટિકીટોની ભેટ આપી હતી.

૩૫  અબજ ડોલરનું ગિફ્ટ માર્કેટ દિવાળીના તહેવારોમાં ધમધમી રહ્યું છે. ભારતમાં ૩૫ અબજ ડોલર(૩૫૦૦ કરોડ ડોલર)નો ગિફ્ટ બિઝનેસ છે. દિવાળીના તહેવારોમાં ગિફ્ટ બિઝનેસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધુ ફાલે છે. પર્સનલ લેવલે અપાતી ગિફ્ટ અને કોર્પોરેટ ગિફ્ટમાં બહુ મોટો ફર્ક જોવા મળે છે. બંને પાછળનો મૂળ હેતુ સંબંધો મજબૂત કરવાનો છે. 

કેટલાક સમયથી સમારંભોમાં રીટર્ન ગીફ્ટ આપવાનો વ્યવહાર શરૂ થયો છે. મધ્યયમ વર્ગ ઘર દીઠ રિટર્ન ગિફ્ટ આપે છે. જ્યારે પૈસાદાર વર્ગ હાજર દરેકને યાદગીરી રૂપે રીટર્ન ગિફ્ટ આપે છે. સામાન્ય રીતે ત્રણ પ્રકારની ગિફ્ટ જોવા મળે છે. 

તહેવારોની ગિફ્ટ, વ્યકિતગત સ્તરે ગિફ્ટ અને કોર્પોરેટ ગિફ્ટ. કેટલાક લોકો વ્યવહારૂ બન્યા છે. ગિફ્ટના બદલે રોકડા રૂપિયાજ કવરમાં આપી દેતા હોય છે.જોકે આવો રોકડીયા વ્યવહાર કૌટુંબીક સ્તરે સારો લાગે છે પરંતુ કોર્પોરેટ સ્તરે તે અપામાન જનક હોય છે. 

કોર્પોરેટ ગિફ્ટીંગ માર્કેટમાં ૨૦૦ ટકાનો વધારો થયો છે. કોર્પોરેટ કંપનીઓ સંબંધોનું મહત્વ સમજે છે. એક સમય હતો કે જ્યારે નવા વર્ષની ડાયરીઓ પણ બેસતા વર્ષની તિથિ અર્થાત કારતક સુદ એકમથી શરૂ કરાતી હતી. ડાયરીની પ્રથા એટલા માટે ધટતી ગઇ કે મોબાઇલમાં આવી તારીખ અને તિથિ સાથેની સવલતો વાળા નોટપેડ આવવા લાગ્યા છે. 

ગિફ્ટ એ ગળચટ્ટો વિષય છે. ગોળ નાખીએ એેટલું ગળ્યું થઇ શકે છે. મોટી કંપનીઓ ગિફ્ટ માટેનું બજેટ સતત વધારી રહી છે. કોમર્સ,  બિઝનેસ, શેરબજાર વગેરે આર્થિક લેવડદવેડ સાથે સંકળાયેલા માર્કેટમાં ગિફ્ટનો માહોલ અત્યારથીજ શરૂ થઇ ગયો છે.

ગિફ્ટ તરીકે ડાયરી આપવાની ફેશનની જગ્યાએ કેલેન્ડર જોવા મળતા થયા હતા. કેલેન્ડર પણ હવે જુનવાણી લાગવા લાગ્યા છે. લોકો પોતાની ઘરની કે ઓફિસની દિવાલો પર ભાગ્યેજ કેલેન્ડર માટે જગ્યા રાખે છે. મોબાઇલના કારણે કેલેન્ડર અને ડાયરીની ગિફ્ટનો અંત આવી ગયો છે. જોકે  ગિફ્ટનું માર્કેટ સતત વધી રહ્યું છે. દરેક ક્ષેત્રે માર્કેટીંગ અને લોબીંગ મહત્વનું બની ગયું છે.

ગિફ્ટમાં ઇનોવેટીવ ચીજો આપવાની હોડ શરૂ થઇ છે. પોતાની ગિફટ્ અન્ય કંપનીઓ કરતાં સારી હોય એ રીતે ગિફ્ટની પસંદગી કરવામાં આવે છે. કેટલીક કંપનીઓ ગિફ્ટ તૈયાર લેવાના બદલે તેને કોઇ ઇનોવેટીવ આઇડયાથી એડવાન્સમાં તૈયાર કરાવે છે.

ભારતમાં આર્થિક પ્રગતિની સાથે ગિફ્ટનો વ્યવહાર પણ વધ્યો છે. એમ પણ કહી શકાય કે મોટી કંપનીઓની જેમ નાની કંપનીઓ પણ તેના ટર્ન ઓવર પ્રમાણે ગિફ્ટ મોકલવા માટેની યાદી તૈયાર કરતી હોય છે. દરેક કંપનીની એજંસી મોટા શહેરોમાં હોય છે. તેમના મારફતે ગિફ્ટનું વિતરણ કરાતું હોય છે. જો કે કેટલીક કંપનીઓ પોતાના પ્રતિનિધિઓને મોકલીને સામા વાળાનું માન જળવાઇ રહે તે રીતે ગિફ્ટ આપે છે.

કોમર્સ મંત્રાલયમાં, ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ, એકસાઇઝ ડિપાર્ટમેન્ટ તેમજ કાયદાનું પાલન કરાવતા મંત્રાલયોમાં ગિફ્ટ આપનારા લાઇનમાં ઉભા રહેતા આ લખનારે જોયા છે. આવા મંત્રાલયોમાં ગિફ્ટના ઢગલો પેકેટ ઉતારાય છે. જ્યાં સ્ટાફને તેમજ ત્યાંના અધિકારીઓ અને તેમની આસિસ્ટન્ટોને ગિફ્ટ અપાય છે. સ્ટાફમાં કોઇ રહી ના જાય તેનું ધ્યાન રખાય છે.

પ્રધાનેા અને સચિવો માટે કંપનીઓ અલગ ગિફ્ટ બનાવડાવે છે જ્યારે અન્ય સ્ટાફ માટે અલગ ગિફ્ટ હોય છે. ગિફ્ટ આપવી એ સંબંધો સાચવવાનો એક ભાગ છે. તેમાં અધિકારી ગિફ્ટ જોઇને કંપનીને સહાય નથી કરતા પણ એક પ્રકારનું  મૌન બોન્ડ બંધાતું હોય છે. કંપનીઓ ગ્રાહકો કરતાં પણ સરકારી અધિકારીઓને ગિફ્ટ પહોંચાડવા માટે વધુ સમય ફાળવે છે. ગાંધીનગરમાં ગિફ્ટ લઇને આવનારા અત્યારથી જ જોવા મળી રહે છે. આ સિલસિલો લાભ પાંચમ સુધી જોવા મળે છે.

ગિફ્ટ આપવામાં હવે પ્રધાનો અને રાજકીય પક્ષો પણ વ્યવહારૂ બન્યા હોય એમ લાગે છે.  રાજકીય પક્ષો પણ મિઠાઇના પેકેટ મોકલતા થયા છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપનીઓ ઇનોવેટીવ ગિફ્ટ માટે સ્પર્ધામાં ઉતરી હોય એમ લાગે છે.

માર્કેટમાં જોવા મળતા નવા સ્ટાર્ટઅપ પણ અધિકારીઓ સાથે સંબંધો વધારવા ગિફ્ટ માટે બજેટ ફાળવતા થયા છે.

ગિફ્ટ આપવા પાછળના અનેક કારણો છે તેમાં સૌથી પહેલું સંબંધો ઉભા કરવા અને ટકાવી રાખવાનું છે. કહે છે કે પૈસો દરેક વસ્તુ ખરીદી શકે છે પણ અન્ય વ્યકિત સાથેના તેમજ તેના કુટુંબ સાથેના સંબંધો ખરીદી શકાતા નથી. તેમના દિલમાં પ્રવેશવા ગિફ્ટ ઉત્તમ માધ્યમ કહી શકાય.

ભારત ઉત્સવો અને પ્રસંગોની રંગેચંગે ઉજવણી કરતો દેશ છે. હવે ઇ કોમર્સના કારણે લોકોને ગિફ્ટ શોેધવા બહાર નથી જવું પડતું. બધુંજ ઓનલાઇન ટુ ઓનલાઇન ગોઠવાઇ જતું હોય છે. રક્ષા બંધનની ગિફ્ટ અને સ્વિટ માટે ઓનલાઇનનું ચલણ વધ્યું છે. ફ્લાવર, કેક અને ચોકલેટો તો બર્થડે ગિફ્ટમાં ઓનલાઇન આવતા થઇ ગયા છે. વિદેશથી   ગિફ્ટ મોકલવા માંગતા લોકો તે ધારે તે સમયે તે સરનામાં પર ગિફ્ટ મળી જાય તેવું આયોજન હોય છે.

ગિફ્ટના કારણે એક તાંતણા જેવો સંબંધ ઉભો થઇ શકે છે જે ભવિષ્યમાં કામમાં આવી શકે છે તેમજ તેને સાચવવામાં આવે તો તે જાડા દોરડા સમાન બની શકે છે. કૌટુંબીક સ્તરે ગિફ્ટ આપવાના રક્ષા બંધન કે ધૂળેટી જેવા અનેક પ્રસંગો આવે છે પરંતુ દિવાળી તો વેપાર, રાજકારણી, તપાસ અધિકારીઓ, પોલીસ તંત્ર વગેરેને ગિફ્ટના તાંતણાથી બાંધી શકે છે.

હવે ગિફ્ટ માત્ર દિવાળીના દિવસોમાં નથી અપાતી પણ બિઝનેસ સાથે સંકળાયેલા લોેકો ગિફ્ટ આપવાનો ચાન્સ શોેધતા હોય છે. અમદાવાદમાં વર્લ્ડ કપની  ફાઇનલ મેચ રમાઇ ત્યારે એક કંપનીએ તેના ડિસ્ટ્રીબ્યુટરોને ચાર ટિકિટોની ભેટ આપી હતી.

સેલ્સ સાથે સંકળાયેલા લોકો જાણે છે કે સેલ્સ વધારવા કંપનીઓ વચ્ચેના એજંટોને ખુશ રાખવા વિદેશ પ્રવાસને પ્રલોભનો આપતા હોય છે.મેડિકલ લાઇનમાં પણ મેડિકલ રિપ્રેઝન્ટેટીવ પણ છાશવારે  વિવિધ ગિફ્ટ આપતા હોય છે. ટૂંકમાં મેનેજર કક્ષાથી માંડીને ડોક્ટરો સુધીના લોકો ગિફ્ટ સાથે પ્રેમ કરતાં જોવા મળે છે.

કહે છે કે બદામની ૧૨,૦૦૦ જેટલી જાત બજારમાં મળે છે અને દરવર્ષે તેમાં ઉમેરે થતો જાય છે.

ગિફ્ટનું માર્કેટ એટલા માટે પ્રસરતું જાય છે કે તે આપવા માટેના મુદ્દા વધતા જાય છે. જેમકે પરીક્ષામાં પેપર લખવા જાય ત્યારે, રિઝલ્ટ આવે ત્યારે, એંગેજમેન્ટ, એવોર્ડ સમારંભ, રાજકીય હોદ્દો મેળવવો વગેરે એટલે તોે ગિફ્ટનું માર્કેટ ૩૫ અબજ ડોલરને સ્પર્શી ગયું છે.


Google NewsGoogle News