રાતા સમુદ્રની સમસ્યાને કારણે ભારતથી યુરોપ થતી નિકાસમાં 70 ટકાનું ગાબડું
- એન્ટેના-વિવેક મહેતા
- કેન્દ્રના વાણિજ્યમંત્રીએ નિકાસકારોને બોલાવીને ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવા માટે વિચારણા કરી
રાતા સમુદ્રમાં ચાલુ થયેલા ટંટાફિસાદને પરિણામે ભારતમાંથી યુરોપના દેશોમાં થતી નિકાસમાં અંદાજે ૭૦ ટકાનો ઘટાડો આવી ગયો છે. નૂર દરમાં બસોથી અઢીસો ટકાનો વધારો થઈ ગયા છે. પરિણાામે નિકાસકારને કોસ્ટિંગ સેટ થતું નથી. જૂના ઓર્ડર આપનારાઓ નવા ખર્ચ માન્ય કરતાં નથી. પરિણામે નિકાસકારોને ખોટ થઈ રહી છે. જૂના ઓર્ડર માટે નવા સંજોગોમાં વાજબી પેમેન્ટ ચૂકવવાની માગણી ભારતીય નિકાસકારો દ્વારા કરવામાં આવી રહી છે.
યુરોપના કેટલાક ખરીદદારો નવા દર પ્રમાણે નાણાં ચૂકવવા તૈયાર છે. કેટલાક તેને માટે તૈયાર જ નથી. ભારતીયોને જૂના દરે માલનો સપ્લાય આપવો પરવડતો જ નથી. બીજીતરફ ભારતથી ઇસ્તંબૂલ બંદર પર ૨૦ ફૂટનું કન્ટેઈનર લઈ જવાના દર ૮૦૦થી ૯૦૦ ડાલર હતા. આજે તે દર વધીને ૩૦૦૦ ડાલર થઈ ગયા છે. યુરોપના દેશોમાં કન્ટેઈનર મોકલવાના ચાર્જમાં ૨૫૦૦ ટકાનો વધારો થઈ ગયો છે.
ત્રીજું, શિપમેન્ટમાં વિલંબ પણ ઘણો થઈ રહ્યો છે. યુરોપના દેશોમાં કન્ટેઈનર મોકલવા માટે પહેલા ૩૫ દિવસનો સમય લાગતો હતો. હવે આ સમય વધીને બાવનથી પંચાવન દિવસ થઈ ગયો છે. ભારતથી યુરોપ જતાં જહાજો રાતા સમુદ્રને છોડીને હવે આફ્રિકા થઈને જવા માંડયા છે. તેથી કન્ટેઈનર્સની શોર્ટેજ વધી ગઈ છે. ચોથું, તેને પરિણામે બંદર પર જ માલનો ભરાવો એકદમ વધી ગયો છે. ટ્રાન્સશિપમન્ટના કન્ટેઈનર્સને જે બંદરે ઉતારવાના હોય તે બંદરે તેને ઉતારવાની જગ્યા જ મળતી નથી. તેમ જ તે બંદરેથી બીજા દેશના બંદર પર મોકલવા માટેના જહાજ પણ મળતા નથી. નિકાસના કન્સાઈનમેેન્ટ સમયસર ન પહોંચતાા હોવાથી ભારતના મેન્યુફેક્ચરર્સના પ્રોડક્શન ધીમા પડી રહ્યા છે. તેમના ગોદામોમાં માલનો ભરાવો થઈ ગયો છે. ગોદામોમાં વણવેચાયેલા માલનો જથ્થો વધી રહ્યો છે. તેથી નવા માલનું પ્રોડક્શન વધારવાની હિમ્મત થતી નથી. તદુપરાંત નિકાસકારોના તેમના માજન સાવ જ ઘસાઈ ગયા છે. કન્ટેઈનરના વીમાના ચાર્જ વધી ગયા હોવાથી યુરોપના દેશોમાં માલ મોકલવો પરવડે તેમ જ નથી.