બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાનું પાણી લેવલ કરતા વધુ ઠાલવાતા વેડફાટ
- એક મહિનાથી સતત પાણીનો વેડફાટ અંગે તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલા નહીં
- બાજુમાં આવેલા બગીચા અને રોડ પર ફરી વળતા પાણી : એક તરફ પાણીનો વેડફાટ જ્યારે બીજી બાજુ તંત્ર દ્વારા પીવાનું પાણી પાંચ-સાત દિવસે અપાય છે
આ અંગેની વિગત અનુસાર બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાનું પાણી લેવલ કરતા વધુ ભરાતા તળાવમાંથી પાણી શિરવાણ ફૂટયા હતા અને આ પાણી બગીચામાં ભરાતા પાણીના કારણે સવા કરોડના ખર્ચે બનાવાયેલ બગીચાની હાલત બગડી ગઈ છે. જ્યારે પાણીને અટકાવવાને બદલે તંત્ર દ્વારા નગરપાલિકા સંચાલિત ગાર્ડનમાં પાણીની મોટર પંપ દ્વારા પાણીને બહાર જાહેર રોડ પર કાઢવવામાં આવે છે. જેના કારણે પાણી રોડ પર ફરી વળ્યું છે. આ રોડ પર પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદરીયોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. એક તરફ તંત્ર દ્વારા પીવાનું પાણી પાંચ સાત દિવસે આપવામાં આવે છે જયારે બીજી બાજુ એક માસથી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. આ બાબતે જાગૃત નાગરિકે ગત તા. ૭-૧૦-૨૪ના રોજ નાયબ ઈજનેર (કાનીયાડ સબ ડીવીજન, કાનીયાડ કોલોની,ભાવનગર રોડ, બોટાદ)ને અરજી આપેલ હતી અને તેની નકલ કલેકટર બોટાદ, વહીવટદાર નગરપાલિકા અને પ્રાંત અધિકારી બોટાદ, ચીફ ઓફિસર, નગરપાલિકા, બોટાદ વગેરેને લેખિત જાણ કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ જાતના પગલાં ભરવામાં આવેલ નથી.