For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધુ્રફણિયા ગામે યુવકના મોત મામલે બે શખ્સને પાંચ અને 3 વર્ષ કેદની સજા

Updated: May 8th, 2024

ધુ્રફણિયા ગામે યુવકના મોત મામલે બે શખ્સને પાંચ અને 3 વર્ષ કેદની સજા

- પત્નીએ લઘુશંકા કરવાની ના પાડતા પતિને પાઈપના ઘા ઝીંકી મરણતોલ ઈજા પહોંચાડી હતી

- 17 સાહેદ, 34 દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં લઈ બોટાદ કોર્ટે સા-અપરાધ મનુષ્યવધનો ગુનો માની સજા ફટકારી

બોટાદ : ગઢડા તાલુકાના ધુ્રફણિયા ગામે લઘુશંકા કરવાની ના પાડયાની દાઝ રાખી શખ્સે યુવકને પાઈપના ઘા ઝીંકી મરણતોલ ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્તનું સારવારમાં મૃત્યુ થયાની ઘટનામાં બોટાદ કોર્ટે એક શખ્સને પાંચ અને બીજા શખ્સને ત્રણ વર્ષ સખત કેદીની સજા ફટકારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાના ધુ્રફણિયા ગામે રહેતા વાલજીભાઈ નાગરભાઈ ચાવડાના ઘરની સામે ગત તા.૧૭-૪ના રોજ શૈલેષ પીઠાભાઈ ચાવડા નામનો શખ્સ લઘુશંકા કરી રહ્યો હતો. જેને વાલજીભાઈના પત્ની રેખાબેનએ લઘુશંકા કરવાની ના પાડતા શખ્સે તે વાતને લઈ ઉશ્કેરાઈ જઈ ઘરમાંથી પાઈપ લઈ આવી સમજાવવા આવેલા વાલજીભાઈના ભાઈ પ્રવીણભાઈ ચાવડાને શૈલેષ ચાવડા અને મુકેશ ચાવડાએ હાથ, માથાના ભાગે પાઈપથી માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમને સારવાર માટે ખાનગી વાહનમાં પ્રથમ બોટાદ બાદ ભાવનગર સર ટી.હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ઈજાગ્રસ્તનું સારવારમાં મૃત્યુ થતાં મારામારીનો મામલો હત્યામાં પરિણમ્યો હતો. જે બનાવ અંગે વાલજીભાઈ ચાવડાએ ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૩૨૫, જીપીએ ૧૩૫ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શખ્સની ધરપકડ કરી હતી.

દરમિયાનમાં આ કેસ બોટાદના એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ધર્મેન્દ્રસિંહ ગેમલસિંહ રણાની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલો, સરકાર તરફે રજૂ કરાયેલા ૧૭ સાહેદો, ૩૪ દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ ધર્મેન્દ્રસિંહ ગેમલસિંહ રણાએ આ બનાવ ખૂન નહીં પરંતુ સા-અપરાધ મનુષ્યવધનો ગુનો માની આઈપીસી ૩૦૪ મુજબ તકસીરવાન ઠેરવી શૈલેષ ચાવડાને પાંચ વર્ષ સખત કેદની સજા, રોકડ રૂા.૫૦,૦૦૦નો દંડ, મુકેશ પીઠાભાઈ ચાવડા નામના શખ્સને આઈપીસી ૩૨૫ મુજબ કસુરવાન ઠેરવી ત્રણ વર્ષ સખત કેદ, ૨૫ હજારનો દંડ અને બન્ને શખ્સે જીપીએ ૧૩૫ અન્વયે છ માસની સાદી કેદ, એક હજારનો દંડ ફટકાર્યો હતો. આ કામે વિથ પ્રોસિક્યુશન તરીકે એડવોકેટ એમ.એ. યાદવ રોકાયેલા હતા.

Gujarat